#FarmersProtest : સરકાર સાથે વાત કરવા તૈયાર થયેલા ખેડૂતોએ કઈ શરત મૂકી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

કેન્દ્ર સરકારના નવા કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ રવિવારે કહ્યું કે તેઓ સરકાર સાથ વાતચીત કરવા તૈયાર છે પણ કોઈ શરત નહીં સ્વીકારે.

આમાં સિંઘુ અને ટિકરી બૉર્ડરથી દિલ્હીના બુરાડી મેદાનમાં જવા જેવી શરતો સામેલ છે. સિંઘુ અને ટિકરી બૉર્ડર પર જ ગત ત્રણ દિવસોથી ખેડૂતો એકઠા થયા છે.

ભારતીય કિસાન યુનિયનના હરિયાણા એકમના અધ્યક્ષ ગુરનામસિંહ ચઘોનીએ કહ્યું, "અમે એમના (કેન્દ્રના) પ્રસ્તાવમાં સામેલ આ શરત નથી માનતા. અમે વાતચીત કરવા માટે તૈયાર છે, જોકે કોઈ પણ શરતને નહીં સ્વીકારીએ."

ક્રાંતિકારી કિસાન યુનિયનના પંજાબના અધ્યક્ષે કહ્યું, "સરકારે અમને શરતો સાથે વાતચીત માટે બોલાવ્યા છે. વાતચીતનો માહોલ સર્જવો જોઈએ. જો કોઈ શરત મૂકવામાં આવશે તો અમે વાત નહીં કરીએ."

નોંધનીય છે કે ભારે ઠંડી વચ્ચે વધુ એક રાત વિતાવ્યા બાદ રવિવારે ચોથા દિવસે પણ હજારોની સંખ્યામાં ખેડૂતો કેન્દ્રના નવા કૃષિકાયદા વિરુદ્ધ પ્રદર્શનો કરી રહ્યા છે.

બુરાડીને ગણાવી ખુલ્લી જેલ

ખેડૂતોએ બુરાડી જવાનો ઇન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે બુરાડી એક ખુલ્લી જેલ જેવું છે. કિસાન સગંઠન 'ભારતીય કિસાન યુનિયન(ક્રાંતિકારી)'ના પંજબા પ્રદેશ-અધ્યક્ષ સુરજિતસિંહ ફૂલે જણાવ્યું કે વાતચીત માટે રાખવામાં આવેલી શરતો ખેડૂતોનું અપમાન છે.

તેમણે કહ્યું, "અમે બુરાડી નહી જઈએ. બુરાડી ખુલ્લો પાર્ક નથી એક ખુલ્લી જેલ છે. "

ઉત્તરાખંડ કિસાનસંઘના અધ્યક્ષને દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેમને જંતરમંતર લઈ જવામાં આવશે. જોકે, તેમને બુરાડી મેદાનમાં લઈ જઈને બંધ કરી દેવામાં આવ્યા છે.

ફૂલે જણવ્યું, "બુરાડી જેલમાં જવાને બદલે અમે દિલ્હીમાં પ્રવેશવાના પાંચ રસ્તાઓને ઘેરીશું. અમારી પાસે ચાર મહિનાનું રૅશન છે તો અમારા માટે ચિંતાની કોઈ વાત નથી. અમારી ઑપરેશન કમિટી આગળનો નિર્ણય લેશે. "

આ દરમિયાન ફૂલે એવું પણ કહ્યું કે તેઓ કૉંગ્રેસ, આપ કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષને ખેડૂતોના મંચ પરથી સંબોધવા નહીં દે.

હરિયાણા ખાપનું સમર્થન

રવિવારે સાંજે પ્રદર્શનકારી ખેડૂતોને હરિયાણાના ખાપ નેતાઓનું સમર્થન મળ્યું.

ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે આ ખાપ સોમવારે પ્રદર્શનકારી ખેડૂતો સાથે જોડાશે અને દિલ્હી તરફ કૂચ કરશે.

