Aus v Ind : ભારત સામે બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયા આઠ વિકેટથી પરાસ્ત

ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતે બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવ્યું છે. ચાર ટેસ્ટ મૅચેની સિરીઝમાં ભારત અને ઑસ્ટ્રેલિયા 1-1ની બરોબરી પર આવી ગયાં છે. ભારતે આ મૅચ વિપરીત પરિસ્થિતિમાં જીતી છે. ટીમના ઘણા મહત્ત્વપૂર્ણ ખેલાડી મૅચમાંથી બહાર છે. ઉમેશ યાદવને પણ ત્રણ ઓવર બાદ જ બહાર થવું પડ્યું હતું.

ભારતને બીજી ટેસ્ટ મૅચમાં જીત માટે માત્ર 70 રન બનાવવાના હતા પરંતુ બે વિકેટ ઝડપથી પડી ગઈ. ઓપનિંગ કરવા આવેલા મયંક અગ્રવાલ 15 બૉલ પર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયા. અગ્રવાલ બાદ ચેતેશ્વર પુજારા આવ્યા પરંતુ તેઓ ચાર બૉલ જ રમી શક્યા.

મયંક અગ્રવાલનો કૅચ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેને મિચેલ સ્ટાર્કના બૉલ પર ઝડપ્યો. જ્યારે પુજારા પૅટ કમિન્સના બૉલ પર કૅમરોન ગ્રીનને કૅચ આપી બેઠા. પહેલાં તો એવું લાગી રહ્યું હતું કે ભારત આ મૅચમાં 10 વિકેટથી પણ જીતી શકે છે.

ઓપનિંગ કરવા આવેલા શુભમન ગિલ પિચ પર અડગ રહ્યા અને કૅપ્ટન અજિંક્ય રહાણ સાથે મળીને ભારતને જીત અપાવી દીધી. શુભમન ગિલ 35 અને અજિંક્ય રહાણે 27 રન બનાવી શક્યા. શુભમન ગિલે બીજી ઇનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ ટેસ્ટ નહીં વનડે મૅચ રમી રહ્યા છે. ગિલે પ્રથમ ઇનિંગમાં પણ 45 રન બનાવ્યા હતા.

બીજી ટેસ્ટ મૅચની બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાના તમામ ખેલાડી 103.1 ઓવરમાં 200 રન બનાવીને આઉટ થઈ ગયા. ઑસ્ટ્રેલિયાને માત્ર 69 રનની લીડ મળી અને ભારતને આ ટેસ્ટ મૅચ જીતવા માટે માત્ર 70 રનનો ટાર્ગેટ મળ્યો. ભારતે આ લક્ષ્ય બે વિકેટ ગુમાવીને 15.5 ઓવરમાં જ હાંસલ કરી લીધું.

પ્રથમ ઇનિંગમાં ભારત કરતાં 131 રન ઓછા કર્યા બાદ ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન બીજી ઇનિંગમાં પણ ભારતીય બૉલરો સામે લાચાર દેખાયા.

અજિંક્ય રહાણે

ઇમેજ સ્રોત, Getty Images

જો કૅમરોન ગ્રીન પિચ પર ન ટક્યા હોતો અને 121 મિટ સુધી તેમનો સાથે પૅટ કમિન્સે ન આપ્યો હોત તો ભારતને સરળતાથી જીત મળી ગઈ હોત. બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાની તરફથી કૅમરરોન ગ્રીને સૌથી વધુ 45 રન બનાવ્યા હતા.

ભારતે ઑસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં 195 રનના જવાબમાં અજિંક્ય રહાણેના શાનદાર 112 રનની મદદથી કુલ 326 રન બનાવ્યા હતા. ચાર ટેસ્ટ મૅચોની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા 1-0થી આગળ હતું પરંતુ હવે બંને ટીમો 1-1ની બરોબરી પર આવી ગઈ છે.

ભારતના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 28 રન આપીને બે વિકેટ લીધી છે અને જસપ્રીત બુમરાહે પણ બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાની બે વિકેટ ઝડપી હતી.

આ સિવાય મેલબર્નમાં ટેસ્ટ કરિયરની શરૂઆત કરનારા મોહમ્મદ સિરાજ બીજી ઇનિંગમાં શાનદાર ત્રણ વિકેટ લીધી છે. સિરાજે માત્ર 37 રન આપીને ત્રણ વિકેટ લીધી છે. બીજી ઇનિંગમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા મોહમ્મદ સિરાજ જ હતા.

