You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન, કોરોનાની સારવાર હેઠળ હતા
ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે.
તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ છેલ્લા ત્રણ મહિનાથી કોરોના વાઇરસની સારવાર હેઠળ હતા.
કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ અભય ભારદ્વાજની શરૂઆતમાં રાજકોટમાં જ સારવાર આપવામાં આવી હતી.
જોકે, જે બાદ તેમની તબિયત વધારે ખરાબ થતા તેમને વિમાન દ્વારા ચેન્નઈ વધારે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ચેન્નઈની હૉસ્પિટલમાં જ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
આ વર્ષે થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ ગુજરાતમાંથી સાંસદ બન્યા હતા.
અભય ભારદ્વાજના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.
મોદીએ કહ્યું કે અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવામાં હંમેશાં અગ્રેસર રહ્યા છે. એ ખૂબ દુખની વાત છે કે આપણે આવા તેજસ્વી અને ખૂબ ઊંડી સમજણ ધરાવતી વ્યક્તિને ગુમાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં રમીલાબહેન બારા સાથે અભય ભારદ્વાજને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ સાંસદ બન્યા હતા.
કોણ હતા અભય ભારદ્વાજ?
રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ 2016માં ત્યારે વિવાદમાં આવ્યું હતું જ્યારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી.
એ વખતે તેમની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક સામે વિરોધ થયો હતો.
તેમની નિમણૂક પર વિવાદ થયો હતો, કેમ કે તેઓ 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા.
રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો હતો.
અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના સગા થાય છે.
ઉમેદવારી વખતે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં અભય ભારદ્વાજે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા એ તેમની પ્રાથમિકતા રહેશે.
અમદાવાદમાં મુસ્લિમ રહીશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો. તેમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.
જોકે, આ એક જ અસાઇમેન્ટથી અભય ભારદ્વાજ સરકારની નજીક હતા એવું નથી.
જુલાઈ 2019માં ગુજરાત સરકારે તેમને અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નિમ્યા હતા.
આ ઉપરાંત કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂક્યા હતા.
નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા.
રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનાં મૃત્યુના કેસમાં પણ તેઓ સરકારી વકીલ હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો