#FarmersProtest : દિલ્હીમાં ખેડૂતો અડગ, વાર્તા માટે તૈયાર પણ શરત નામંજૂર

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ખેડૂતોના 'દિલ્હી ચલો' આંદોલનનો આજે પાંચમો દિવસ છે. નવા કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

બીજી તરફ દિલ્હી-યૂપીની ગાઝીપુર-ગાઝિયાબાદ બૉર્ડર પર પણ સુરક્ષાવ્યવસ્થા વચ્ચે ખેડૂતોનાં પ્રદર્શનો ચાલુ છે.

રવિવારે ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પણ શરત નહીં માને. આમાં સિંઘુ અને ટિકરી બૉર્ડરથી બુરાડી મેદાનમાં જવાની શરત સામેલ છે.

આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથેની વાતચીત માટે તૈયાર છે. જોકે, પહેલાં સિંઘુ અને ટિકરી બૉર્ડરથી દિલ્હીના બુરાડી મેદાનમાં આવવું પડશે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુઆર આ વચ્ચે રવિવારે સાંજે ખેડૂતોના આ મામલે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાના ઘરે પક્ષના મોટા નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી અને કૃષિમંત્રી હાજર રહ્યા હતા.

પીટીઆઈ આનુસાર બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે ત્રણેય કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતોનાં પ્રદર્શનો પર વિચાર-વિમર્શ કર્યા.

આ પહેલાં અમિત શાહે ખેડૂતોનાં પ્રદર્શનને ગેરરાજકીય ગણાવ્યાં હતાં અને કહ્યું હતું કે આ કાયદા ખેડૂતોના કલ્યાણ માટે છે.

બુરાડીને ગણાવી ખુલ્લી જેલ

ખેડૂતોએ બુરાડી જવાનો ઇન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે બુરાડી એક ખુલ્લી જેલ જેવું છે.

કિસાન સગંઠન 'ભારતીય કિસાન યુનિયન(ક્રાંતિકારી)'ના પંજાબ પ્રદેશ-અધ્યક્ષ સુરજિતસિંહ ફૂલે જણાવ્યું કે વાતચીત માટે રાખવામાં આવેલી શરતો ખેડૂતોનું અપમાન છે.

તેમણે કહ્યું, "અમે બુરાડી નહી જઈએ. બુરાડી ખુલ્લો પાર્ક નથી એક ખુલ્લી જેલ છે. "

ઉત્તરાખંડ કિસાનસંઘના અધ્યક્ષને દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેમને જંતરમંતર લઈ જવામાં આવશે. જોકે, તેમને બુરાડી મેદાનમાં લઈ જઈને બંધ કરી દેવામાં આવ્યા.

ફૂલે જણવ્યું, "બુરાડી જેલમાં જવાને બદલે અમે દિલ્હીમાં પ્રવેશવાના પાંચ રસ્તાઓને ઘેરીશું. અમારી પાસે ચાર મહિનાનું રૅશન છે તો અમારા માટે ચિંતાની કોઈ વાત નથી. અમારી ઑપરેશન કમિટી આગળનો નિર્ણય લેશે. "

આ દરમિયાન ફૂલે એવું પણ કહ્યું કે તેઓ કૉંગ્રેસ, આપ કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષને ખેડૂતોના મંચ પરથી સંબોધવા નહીં દે.

હરિયાણા ખાપનું સમર્થન

રવિવારે સાંજે પ્રદર્શનકારી ખેડૂતોને હરિયાણાના ખાપ નેતાઓનું સમર્થન મળ્યું.

ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે આ ખાપ સોમવારે પ્રદર્શનકારી ખેડૂતો સાથે જોડાશે અને દિલ્હી તરફ કૂચ કરશે.

હરિયાણાના ખાપ પ્રધાન અને દાદરીના વિધાયક સોમબીર સાંગવાને કહ્યું કે, "અમે કેન્દ્ર સરકારને ફરી એક વાર નવા કૃષિકાયદા પર વિચાર કરવાનો આગ્રહ કરીએ છીએ. બધાને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે."

સિનિયર એડવોકેટ એચ. એસ. ફૂલકા પણ પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં સુપ્રીમ કોર્ટની બહાર વકીલો સાથે એકઠા થયા.

આ દરમિયાન તેમણે કહ્યું, "તેમનાં પ્રદર્શનોને રાજકીય રંગ આપવો ખોટું છે. તેમની માગણી યોગ્ય છે અને સરકારે તે સ્વીકારવી જોઈએ."

બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને પ્રદર્શન માટે બુરાડી જવાનો આગ્રહ કર્યો છે અને કહ્યું છે કે તેઓ જ્યારે નિર્ધારિત જગ્યાએ પહોંચશે ત્યારે કેન્દ્ર સરકાર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું, "કેન્દ્ર સરકારે 3 ડિસેમ્બરના રોજ ખેડૂતોના એક પ્રતિનિધિમંડળને વાતચીત માટે આમંત્રિત કર્યું છે. પરંતુ હવે તેમનાં કેટલાંક યુનિયનોએ માગ કરી છે કે આ વાતચીતનું આયોજન તરત જ થવું જોઈએ. જ્યારે પ્રદર્શનકારી બુરાડીમાં નિર્ધારિત સ્થળે પહોંચશે, કેન્દ્ર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે."

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ (AIKSCC)ના એક પ્રતિનિધિએ કહ્યું, "જો સરકાર ખેડૂતોની માગને સાંભળવાને લઈને ગંભીર છે તો તેમણે કોઈ પણ શરત ન મૂકવી જોઈએ. સાથે જ એ પણ માનીને ન ચાલવું જોઈએ કે આ વાતચીત ખેડૂતોને નવા કૃષિ કાયદા સમજાવવા માટે થશે."