You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં સરકારે રાત્રી કર્ફ્યુ લંબાવ્યો, વિજય રૂપાણીએ કોરોના વિશે શું કહ્યું?
ગુજરાતમાં વધતા કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે રાજ્યના મુખ્ય મંત્રીએ કહ્યું છે કે ચાર મહાનગરમાં લાગેલો રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે.
જોકે, અમદાવાદમાંથી દિવસનો કર્ફ્યુ હઠાવી લેવામાં આવ્યો છે. સોમવારથી શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરાવવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યું છે. તેવા સમયે આપણે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે.
રૂપાણીએ કહ્યું, "આવતીકાલથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે સાથે-સાથે વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ગઈકાલથી જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેવાનો છે."
ઉપરાંત રૂપાણીએ નાગરિકો ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે સાંજથી રાત દરમિયાન રેસ્ટોરાં, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન કરે. બિનજરૂરી બહાર જવા-આવવાનું ટાળે.
રૂપાણીએ કહ્યું કે આ ચાર શહેરો સિવાય રાજ્યના બાકીનાં નગરો અને ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકો રાત્રે ઘરમાં જ રહે.
ગુજરાતનાં મહાનગરોમાં હાલ કોરોનાની વણસતી જતી પરિસ્થિતિને ધ્યાને રાખી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે
અમદાવાદમાં હાલ 57 કલાકનો કર્ફ્યુ લાગુ કરાયો છે ત્યારે કાલુપુરના રેલેવસ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બહારથી અમદાવાદમાં આવી રહેલા મુસફારો તંત્રની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રઝળી પડ્યા હતા.
રેલવેસ્ટેશન ખાતે મુકાયેલી એએમટીએસની બસોમાં બેસવા લોકોનો ધસારો જોવા મળ્યો જે કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.
કર્ફ્યુને કારણે અમદાવાદ ઍરપૉર્ટ અને રેલવેસ્ટેશન પર ભારે અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હતી. બહારથી આવતા મુસાફરો પાસેથી તકનો લાભ લઈ આડેધડ ભાડાની ઉઘરાણી કરાઈ હોવાનું સ્થાનિક અહેવાલો અનુસાર સામે આવ્યું છે.
કર્ફ્યુના અમલમાં અમદાવાદમાં લોકોએ સહકાર આપ્યો છે. દૂધ કે દવાની દુકાનો સિવાયની કોઈ દુકાનો ખુલ્લી નહોતી.
આવતી કાલે સવારે છ વાગ્યા બાદ કર્ફ્યુ પૂર્ણ થશે. જોકે, રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે.
કર્ફ્યુનો ભંગ કરનાર 130 કરતાં વધુ લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી ગુના નોંધ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
જોકે શહેરમાં યોજાયેલી સ્ટાફ સિલેક્શનની પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવી હતી.
નોંધનીય છે અમદાવાદ સિવાય વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે.
આ ત્રણેય શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુનો કડક અમલ થયો હોવાના અહેવાલ જોવા મળી રહ્યા છે.
સુરતના ખાણીપીણીના વેપારીઓને પડ્યો ફટકો
સુરતમાં બીબીસી ગુજરાતીના સહયોગી ધર્મેશ અમીને રાત્રિ કર્ફ્યુને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "શહેરમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ કરાયો હતો. રાત્રિ કર્ફ્યુના કારણે સુરતની 'નાઇટ લાઇફ' પર માઠી અસર પડી છે."
"તેમાં પણ ખાસ કરીને ખાણીપીણી માર્કેટ પર રાત્રિ કર્ફ્યુની અવળી અસર પડી છે. શહેરમાં ખાણીપીણીની લારી-ગલ્લા ચલાવી ગુજરાન કરનાર એક મોટો વર્ગ છે. તેમની આજીવિકા પર આ રાત્રિ કર્ફ્યુની માઠી અસર થઈ છે."
"આ સિવાય મંદીનો માર વેઠી રહેલો ટેક્સટાઇલઉદ્યોગ પણ તંત્રના આ નિર્ણયથી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયો હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે ટેક્સટાઇલનાં કારખાનાં 24 કલાક ચાલતાં હોય છે. જો રાત્રિ કર્ફ્યુમાં આ ઉદ્યોગને છૂટછાટ નહીં અપાય તો પહેલાંથી મંદીમાં સપડાયેલા ઉદ્યોગને ભારે ફટકો પડી શકે છે."
"ઉપરાંત દિવાળી બાદ જ્યારે પોતાના વતન ગયેલા કામદારો પાછા વળવાના હતા ત્યારે રાત્રિ કર્ફ્યુ લદાતાં પહેલાંથી કામદારોની અછત વેઠી રહેલા ઉદ્યોગો વધુ મુશ્કેલીમાં મુકાશે."
આ સિવાય સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનાર લોકોને પોલીસતંત્ર દ્વારા કડક પગલાં ભરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.
વડોદરામાં કેવી રહી પરિસ્થિતિ?
રાત્રિ કર્ફ્યુ દરમિયાનની વડોદરાની પરિસ્થિતિ વિશે બીબીસી સંવાદદાતા પાર્થ પંડ્યાએ જણાવ્યું હતું, "શનિવારે રાત્રે નવ વાગ્યાથી વડોદરા શહેરમાં પણ રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા બૅરિકેડ લગાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું."
શહેરભરમાં એકંદરે રાત્રિ કર્ફ્યુનો અમલ થયો હતો.
મંગળબજાર, નવાબજાર અને એમ. જી. રોડ સહિતનાં શહેરનાં મુખ્ય બજારો રાત્રિ કર્ફ્યુ શરૂ થાય એ પહેલાં જ આઠ વાગ્યે બંધ થઈ ગયાં હતાં.
આ ઉપરાંત ખુલ્લી રહેલી એકલદોકલ દુકાનો અને નાનાં બજારો પોલીસે જઈને બંધ કરાવવાં પડ્યાં હતાં.
રાત્રે મોડે ખુલ્લાં રહેતાં રાત્રિબજાર સહિતનાં ખાણીપીણીનાં બજારો, હોટલો અને રેસ્ટોરાં પણ નવ વાગ્યે બંધ કરાવી દેવાયાં હતાં.
આ સાથે જ સુરત, રાજકોટ અને અમદાવાદની સાથે વડોદરામાં પણ એસટી બસો બંધ કરી દેવાઈ હતી. ઉપરાંત રાત્રિ કર્ફ્યુ દરમિયાન પસાર થતી બસોને વડોદરામાં ન પ્રવેશવા સૂચના અપાઈ હતી.
શનિવારથી કૉર્પોરેશનની ટીમો દ્વારા વધુ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઠેકઠેકાણે ચૅકિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન ન થતું હોય એવી દુકાનોને સીલ કરવામાં આવી હતી.
અખબારી અહેવાલો પ્રમાણે શનિવારે વડોદરમાંથી 54 હજારથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
શાકભાજીનાં મોટાં બજારોમાં વધુ કડકાઈથી પ્રતિબંધોનું પાલન કરવાની સૂચના સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવી હતી.
છેલ્લા 11 દિવસમાં વડોદરામાં કોરોના સંક્રમણના 1000 જેટલા કેસ નોંધાયા હોવાનું અખબારી અહેવાલોથી જણાય છે.
વડોદરામાં સંક્રમણની રોકથામ માટેના પ્રયાસો થઈ રહ્યા છે.
વડોદરામાં ઓએસડી ડૉ. વિનોદ રાવે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે સોમવારથી આક્રમકપણે ડોર ટુ ડોર ટેસ્ટિંગ કરાશે. આ સિવાય મોટી સંખ્યામાં ધનવન્તરી રથ પણ તહેનાત કરાયા છે.
તેમણે શહેરમાં કુલ પથારીઓ પૈકી બે તૃતિયાંશ પથારીઓ ઉપલ્બ્ધ હોવાનું પણ જણાવ્યું હતું.
રાજકોટમાં પોલીસે કરાવ્યો અમલ
રાજકોટમાં બીબીસીના સહયોગી બિપિન ટંકારીયા દ્વારા અપાયેલી માહિતી અનુસાર શનિવારે રાત્રિ કર્ફ્યુનો શહેરમાં કડક અમલ જોવા મળ્યો હતો.
રાતના નવ વાગ્યાના સ્થાને સાડા આઠથી જ રસ્તા સ્વયંભૂ સૂમસામ થઈ ગયા હતા.
શહેરમાં સામાન્ય સંજોગોમાં મોડે સુધી ચાલુ રહેતી દુકાનો અને ખાણીપીણીની માર્કેટો જલદી બંધ કરી દેવાઈ હતી. પોલીસ તંત્ર દ્વારા રાત્રિ કર્ફ્યુનો અસરકાર અમલ સુનિશ્ચિત કરાવ્યો હતો.
પોલીસ તંત્ર દ્વારા કર્ફ્યુના ભંગ બદલ 72 જેટલાં વાહનો ડિટેઇન કરાયાં હતાં.
આ સિવાય પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની આજી GIDCમાં ત્રણ શિફ્ટમાં કામ કરનાર કામદારોને રાત્રિ કર્ફ્યુને કારણે કામના સ્થળે જ રાત્રિરોકાણ કરવાનો વારો આવ્યો હતો.
નોંધનીય છે કે નવી જાહેરાત અનુસાર રાજકોટના વહીવટી તંત્ર દ્વારા નાક નીચે માસ્ક પહેરનારને રૂ. 200નો દંડ તક કરવામાં આવશે.
કર્ફ્યુમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ?
- જાહેર ઉપયોગિતાની સેવાઓ જેવી કે પેટ્રોલ પંપ, સીએનજી, એલપીજી, પીએનજી પંપ, પાણી સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજળીની સેવાઓ, ટેલિકૉમ્યુનિકેશનની સેવાઓ ચાલુ રહેશે.
- પોલીસ, હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ, સંરક્ષણ, પોલીસ દળ, જેલ અને મહાનગરપાલિકાની સેવાઓ ચાલુ રહેશે.
- જાહેર અને ખાનગી ક્ષેત્રની તમામ તબીબી સેવાઓ એટલે કે હૉસ્પિટલ અને મેડિકલ સહિતની સેવાઓ ચાલુ રહેશે. ફાર્માસ્યુટિકલની હોમડિલિવરીની સેવાઓ ચાલુ રહેશે.
- દૂધ વિતરણ, આવશ્યક ચીજવસ્તુઓ અને તેનાં ઉત્પાદનનાં એકમો પણ ચાલુ રહેશે.
- ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા અને ખાનગી સિક્યૉરિટી સેવાઓ ચાલુ રહેશે.
- લગ્નપ્રસંગમાં સ્થાનિક પોલીસની મંજૂરી અનુસાર વ્યવસ્થા કરવાની રહેશે. જેમાં 200 જેટલાં મહેમાનોને આમંત્રણ આપી શકાશે. આ તમામનું લિસ્ટ પોલીસને આપવાનું રહેશે. રાત્રે લગ્ન હોય તો તેના અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી.
- અંતિમસંસ્કારમાં વીસ જેટલી વ્યક્તિઓ સાથે કરી શકાશે.
- રેલવે અને હવાઇયાત્રા કરનારા મુસાફરોને લેવા-મૂકવા તથા તેમને અવરજવર માટે માન્ય ટિકિટ સાથે જવા દેવામાં આવશે. અહીં ટેક્સી તથા રેડિયો કૅબ સેવાઓ ચાલુ રહેશે.
- એટીએમની સેવાઓ તથા તમામ પ્રકારના માલસામાનનું પરિવહન ચાલુ રહેશે.
- અમદાવાદમાં બે દિવસના કર્ફ્યુ દરમિયાન લેવાનારી તમામ પરીક્ષાઓ આપવા માટે વિદ્યાર્થીઓ જઈ શકશે. સીએ, એનઆઈસી, સીએસઆઈઆર અને એસસીની પરીક્ષા આપવા જનારા ઉમેદવારોએ એડમિશન કાર્ડ અને આઈડી કાર્ડ સાથે રાખવાં જરૂરી છે.
- આ ઉપરાંત કર્ફ્યુ દરમિયાન અનિવાર્ય સંજોગોમાં અવરજવર માટે મંજૂરી લીધેલ હોય તેવી વ્યક્તિઓને જવા દેવામાં આવશે.
આ સાથે જ આ તમામ છૂટછાટોમાં કોરોના વાઇરસની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો