You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકારના કૃષિકાયદા રદ કરવાના ઇન્કાર બાદ ખેડૂતો હવે શું કરશે?
ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે મોડી સાંજે ખેડૂતસંગઠનોના એક સમૂહને કહ્યું કે સરકાર ત્રણ નવા કૃષિકાયદાને પરત ન લઈ શકે.
કેન્દ્ર સરકારે ખેડૂતોને આ વાત ત્યારે કહી જ્યારે ખેડૂત સંગઠનોએ સરકાર પર દબાણ લાવવા માટે ભારત બંધનું એલાન આપ્યું હતું.
ઑલ ઇન્ડિયા કિસાન સભાના નેતા હનન મુલ્લાએ ગૃહમંત્રી સાથેની બેઠક બાદ કહ્યું કે અમિત શાહ બુધવારે સવારે કૃષિકાયદામાં સંધોધન કરવા માટે લેખિતમાં આશ્વાસન આપશે.
મુલ્લાએ કહ્યું કે બુધવારે બપોરે આંદોલનકારી ખેડૂતો સિંધુ બૉર્ડર પર સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરશે.
તેઓએ કહ્યું કે ખેડૂતો સંશોધન નહીં પણ આ ત્રણ કાયદા રદ કરાવવા માગે છે. જોકે કેટલાક ખેડૂતનેતાઓ ઇચ્છે છે કે સરકારના પ્રસ્તાવને ફગાવતા પહેલાં તેના પર ચર્ચા થવી જોઈએ.
મંગળવારે ખેડૂતોના ભારત બંધને 25 રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું. તેમાં ટ્રેડ યુનિયન, રીટેલ અને ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશન અને ઘણા વેપારી એકમો સામેલ હતાં.
બુધવારે પ્રસ્તાવિક વાર્તા સ્થગિત
મંગળવારે મોડી રાતે અમિત શાહ સાથે ખેડૂત સંગઠનોના નેતાઓની થયેલી ઔપચારિક મુલાકાત બાદ બુધવારે સરકાર સાથેની ખેડૂતોની પ્રસ્તાવિક વાર્તા સ્થગિત કરાઈ છે.
અત્યાર સુધીમાં ખેડૂત સંગઠનોએ વલણ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ હવે શું કરશે. અમિત શાહ અને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે 14 ખેડૂતનેતાઓ સાથે મુલાકાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રીય કિસાન મહાસંઘના બે નેતા પણ ગૃહમંત્રીની સાથેની બેઠકમાં સામેલ હતા.
આ સંઘના પ્રવક્તા અભિમન્યુ કોહારે કહ્યું :
"સરકારના લેખિત પ્રસ્તાવ મળ્યા બાદ ખેડૂતનેતાઓ પોતાની આગામી રણનીતિ નક્કી કરશે. ખેડૂતનેતાઓ પોતાની બધી માગોને લઈને પ્રતિબદ્ધ છે. તેમાં ત્રણ નવા કૃષિકાયદાને રદ કરવા, એમએસપી ગૅરંટી લૉ અનિવાર્ય કરવો, વીજળીબિલ માફ કરવું અને પરાળ બાળનારા ખેડૂતો પર કરેલો દંડ પરત લેવો સામેલ છે."
હવે ખેડૂતો શું કરશે?
હજુ પણ સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સહમતી નથી સધાઈ. ખેડૂતનેતાઓ અનુસાર અમિત શાહ સાથે મંગળવારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ પૂસા કૉમ્પલેક્સમાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અમિત શાહે કહ્યું કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે એક પ્રસ્તાવ રજૂ કરશે. જેમાં ત્રણેય કાયદાઓમાં સંશોધનની વાત હશે.
ક્રાંતિકારી કિસાન યુનિયનના દર્શનપાલે કહ્યું છે કે તેમને કેન્દ્ર સરકારનો સંશોધન પ્રસ્તાવ સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે ત્રણેય કાયદા પરત લેવાયા બાદ જ વિરોધ પૂર્ણ થશે.
જોકે, બુધવારે સિંઘુ બૉર્ડર પર કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાશે અને તેમાં આગળની રણનીતિ નક્કી કરાશે.
બુધવારે દસ વાગ્યે આ બેઠક યોજાવાની છે. 'રાષ્ટ્રીય કિસાન મહાસંઘ'ના નેતા શિવ શર્મા કાકાજીએ કહ્યું છે કે ખેડૂતો પોતાની માગ પર અડગ છે કે ત્રણેય કાયદાઓ પરત લેવા પડશે.
તેમણે કહ્યું, "સરકાર સંશોધન માટે કહી રહી છે જોકે, અમારી માગ છે કે ત્રણેય કાયદાઓ રદ કરવામાં આવે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો