અમદાવાદમાંથી 37 બાળમજૂરોને છોડાવવામાં આવ્યાં

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એસ્ટેટમાં વિવિધ કારનાખામાં કામ કરતા 37 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાયાં છે.

આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી દેવાઈ છે. બચપન બચાઓ આંદોલન, ચાઇલ્ડ લાઇન, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને પોલીસ સહિતની સંસ્થાઓએ એક સંયુક્ત કામગીરી હાથ ધરીને ઘટનાસ્થળોની મુલાકાત લઈ બાળકોને મુક્ત કરાવ્યાં હતાં.

પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિતની જગ્યાએથી બાળકોને લાવવામાં આવતા હતા અને તેમની પાસે કામ કરાવવામાં આવતું હતું.

ફરિયાદમાં કહેવાયું છે કે તેમને 5000થી 12000 રૂપિયા સુધીનો પગાર ચૂકવાતો હતો. અને તેમને ગુજરાતમાં લાવીને મજૂરી કરાવનાર મોટાભાગે તેમના સંબંધી જ છે.

બાળકોને 12 કલાક સુધી કારખાનામાં કામ કરાવડાવવામાં આવતું હોવાનું પણ પોલીસ ફરિયાદમાં કહેવાયું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસની મહામારીના સમયમાં ગુજરાતમાં બાળમજૂરીમાં વધારો થયો હોવાનું અનેક સંસ્થાઓનું કહેવું છે.

બીબીસી ગુજરાતીના એક અહેવાલમાં પરપ્રાંતીય શ્રમિકોના અધિકારો બાબતે કાર્યરત સંસ્થા આજીવિકા બ્યૂરોના મહેશ ગજેરાએ કહ્યું હતું કે "સરવેમાં અમે નોંધ્યું કે જે કામદારો પહેલાં એકલા મજૂરી માટે આવતા હતા તેઓ લૉકડાઉન પછી સપરિવાર સ્થળાંતર કરવા લાગ્યા છે કારણકે સ્કૂલો બંધ છે."

મહેશ ગજેરા કહે છે કે "હવે ચિત્ર એવું છે કે કડિયાનાકા પર કિશોરો વધારે જોવા મળે છે. ગુજરાતમાં ચણતરમાં બાળમજૂરીનું પ્રમાણ વધી રહ્યું છે. શ્રમિકોને અનલૉક પછી જુલાઈ મહિનાથી કામ ઓછું મળવા લાગ્યું હતું. તેથી મજૂરી દર પણ ઓછો થઈ ગયો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો