કોરોના વૅક્સિન : 28 ડિસેમ્બરે રસીનો પહલો જથ્થો ભારત આવી જશે? - BBC Top News

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ કોરોના વાઇરસના કેસનો કુલ આંકડો દેશમાં એક કરોડને પાર કરી ગયો છે, તો બીજી તરફ કોરોના વાઇરસની રસીનો પહેલો જથ્થો 28મી ડિસેમ્બરે દિલ્હી આવી પહોંચવાની તૈયારીમાં હોવાના સમાચાર છે.
'હિંદુસ્તાન'માં પ્રકાશિત અહેવાલ અનુસાર 28મી ડિસેમ્બરે રસીનો પહેલો જથ્થો દિલ્હી આવશે. તેને સુરક્ષિત રાખવા માટે રાજીવ ગાંધી હૉસ્પિટલમાં ટ્રકોમાં મોટા ડીપ ફ્રીઝર પણ પહોંચાડવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર સરકારે તૈયારીઓ કરી લીધી છે.
હૉસ્પિટલમાં 21 ડિસેમ્બરે કેટલાક ડીપ ફ્રીઝર પહોંચાડવામાં આવ્યા છે. બાકીના ડીપ ફ્રીઝર 25મી ડિસેમ્બરે પહોંચાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ અગાઉ કહી ચૂક્યા છે કે જાન્યુઆરીમાં દેશમાં રસીકરણ શરૂ થઈ જશે એવી શક્યતા છે.

ટ્ર્મ્પે મોદીને અમેરિકાનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ આપ્યો

ઇમેજ સ્રોત, FB@Darshana Jardosh
વડા પ્રધાન મોદીને અમેરિકામાં 'લીજન ઑફ મેરિટ' ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમના વતી ભારતીય રાજદૂત તરણજિત સિંઘ સંધુએ ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો હતો.
ટ્રમ્પે ખુદ આ ઍવૉર્ડ માટે નરેન્દ્ર મોદીનું નામ સૂચવ્યું હતું અને નોમિનેટ કર્યું હતું.
આ પહેલા રશિયા, સાઉદી અરેબિયા, બહેરિન, યુએઈ, પેલેસ્ટાઇન અને માલદીવ જેવા દેશોએ પીએમ મોદીને તેમનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે.

'યુકેમાં જોવા મળેલા કોરોનાના નવા પ્રકારની ભારતમા હાજરી નથી'

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારે 31 ડિસેમ્બર સુધી યુકેથી આવતી તમામ ફ્લાઇટ્સ પર રોક લગાવી દીધી છે. તેના એક દિવસ બાદ સરકારે કહ્યું છે કે આ બાબતથી ગભરાવાની જરૂર નથી. અને કહ્યું કે ભારતમાં આ નવા પ્રકારના વાઇરસની હાજરી જોવા નથી મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલે કહ્યું, "સરકાર નજર રાખી રહી છે. સરકાર 1000 વાઇરસ નમૂનાના જિનોમની પ્રતિક્રિયાઓ પર અભ્યાસ કરાવી રહી છે. અને મ્યુટેશન પર પણ તપાસ ચાલુ છે. અત્યાર સુધી ભારતમાં યુકેમાં જે પ્રકાર જોવા મળ્યો છે તે હાજર નથી."
"વળી એક વાત એ પણ છે કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા કે જે રસી તૈયાર થઈ છે તે નવા પ્રકાર સામે બિનઅસરકારક છે."

યુકેમાં રિપબ્લિક ચૅનલના કાર્યક્રમને પ્રસારિત કરનાર ઑપરેટરને દંડ થયો

યુકેની સરકારી એજન્સીએ રિપબ્લિક ભારત ચૅનલ દ્વારા ચલાવવામાં આવેલા એક કાર્યક્રમને પ્રસારિત કરનાર ઑપરેટરને યુકેમાં દંડ ફટકાર્યો છે.
'ધ વાયર'ના અહેવાલ મુજબ ઑપરેટરને 20 હજાર પાઉન્ડનો દંડ કરાયો છે.
અહેવાલમાં કહેવાયું છે કે ઑફકોમ અનુસાર 6 સપ્ટેમ્બર-2019ના રોજ અર્નબ ગોસ્વામીએ પાકિસ્તાન સામે કાર્યક્રમમાં વાંધાજનક ટિપ્પણીઓ કરતાં જોવા મળ્યા હતા.
બ્રિટિશ ટીવી નિયામક સંસ્થા ઑફકોમ સરકાર દ્રારા મંજૂર થયેલી ઑથોરિટી છે.
ઑફિસ ઑફ કમ્યૂનિકેશન (ઑફકોમ) નામની આ સંસ્થાએ રિપબ્લિક ચૅનલના 'પૂછતા હૈ ભારત' કાર્યક્રમમાં થયેલી વિવાદિત બાબતોની નોંધ લીધી હતી.
યુકેમાં ચૅનલના લાયસન્સી વર્લ્ડ વાઇટ મીડિયા નેટવર્ક લિમિટેડ અને ચૅનલ બંનેને નોટિસ પાઠવવામાં આવી છે.

યુકેથી ભારત આવેલા 20 પ્રવાસી કોરોના પૉઝિટિવ, 4 ગુજરાતમાં

ઇમેજ સ્રોત, Getty Images
જનસત્તાના અહેવાલ મુજબ બ્રિટનથી ભારત આવનારા 20 લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
અહેવાલ અનુસાર કોરોના સંક્રમિત છ યાત્રી એ વિમાનમાં સવાર હતા જે સોમવારે રાત્રે 11:30 દિલ્હી પહોંચ્યું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર યુકેથી ગુજરાત આવેલા ચાર પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
રવિવારે રાત્રે કોલકાતા હવાઇમથકે યુકેથી આવેલા બે પ્રવાસી કોવિડ પૉઝિટિવ નીકળ્યા હતા. વળી મંગળવારે અમદાવાદ પહોંચેલી ફ્લાઇટમાં પણ ચાર પ્રવાસી સંક્રમિત મળી આવ્યા હતા. અને અમૃતસર પહોંચેલી એક ફ્લાઇટના સાત ક્રૂ મેમ્બરમાંથી એક વ્યક્તિ સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.
કેસોને પગલે રાજ્યના આરોગ્ય તંત્રને તરત આ વિશે જાણ કરાઈ દેવાઈ હતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર કોલોકાતાની બંને વ્યક્તિના વાઇરસના જિનોમનો અભ્યાસ ચાલુ કરી દેવાયો છે. આરોગ્ય વિભાગ ચકાસી રહ્યું છે કે શું તેમનામાં જે વાઇરસનો નવો પ્રકાર બ્રિટનમાં જોવા મળ્યો છે તે છે કે પછી અન્ય પ્રકાર છે.
અહેવાલ અનુસાર વાઇરસનું સ્વરૂપ જાણતા એક સપ્તાહ લાગશે કે તેનો પ્રકાર કયો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