મોહમ્મદ સિરાજે ધ હિંદુ અખબારને કહ્યું કે તેમણે લૉકડાઉન દરમિયાન પોતાની ફિટનેસ અને બૉલિંગ પર ઘણી મહેનત કરી હતી. સિરાજે કહ્યું કે IPLમાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતું, જે કારણે તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહ્યો હતો.

line

ઑસ્ટ્રેલિયન ખેલાડી બીજી ઇનિંગમાં આવતાં-જતાં રહ્યા

ઑસ્ટ્રેલિયા ભારત

ઇમેજ સ્રોત, Getty Images

જોકે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતના તમામ ખેલાડી 36 રને જ આઉટ થઈ ગયા હતા. ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન બીજી ટેસ્ટ મૅચમાં ભારતીય બૉલરોની સામે વધુ લાચાર દેખાયા.

ઑસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ચાર રનના સ્કોર પર જ પડી ગઈ હતી. ઓપનિંગ કરવા આવેલા જો બર્ન્સ અને મૅથ્યુ વેડની જોડીને ઉમેશ યાદવે બીજી ઓવરમાં જ તોડી નાખી. બર્ન્સે 10 બૉલ રમ્યા અને ઉમેશ યાદવના બૉલ પર વિકેટકીપર ઋષભ પંતના હાથમાં કૅચ આપી બેઠા.

પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાની તરફથી સૌથી વધુ 48 રન બનાવનારા માર્નસ લાબુશેન પણ 28 રન બનાવીને આઉટ થઈ ગયા. આર. અશ્વિનના બૉલ પર તેઓ કૅપ્ટન અજિંક્ય રહાણેના હાથમાં કૅચ આપી બેઠા. બાકી રહેલી કસર જસપ્રીત બુમરાહે સ્ટીવન સ્મિથને આઠ રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કરીને પૂરી કરી દીધી.

એવું લાગી રહ્યું હતું કે મૅથ્યુ વેડ લાંબી ઇનિંગ રમશે. ઓપનિંગ કરવા આવેલા વેડ ત્રણ ચોગ્ગાની મદદથી 137 બૉલ પર 40 રન બનાવી ચૂક્યા હતા. વેડ પિચ પર પાછલી 188 મિનિટથી જામેલા હતા પરંતુ રવીન્દ્ર જાડેજાના બૉલ પર તેઓ LBW થઈ ગયા.

વેડ આઉટ થયા બાદ ટ્ર્ર્રૅવિડ હેડ પણ 17 રનના સ્કોર પર મોહમ્મદ સિરાજના બૉલ પર મયંક અગ્રવાલના હાથમાં કૅચ આપી બેઠા. કૅપ્ટન ટિમ પેન પણ નવ બૉલ પર એક રન બનાવીને આઉટ થઈ ગયા. તેમને રવીન્દ્ર જાડેજાએ ઋષભ પંતના હાથે કૅચ આઉટ કરાવ્યા.

ઑસ્ટ્રેલિયાની ચાર રને પહેલી, 42 રને બીજી, 71 રને ત્રીજી, 98 રને ચોથી અને પાંચમી 99 રને છઠ્ઠી વિકેટ પડી. ત્યાર બાદ કૅમરોન ગ્રીન અને પૅટ કમિન્સે ક્રમશ: 45 અને 22 રન બનાવીને ટીમને અમુક હદ સુધી સંભાળી. આ બંનેને પણ જાડેજા અન બુમરાહે વધુ સમય સુધી મેદાન પર ટકવા ન દીધા.

line

ભારતનું વિપરીત પરિસ્થિતિમાં સારું પ્રદર્શન

જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

ભારત વિરાટ કોહલી વગર રમી રહ્યું હતું. વિરાટ કોહલી પ્રથમ બાળકના પિતા બનવાના છે અને તેઓ એડિલેડ ટેસ્ટ બાદ રજા પર ઊતરી ગયા છે. ઉમેશ યાદવને પણ 3.3 ઓવર બાદ જ બહાર થવું પડ્યું અને રહાણેએ જેમ તેમ બૉલિંગના અટૅકને જાળવી રાખ્યું. ઝડપી બૉલર ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી પહેલાંથી ઈજાગ્રસ્ત હોવાના કારણે બહાર છે. રોહિત શર્મા અત્યાર સુધી આ સિરીઝમાં સામેલ નથી થઈ શક્યા.

જાડેજાએ ન માત્ર 57 રનની ઇનિંગ રમી પરંતુ વેડ અને પેન જેવી મહત્ત્વપૂર્ણ વિકેટ પણ લીધી. બુમરાહે પણ સારી બૉલિંગ કરી.

ઑસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયોને પોતાની ટીમની ફીલ્ડિંગની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની ટીમનું પ્રદર્શન પરેશાન કરનાર રહ્યું છે. રહાણેના બે કૅચ છૂટ્યા. એ સિવાય પંત અને શુભમ ગિલના પણ કૅચ છૂટ્યા હતા. લિયોને ABCને કહ્યું, "અમે તકો પોતાના પક્ષે લાવી હતી પરંતુ અમારી ફીલ્ડિંગ ઑસ્ટ્રેલિયા ટીમ જેવી નહોતી. અમે ઘણી તકો ગુમાવી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો