ગુજરાતના ડૉક્ટરો સરકારની નીતિ વિરુદ્ધ ભૂખહડતાળ પર ઊતર્યા- BBC TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશન (આઈએમએ) ગુજરાત બ્રાન્ચ સાથે સંકળાયેલા 20 ડૉક્ટરો અમદવાદના આશ્રમ રોડ સ્થિત અમદાવાદ મેડિકલ ઍસોસિએશન હોલ ખાતે એક દિવસની પ્રતીક ભૂખહડતાળ પર બેઠા છે.
આઈએમએ ગુજરાત બ્રાન્ચ સાથે 30 હજાર ડૉક્ટરો સંકળાયેલા છે. આઈએમએ હેડક્વાટર અનુસાર 1થી 14 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં વિવિધ શહેરોમાં ડૉક્ટરો પ્રતીક ભૂખહડતાળ કરશે. ડૉક્ટર્સ ટીમો બનાવીને સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ભૂખહડતાળ કરશે. હડતાળમાં ભાગ લેતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે.
આઈએમએ ગુજરાતના સેક્રેટરી ડૉ. કમલેશ સૈનીએ જણાવ્યું કે, "મોર્ડન મેડિસીનએ આયુર્વેદ કરતાં અલગ છે અને સરકારે મિક્સોપેથીને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. આ અંતર્ગત આયુર્વેદિક ડૉક્ટરોને 3 વર્ષના કોર્સ બાદ સર્જરી કરવાની પરવાનગી મળી જશે."
તેમણે જણાવ્યું કે, "મિક્સોપેથી સામે પોતાનો વિરોધ નોંધવવા માટે સોમવારથી અમે પ્રતીક ભૂખહડતાળની શરૂઆત કરી છે. મંગળવારે બીજી બેચના ડૉક્ટરો ઉપવાસમાં ભાગ લેશે. અમદાવાદ સહિત વડોદરા અને સુરતમાં પણ પ્રતીક ભૂખહડતાળનું આયોજન કરવામાં આવશે."

રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ દિલ્હી કૉંગ્રેસે પાસ કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના દિલ્હી એકમે રવિવાર સાંજે એક પ્રસ્તાવ પાસ કરીને પાર્ટી નેતા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માગણી કરી.
દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અનિલ ચૌધરીએ આ પ્રસ્તાવ રજૂ કર્યો જે સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો.
તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ જૂનમાં કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી થવાની છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
2019માં લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ તરીકે પદભાર સંભાળી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાર્ટીમાં ઘણા લોકો એક કાયમી અધ્યક્ષની માગ કરી રહ્યા છે.

ગુજરાતમાં કલેક્ટરો અને પોલીસના મોટા અધિકારીઓને કોવિડ-19ની રસી

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે રવિવારે ગુજરાતમાં કોવિડ-19ની મહામારીમાં આગળ પડતી ભૂમિકા ભજવનાર ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ શરૂ થયું હતું. આ ડ્રાઇવની શરૂઆતમાં કલેક્ટરો, પોલીસ અને સિવિક કમિશનરોને રસી આપવામાં આવી હતી.
રસી મુકાવ્યા બાદ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોના સામેની જંગ જીતવા માટે બધાને રસી મૂકવામાં આવે એ જરૂરી છે.
તેમણે આગળ કહ્યું કે, “રસી મુકાવ્યા પછી હું એકદમ સરસ અનુભવી રહ્યો છું... પોલીસને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ખૂબ વધુ છે, તેથી રસીકરણના કારણે તેમને ચેપથી બચવામાં મદદ મળશે.”
અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે રસી મુકાવનારા અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સગાલેએ કહ્યું કે, કોરોના વાઇરસની મહામારી સમયે ફ્રન્ટલાઇન વર્કરોએ ભજવેલી ભૂમિકાની સરાહનાના ભાગરૂપે તેઓ અને રાજ્યના અન્ય ઉચ્ચ અધિકારીઓ રસીકરની ડ્રાઇવમાં જોડાયા હતા.
આ સિવાય તેમણે તમામ ફ્રન્ટલાઇન વર્કરોને રસી મુકાવવાની અપીલ પણ કરી અને કહ્યું કે, રસી ‘એકદમ સુરક્ષિત અને કાર્યક્ષમ છે.’

આંગ સાન સૂ ચીની ધરપકડ, NLD પ્રવક્તાએ જારી કર્યું નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images
મ્યાનમારમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચીની સેનાએ ધરપકડ કરી લીધી છે. આંગ સાન સૂ ચીની પાર્ટીના પ્રવક્તાએ નિવેદન જારી કરીને આ અંગે જાણકારી આપી છે.
પાછલા કેટલાક સમયથી સરકાર અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ અને તખ્તાપલટની આશંકાઓ વચ્ચે આ ધરપકડ થઈ છે.
નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ નવેમ્બર માસમાં થયેલી ચૂંટણીમાં ભારે જીત હાંસલ કરી હતી પરંતુ સેનાનો દાવો છે કે આ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે.
સેનાએ સોમવારે સંસદની બેઠકને સ્થગિત કરવાનું આહ્વાન કર્યું છે.
નૅશનલ લીગ ફૉર ડેમૉક્રેસી પાર્ટીના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી રૉયટર્સને કહ્યું, સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મ્યિંટ અને બીજા નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
તેમણે આશંકા વ્યક્ત કરી કે આવનારા સમયમાં તેમની પણ ધરપકડ થઈ શકે છે.
બીબીસી દક્ષિણ-પૂર્વ એશિયાના સંવાદદાતા જૉનાથન હેડનું કહેવું છે કે મ્યાનમારના પાટનગર નેપીટાવ અને મુખ્ય શહેર યંગૂનમાં રસ્તા પર સૈનિકો હાજર છે.
બીબીસી બર્મા સેવાએ જણાવ્યું કે પાટનગરમાં ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.

રાજ્યમાં કોવિડ-19ની દવાના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇંડિયાના એક અહેવાલ પ્રમાણે પાછલા અમુક દિવસોમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટતા રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા રેમડેસિવિર અને ફાવિપિરાવિરના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
અહેવાલ અનુસાર રાજ્યમાં કોરોનાની બીજી લહેર પછી લોકો દ્વારા કોરોનાની રોકથામનાં પગલાં ગંભીરતાપૂર્વક લેવાતાં કેસોમાં ઘટાડો જોવા મળ્યો હોઈ શકે છે.
જ્યાં ડિસેમ્બર, 2020માં રેમડેસિવિરના 91,494 ઇન્જેક્શન વેચાયાં હતાં ત્યાં જ સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી, 2021માં 19,871 ઇન્જેક્શનોનું વેચાણ થયું છે. આમ આ ઇન્જેક્શનના કુલ વેચાણમાં 78 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આવી જ રીતે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા ફેવિસિવરનું વેચાણ પણ ઘટ્યું છે. ડિસેમ્બર, 2020માં જ્યાં આ દવાના ચાર લાખ યુનિટ વેચાયા હતા ત્યાં જ જાન્યુઆરી, 2021માં આ દવાના 55,900 યુનિટ વેચાયા છે.
ફૂડ ઍન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ગુજરાત દ્વારા બહાર પડાયેલ ડેટા પ્રમાણે કોરોના વિરુદ્ધ રસી આપતી દવાની વપરાશ નવેમ્બર, 2020માં સૌથી વધુ જોવા મળી હતી.
અહેવાલ પ્રમાણે પાછલ કેટલાક સમયથી રાજ્યમાં પૉઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો આવતાં આ દવાઓના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

ભારત અને અમેરિકા વચ્ચે પ્રથમ યુદ્ધાભ્યાસ યોજાશે

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇંડિયાના એક અહેવાલ અનુસાર જો બાઇડને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આવતા અઠવાડિયે રાજસ્થાનમાં ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે પ્રથમ યુદ્ધાભ્યાસ યોજાશે.
નોંધનીય છે કે બાઇડન વહીવટી તંત્ર ઇન્ડો-પૅસિફિક વિસ્તારમાં પોતાના મહત્ત્વપૂર્ણ ભાગીદાર તરીકે ભારતને ગણાવી ચૂક્યું છે.
આ યુદ્ધાભ્યાસ અંગે ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે, “8 થી 21 ફેબ્રુઆરીના રોજ મહાજન ફિલ્ડ ફાઇરિંગ રૅન્જમાં યોજાનાર આ યુદ્ધાભ્યાસ સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા અને ભારત વચ્ચે સહકારની દિશામાં વધુ એક પગલું સાબિત થશે.”
આ યુદ્ધાભ્યાસમાં અમેરિકા તરફથી સ્ટ્રાઇકર બ્રિગેડ કોમ્બેટ ટીમના 250 સૈનિકો અને બ્રિગેડ હેડક્વાર્ટર સામેલ હશે. તેમજ ભારત તરફથી આ યુદ્ધાભ્યાસમાં ઇન્ફેન્ટ્રી બ્રિગેડ હેડક્વાર્ટર અને જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રીની બટાલિયન સામેલ થશે.
એક અધિકારીએ આ યુદ્ધાભ્યાસના હેતુ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “અર્ધ શહેરી અને અર્ધ-રણવિસ્તારોમાં એકમેકના સહકારથી ઉગ્રવાદીવિરોધી ઑપરેશન પાર પાડવામાં સરળતા રહે તે હેતુથી આ યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ ઑપરેશન દરમિયાન હેલિકૉપ્ટર અને ઇન્ફેન્ટ્રી કૉમ્બેટ વ્હિકલના ઉપયોગ કરી કાર્ય પાર પાડવાના હેતુ પર પણ ભાર મૂકવામાં આવશે.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