હરિયાણાના ખાપ પ્રધાન અને દાદરીના વિધાયક સોમબીર સાંગવાને કહ્યું કે, "અમે કેન્દ્ર સરકારને ફરી એક વાર નવા કૃષિકાયદા પર વિચાર કરવાનો આગ્રહ કરીએ છીએ. બધાને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે."

સિનિયર એડવોકેટ એચ. એસ. ફૂલકા પણ પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં સુપ્રીમ કોર્ટની બહાર વકીલો સાથે એકઠા થયા.

આ દરમિયાન તેમણે કહ્યું, "તેમનાં પ્રદર્શનોને રાજકીય રંગ આપવો ખોટું છે. તેમની માગણી યોગ્ય છે અને સરકારે તે સ્વીકારવી જોઈએ."

બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને પ્રદર્શન માટે બુરાડી જવાનો આગ્રહ કર્યો છે અને કહ્યું છે કે તેઓ જ્યારે નિર્ધારિત જગ્યાએ પહોંચશે ત્યારે કેન્દ્ર સરકાર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું, "કેન્દ્ર સરકારે 3 ડિસેમ્બરના રોજ ખેડૂતોના એક પ્રતિનિધિમંડળને વાતચીત માટે આમંત્રિત કર્યું છે. પરંતુ હવે તેમનાં કેટલાંક યુનિયનોએ માગ કરી છે કે આ વાતચીતનું આયોજન તરત જ થવું જોઈએ. જ્યારે પ્રદર્શનકારી બુરાડીમાં નિર્ધારિત સ્થળે પહોંચશે, કેન્દ્ર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે."

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ (AIKSCC)ના એક પ્રતિનિધિએ કહ્યું, "જો સરકાર ખેડૂતોની માગને સાંભળવાને લઈને ગંભીર છે તો તેમણે કોઈ પણ શરત ન મૂકવી જોઈએ. સાથે જ એ પણ માનીને ન ચાલવું જોઈએ કે આ વાતચીત ખેડૂતોને નવા કૃષિ કાયદા સમજાવવા માટે થશે."

'સરકાર કાયદો પરત લે', ખેડૂત માગ પર અડગ

દિલ્હીના બુરાડીમાં સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે તે ત્યાં સુધી નહીં જાય, જ્યાં સુધી તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે.

વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહેલા ખેડૂતોએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું, "અમને સરકાર પર ભરોસો નથી. આ પહેલાં પણ સરકાર સાથે વાતચીત થઈ છે પણ કોઈ પરિણામ નથા આવ્યું. અમે ઇચ્છીએ છીએ કે સરકાર કાયદો પરત ખેંચે."

વધુ એક ખેડૂતનું કહેવું છે, "અમે ત્યાં સુધી પ્રદર્શન કરીશું, જ્યાં સુધી સરકાર અમારી માગણી સ્વીકારી ન લે. અમે અનેક મહિનાઓનું રૅશન સાથે લાવ્યા છે. અમારી સમસ્યાઓનું હલ નીકળવું જોઈએ."

શનિવારે દિલ્હી અને હરિયાણાથી સિંઘુ બૉર્ડર પાર કરીને ખેડૂતો બુરાડી પહોંચ્યા હતા અને એ પછી ટિકરી બૉર્ડર પરથી ખેડૂત દિલ્હી પહોંચવા લાગ્યા હતા.

જોકે હજી ખેડૂતોનો એક સમૂહ સિંઘુ બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યો છે. વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેડૂત યુનિયનનું કહેવું છે કે તેઓ સિંધુ બૉર્ડર પર પ્રદર્શન ચાલુ રાખશે અને તંત્ર દ્વારા જણાવાયેલી જગ્યાએ જઈને પ્રદર્શન નહીં કરે.

સંગઠનની પંજાબ શાખાના મહાસચિવ હરિન્દરસિંહે કહ્યું, "અમે રોજ સવારે 11 વાગ્યે મળીને આગળની રણનીતિ પર વિચાર કરીશું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો