You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂતો નેતાઓ અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, બેઠક બાદ ખેડૂત નેતાઓએ શું કહ્યું?
કૃષિ સુધારા કાયદા મામલે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ત્રણ ડિસેમ્બરના રોજ ફરી બેઠક થશે.
દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં 30થી વધુ ખેડૂત સંગઠનો સાથેની બેઠકમાં કેન્દ્ર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલ મંત્રી પિયૂષ ગોયલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ સામેલ હતા.
લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠક સમાપ્ત થયા બાદ કૃષિ મંત્રીએ કહ્યું કે વાતચીત સારી રહી અને આગળ પણ વાતચીત ચાલુ રહેશે.
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું, "મિટિંગ સારી રહી, અમે નક્કી કર્યું કે ત્રણ ડિસેમ્બરના ફરી વાતચીત થશે. અમે લોકો ઇચ્છીએ છીએ કે ખેડૂત સંગઠનો વાતચીતને આગળ વધારવા માટે એક નાનું ગ્રૂપ બનાવે પરંતુ ખેડૂતો ઇચ્છે છે કે બધા લોકો સાથે વાત કરવામાં આવે. અમને તેની સામે કોઈ વાંધો નથી."
બેઠકમાં સામેલ ઑલ ઇન્ડિયા કિસાન ફેડરેશનના અધ્યક્ષ ઍડવોકેટ પ્રેમ સિંહ ભંગુએ બીબીસી સંવાદદાતા વાત્સલ્ય રાયને કહ્યું કે સરકારના મંત્રીઓ સાથે વાતચીત સારી રહી પરંતુ તેમનો મત સાફ છે કે ત્રણેય કાયદા સંપૂર્ણ રીતે ખોટા છે.
પ્રેમ સિંહ ભંગુનું કહેવું હતું, "મિટિંગ દરમિયાન કૃષિ મંત્રીએ કહ્યું કે કોઈ કાયદો બનાવવામાં 10થી 12 વર્ષ લાગે છે તેમ છતાં પણ એ જરૂરી નથી કે તે સો ટકા પૂર્ણ હોય, તેમાં કેટલીક ખામીઓ રહી જતી હોય છે. પરંતુ અમારું કહેવું હતું કે અમે કાયદાની એક એક કલમ વાંચી છે અને એ અડધો જ નહીં પરંતુ પૂરો જ ખોટો છે અને તમે માની જાવ કે તેને પૂરેપૂરો જ રદ કરવાનો છે."
તેમણે કહ્યું કે ત્રણ ડિસેમ્બરના રોજ બેઠકમાં સરકાર તરફથી એ લોકો જ રહેશે જે આજે સામેલ હતા.
ત્રણ ડિસેમ્બરના બપોરે 12 વાગ્યે બેઠક શરૂ થશે જેમાં ત્રણેય કાયદાની એક-એક કલમ પર ચર્ચા થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે હાલ ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે.
મોદી સરકારના ત્રણ કૃષિ સુધારા કાયદા સામે ખેડૂતો છેલ્લા છ દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે.
સરકાર સાથે બેઠક કરવા જઈ રહેલા ખેડૂત નેતાઓનું કહેવું છે કે તેઓ કાયદાને પરત લેવાની માગ સાથે કોઈ સમાધાન નહીં કરે.
ખેડૂતો સાથેની બેઠક પહેલાં ગૃહ મંત્રી અમિત શાહ, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને બેઠક કરી હતી.
સરકાર ખેડૂતો સાથે 3 ડિસેમ્બરના રોજ કૃષિ સુધારા કાયદા મામલે વાતચીત કરવાની હતી. જોકે, કૃષિ મંત્રીના કહેવા પ્રમાણે કોરોના વાઇરસની સ્થિતિને જોતાં બેઠક વહેલી બોલાવવામાં આવી છે.
ખેડૂતોને બોલાવ્યા, રસ્તા પર વાત ન થાય : કૃષિમંત્રી
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે માગણીઓ પર રસ્તા પર વાત ના થાય. તેમણે જણાવ્યું કે ખેડૂતોને આજે ત્રણ વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે અને તેઓ આવશે તો તેમનું સ્વાગત છે.
કેટલાય દિવસોથી દિલ્હીની સીમા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકારે આજે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના વિજ્ઞાનભવનમાં વાતચીત માટે આમંત્રણ પાઠવ્યું છે.
જોકે, કેટલાંક ખેડૂતસંગઠનોનું કહેવું છે કે સરકારે માત્ર 32 યુનિયનો અને તેમના નેતાઓને જ વાર્તા માટે બોલાવ્યા છે. આ સંગઠનોની ઇચ્છા છે કે દેશભરના તમામ ખેડૂતસંગઠનોને આમંત્રણ પાઠવવામાં આવે.
આ દરમિયાન કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ બીજેપી અધ્યક્ષ જે. પી. નડ્ડાના ઘરે પહોંચ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈના મતે નડ્ડાના ઘરે ખેડૂત આંદોલન મુદ્દે મહત્ત્વની બેઠકમાં ભાગ લેવા માટે બન્ને ત્રણેય નેતા પહોંચ્યા છે.
કહેવાઈ રહ્યું છે કે આ બેઠકમાં ખેડૂતો સાથે બપોર થનારી વાતીચીતની રણનીતિ અંગે ચર્ચા કરાઈ રહી છે.
પ્રદર્શનકારીઓ તૈયાર કરશે રણનીતિ
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે ખેડૂત યુનિયનોને વાતચીત માટે મંગળવાર બપોરે ત્રણ વાગ્યે આમંત્રિત કર્યાં છે. કૃષિમંત્રાલયના સચિવ સંજય અગ્રવાલે એક પત્ર જાહેર કરીને ખેડૂત યુનિયનના નેતાઓને ભારત સરકારના મંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિત સાથે વાતચીત માટે નવી દિલ્હીસ્થિત વિજ્ઞાનભવનમાં બોલાવ્યા છે.
કૃષિમંત્રાલયે કુલ 32 યુનિયનો અને તેમના નેતાઓને વાતચીત માટે બોલાવ્યાં છે.
કેન્દ્ર સરકારની આ પહેલ પર ખેડૂત યુનિયનના નેતાઓ મંગળવારે સવારે બેઠક કરશે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે જેઓ પ્રથમ તબક્કાની વાતચીતમાં સામેલ હતાં એ તમામ યુનિયનો અને તેમના નેતાઓને વાર્તા માટે આમંત્રિત કરાયાં છે.
જે ખેડૂત યુનિયનો અને નેતાઓને કૃષિમંત્રીએ બોલાવ્યાં છે, તેમનાં નામ નીચેની તસવીરમાં જોઈ શકાય છે.
'નિર્ણાયક લડાઈ લડવા દિલ્હી આવ્યા'
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ દિલ્હીમાં 'નિર્ણયાક લડાઈ' લડવા માટ પહોંચ્યા છે.
આ ખેડૂતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી 'મન કી બાત' સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
સિંઘુ બૉર્ડ પર પત્રકારપરિષદમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે તેઓ ત્યાં સુધી પોતાનું વિરોધપ્રદર્શન ચાલુ રાખશે, જ્યાં સુધી તેમની માગ પૂરી નહીં થાય.
ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ જગમોહન સિંહે કહ્યું, "અમે અમારી માગોને લઈને કોઈ સમજૂતી નહીં કરીએ."
તેમણે કહ્યું જો તેમની ચિંતા પર ધ્યાન નહીં આપવામાં આવે તો શાસક પક્ષને આની મોટી કિંમત ચૂકવવી પડશે.
"અમે અહીં નિર્ણાયક લડાઈ લડવા માટે આવ્યા છીએ"
તેમણે કહ્યું, "અમે દિલ્હી સરહદ પર અડગ રહીશું અને અહીંથી અમારી રણનીતિ બનાવીશું. અમે દિલ્હી વડા પ્રધાનને અમારી 'મન કી બાત' સંભળાવવા આવ્યા છે. જો તેઓ નહીં સાંભળે તો શાસક પક્ષને ભારે કિંમત ચૂકવવી પડશે."
ભારતીય કિસાન યુનિયનના હરિયાણા-અધ્યક્ષ ગુરનામ સિંહે જણાવ્યું છે કે અત્યાર સુધી આંદોલનને 'દબાવવા' માટે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ 31 મામલા નોંધાઈ ચૂક્યા છે. જોકે, જ્યાં સુધી ખેડૂતોની માગ માનવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પોતાનું આંદોલન ચાલુ રાખશે.
અખિલ ભારતીય સંઘર્ષ સમન્વય સમિતિના સભ્ય યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે ખેડૂતો અંગે પાંચ પ્રકારનાં અસત્યો ફેલાવાઈ રહ્યાં છે. જેમાંથી એક અસત્ય એવું છે કે માત્ર પંજાબના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યા છે.
તેમણે એવું પણ કહ્યું કે કેટલાંય રાજ્યો દ્વારા કરાઈ રહેલા આ 'ઐતિહાસિક આંદોલન'નાં 'ઐતિહાસિક પરિણામ' પણ આવશે.
પીએ મોદીએ કહ્યું - ટેકાના ભાવમાં વર્ષો સુધી છેતરપિંડી કરાઈ, હવે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે
વડા પ્રધાન મોદીએ સોમવારે નેશનલ હાઇવ નંબર 19 પર પ્રયાગરાજ-વારાણસીને જોડનારા છ લેનના હાઇવેનું ઉદ્ઘાટન કર્યું.
વડા પ્રધાને આ પ્રસંગે ખેડૂતોના વિરોધપ્રદર્શન વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું, "ખેડૂતોના નામ પર મોટીમોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હતી. પરંતુ તેઓ ખુદ માનતા હતા કે 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા ખેડૂતો સુધી પહોંચે છે. એટલે કે યોજનાઓના નામે છેતરપિંડી."
"ટેકાના ભાવ તો જાહેર થતા હતા પરંતુ ટેકાના ભાવે ખરીદી બહુ ઓછી કરવામાં આવતી હતી. વર્ષો સુધી ટેકાના ભાવને લઈને છેતરપિંડી કરવામાં આવી."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો