You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાફિઝ સઇદને પાકિસ્તાનની કોર્ટે સાડા દસ વર્ષની સજા સંભળાવી
પાકિસ્તાનમાં લાહોરની એક આતંકવાદવિરોધી કોર્ટે પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ મોહમ્મદ સઇદને બે અલગઅલગ મામલામાં દોષિત ઠેરવતા સાડા દસ વર્ષની કેદની સજા સંભળાવી છે.
હાફિઝ સઇદને મુંબઈ હુમલામાં માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે.
કોર્ટે તેમની સંપત્તિ પણ જપ્ત કરવાના આદેશ આપ્યા છે.
આ ઉપરાંત કોર્ટે તેને દસ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટે આ મામલે અન્ય ત્રણ વ્યક્તિને પણ સજા સંભળાવી છે.
ઍન્કાઉન્ટરમાં જૈશના ચાર ઉગ્રવાદીઓનાં મોત : જમ્મુ-કાશ્મીર પોલીસ
જમ્મુ-કાશ્મીરના નગરરોટામાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર ઉગ્રવાદીઓનાં મોત થયાં છે. તો એક સુરક્ષાજવાન ઘાયલ થયો છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
પોલીસ અનુસાર ગુરુવારે સવારે બન ટોલ પ્લાઝા પાસે થયેલા ઍન્કાઉન્ટરમાં પોલીસ, સીઆરપીએફ અને ભારતીય સેના સામેલ રહ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું, "જ્યારે પણ અહીં શાંતિપૂર્ણ માહોલ બને છે ત્યારે તેને ડહોળવા માટે પાકિસ્તાની એજન્સીઓ પોતાને ત્યાંથી જૈશ-એ-મોહમ્મદ અથવા લશ્કર-એ-તૈયબાના આતંકીઓને મોકલે છે."
"આ પાકિસ્તાની મૂળના લોકો હોય છે. આ વખતે જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને મોકલવામાં આવ્યા હતા પરંતુ ખુશીની વાત એ છે કે પાકિસ્તાનની આ કોશિશ નિષ્ફળ રહી છે."
આ ઉગ્રવાદીઓ એક ટ્રકમાં સવાર હતા અને કાશ્મીર ઘાટી તરફ જઈ રહ્યા હતા.
જોકે, જમ્મુના નગરરોટામાં જ આ ટ્રક પકડાઈ ગયો, આ ઘટના બાદ બન ટોલ પ્લાઝાની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઈ છે.
કૉંગ્રેસ વિવાદ : કપિલ સિબલ્લ બાદ હવે ચિદમ્બરમે હારને લઈને સવાલો ઉઠાવ્યો
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અને હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં મળેલી હાર પછી એક વખત ફરીથી કૉંગ્રેસમાં આંતરિક વિખવાદ ફરી શરૂ થયો છે.
સોમવારે કપિલ સિબ્બલે કૉંગ્રેસ લીડરશીપ પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ લોકસભામાં કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે જે નેતાઓને લાગે છે કે કૉંગ્રેસ યોગ્ય પાર્ટી નથી તે નવી પાર્ટી બનાવી લે અથવા બીજી પાર્ટી જોઇન કરી લે.
આ આખી ચર્ચામાં હવે ચિદમ્બરમ વચ્ચે આવ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "હું ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની પેટાચૂંટણીનાં પરિણામોથી વધારે ચિંતિત છું."
"આ પરિણામ દર્શાવે છે કે જમીની સ્તરે અથવા તો પાર્ટીનું સંગઠન ક્યાંય નથી, અથવા નબળું પડ્યું છે. બિહારમાં રાજદ-કૉંગ્રેસ માટે જમીન ઉપજાઉ હતી. અમે જીતના આટલા નજીક હોવા છત્તાં કેમ હાર્યા તેની સમીક્ષા થવી જોઈએ."
ગુજરાતમાં મહિનાના સૌથી વધારે કોરોના કેસ નોંધાયા
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતમાં ગઈ કાલે આ મહિનાના સૌથી વધારે કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં ગઈકાલે 1281 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના કુલ કેસની સંખ્યા 1.92 લાખે પહોંચી છે.
એક મહિના પહેલાં રાજ્યમાં 1200થી વધારે કેસ નોંધાયા હતા. જોકે હાલ એક દિવસમાં 50 હજારથી પણ ઓછા ટેસ્ટ કરવામાં આવે છે.
અમદાવાદની સિવિલ હૉસ્પિટલના મેડિકલ રેસિડેન્ટ ઑફિસર ડૉ. સંજય કાપડીયાના કહેવા પ્રમાણે, "ખૂબ જ ક્રિટિકલ દરદીઓને અહીં દાખલ કરવામાં આવતા હોવાથી 229 આઇસીયુ બેડ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. હાલ અમારે માણસો ઓછા હોવાના કારણે અમે ડૉક્ટરોનો પણ ટેસ્ટ કરતા નથી."
આ ઉપરાંત સિવિલ હૉસ્પિટલના એક સિનિયર ડૉક્ટરે કહ્યું, "હૉસ્પિટલમાં રોજના 100 કોરોનાના દરદીઓને દાખલ કરવામાં આવે છે."
અમદાવાદમાં ડૉક્ટરોનો વિરોધ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાત કૅન્સર સોસાયટી મેડિકલ કૉલેજ, હૉસ્પિટલ અને રીસર્ચ સેન્ટર (જીસીએસ)ના રેસિડેન્ટ ડૉક્ટરોએ કોરોના વાઇરસની કામગીરીનાં ભથ્થાં ન મળતાં અને અયોગ્ય ડ્યૂટીને લઈને વિરોધ નોંધાવ્યો હતો.
રેસિડેન્ટ ડૉક્ટરોએ માગ કરી હતી કે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નિયમ પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે અથવા કોરોના વાઇરસની ડ્યૂટી દરમિયાન ફી માફીની જે વાત કરવામાં આવી છે તેને લાગુ કરવામાં આવે.
આ સંદર્ભે તેમણે કૉલેજના સત્તાધીશોને લેખિતમાં પોતાની રજૂઆત કરી હતી. સત્તાધીશોએ કહ્યું મૅનેજમૅન્ટે આ લોકોની માગને ધ્યાન પર લીધી છે.
આ ઉપરાંત રેસિડેન્ટ ડૉક્ટરોએ દર્દીઓને સારવાર સારી રીતે મળે તે માટે હૉસ્પિટલની ક્ષમતાથી વધારે બેડ લગાવવામાં ન આવે તેની માગ કરી હતી.
ગાડી ઝાડને અથડાતા 4 લોકોના મૃત્યુ, એક ઘાયલ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર બુધવારે વહેલી સવારે સુરેન્દ્રનગર-લખતર રોડ પર એક ગાડી ઝાડ સાથે અથડાતાં ત્રણ મહિલા અને એક પુરુષ મૃત્યુ પામ્યા હતા. એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, મુસાફરો સુરેન્દ્રનગરના લખતર જિલ્લાના રહેવાસી હતા.
પ્રાથમિક અહેવાલ પ્રમાણે મૃત્યુ પામેલા લોકો તમામ એક જ પરિવારના હતા. વહેલી સવારે જ્યારે તેઓ ધાર્મિકસ્થળ મોગલધામથી પરત આવતા હતા ત્યારે ડ્રાઇવર ગાડી પરનો કંટ્રોલ ગુમાવતા ગાડી રસ્તા પરથી ઊતરીને ઝાડને અથડાઈ હતી.
આ અકસ્માતમાં ચાર વ્યક્તિ મૃત્યુ પામી, જ્યારે ઘાયલ વ્યક્તિને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો