You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીમાં રોજ 1 લાખથી વધુ કોરોના-પરીક્ષણ કરાશે, અમિત શાહે બેઠક યોજી TOP NEWS
દિલ્હીમાં કાબૂની બહાર જઈ રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં લેતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષાબેઠક યોજી હતી.
ગૃહમંત્રીના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં દિલ્હીના રાજ્યપાલ લેફ્ટનન્ટ અનીલ બૈજલ, મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન, દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસોની ગૃહમંત્રીએ બેઠકમાં સમીક્ષા કરી હતી અને આ પડકારને પહોંચી વળવાના રસ્તાઓ અંગે ચર્ચા કરી હતી.
બેઠક બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ભરોસો અપાવ્યો છે કે ડીઆરડીઓ સેન્ટરમાં 750 આઈસીયૂ બેડ ઉપલબ્ધ કરાવાશે.
તેમણે એવું પણ કહ્યું કે રાજધાનીમાં રોજ કોરોના વાઇરસનાં પરીક્ષણોની સંખ્યા એક લાખથી વધુ કરવામાં આવશે.
દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ, પ્રદૂષણ 'ગંભીર' સ્તરે પહોંચ્યું
પાટનગર દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ભારે વધારો નોંધાયો છે. અહેવાલ મુજબ દિવાળીના દિવસે ફટાકડા અને પરાળ બાળવાથી પાટનગરમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ગંભીર બની છે.
મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સીઝના ઍર ક્વૉલિટી મૉનિટર સફર પ્રમાણે, "સ્થાનિક એમિશનમાં થોડો વધારો પણ રવિવાર અને સોમવારે પ્રદૂષણના સ્તરમાં ભારે વધારો કરી શકે છે."
શનિવારે દિલ્હીની ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) 414 હતી. જે પ્રદૂષણની ગંભીર સપાટી દર્શાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે શુક્રવારે શહેરની AQI 339 અને ગુરૂવારે 314 હતી.
ગત વર્ષે દિવાળીના દિવસે એટલે કે 27 ઑક્ટોબરના રોજ દિલ્હીની AQI 337 રહી હતી. જ્યારે ત્યાર પછીના બે દિવસોમાં અનુક્રમે 368 અને 400 રહી હતી. નોંધનીય છે કે ત્યાર પછીના ત્રણ દિવસ સુધી હવાપ્રદૂષણનું પ્રમાણ ગંભીર સપાટીએ રહ્યું હતું.
ભારત પર ઉગ્રવાદ ફેલાવવાનો પાકિસ્તાનનો આરોપ
એક પત્રકારપરિષદ દરમિયાન પાકિસ્તાની અધિકારીઓ દ્વારા પાડોશી દેશ ભારત પર દેશમાં ઉગ્રવાદ ફેલાવવાનો આરોપ મુકાયો છે.
પાકિસ્તાન અનેકવાર આવા આરોપ કરતું રહ્યું છે જેનો ભારત ઇનકાર કરે છે.
અલજઝીરા ડોટ કૉમના એક અહેવાલ અનુસાર શનિવારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી અને પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે એક સંયુક્ત પત્રકારપરિષદમાં જણાવ્યું કે, “પાકિસ્તાનમાં હુમલાના ઇરાદા સાથે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્ટ્સ અફઘાનિસ્તાનમાં કાર્યરત્ છે.”
કુરેશીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “ભારત પોતાની જમીનનો ઉપયોગ પાકિસ્તાનમાં ઉગ્રવાદ ફેલાવવા માટે કરી રહ્યું છે. તેમજ પાડોશી દેશો મારફતે પણ પાકિસ્તાનમાં હુમલા કરાવવાના પ્રયાસ કરી રહ્યું છે.”
કુરેશીએ આ અંગે વધુ વાત કરતાં કહ્યું કે, “અમે ભારત વિરુદ્ધના આ પુરાવા સંયુક્ત રાષ્ટ્રને મોકલીશું. આંતરરાષ્ટ્રીય દખલ વગર પરમાણુ શક્તિ ધરાવતા દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત કરવું મુશ્કેલ બનશે.”
લૉકડાઉન બાદ ગુજરાતમાં ટ્રૅક્ટરની માગ વધી
પ્રવાસી મજૂરોની અછત અને વધતા જતા મજૂરીખર્ચને કારણે રાજ્યના ખેડૂતોમાં ટ્રૅક્ટરો અને હાર્વેસ્ટરોની માગમાં વધારો જોવા મળી રહ્યો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર લૉકડાઉન બાદ ટ્રૅક્ટરો અને હાર્વેસ્ટરોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જુલાઈ માસથી રાજ્યમાં ટ્રૅક્ટરોના વેચાણમાં વધારો થયો છે.
વર્ષ 2020માં વેચાયેલ કુલ 41,700 ટ્રૅક્ટરો પૈકી જુલાઈ મહિના બાદના ત્રણ માસમાં 30 હજાર ટ્રૅક્ટરોનું વેચાણ થયું છે.
આ સમયગાળા દરમિયાન જ રાજ્યમાં હાર્વેસ્ટરના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. આ વર્ષમાં થયેલા કુલ વેચાણ પૈકી 80 ટકા હાર્વેસ્ટરોનું વેચાણ આ ત્રણ માસ દરમિયાન થયું છે.
અમદાવાદ: શિક્ષિત બેરોજગાર યુવાનોએ મીઠાઈ વેચાણ ક્ષેત્રે ઝંપલાવ્યું
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર તહેવારોની સિઝન દરમિયાન પોતાના અભ્યાસના ખર્ચને પહોંચી વળવા માટે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા મીઠાઈનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવાનો પૈકી એક નિમેશ પરમાર મીઠાઈનું વેચાણ કરવાના પોતાના નિર્ણય માટે પાછલાં બે વર્ષોથી રદ થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓને જવાબદાર ગણાવે છે.
તેઓ કહે છે કે, “પાછલાં બે વર્ષોથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છબરડાને કારણે રદ થઈ છે. તેથી સ્પર્ધાત્મક પરીક્ષાની સતત તૈયારી માટે તેના ખર્ચને પહોંચી વળવા માટે અમે મિત્રો સિઝન પ્રમાણે જુદી જુદી વસ્તુઓનું વેચાણ કરીએ છીએ.”
તેઓ આગળ કહે છે કે, “જુદા જુદા તહેવારો નિમિત્તે અમે આમ જ સિઝન પ્રમાણે જુદી જુદી વસ્તુઓનું વેચાણ કરીએ છીએ. આમ, આ વેપાર થકી ટૂંકા ગાળામાં 25થી 50 હજાર રૂપિયાનો ફાયદો થઈ જાય છે. જે અમારા અભ્યાસમાં ટેકારૂપ બને છે.”
ગુજરાત હાઈકોર્ટે ઑક્ટોબર માસમાં 6.79 ટકા વધુ કેસોનો નિકાલ કર્યો
ધ ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ઑક્ટોબર માસમાં ઓછા દિવસ સુધી કામ કર્યુ હોવા છતાં સપ્ટેમ્બર માસની સરખામણીએ ગુજરાત હાઈકોર્ટે વધુ કેસોનો નિકાલ કર્યો છે.
માસિક રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં 24 દિવસની સરખામણીએ ઑક્ટોબર માસમાં 18 દિવસ કામ કરીને ગુજરાત હાઈકોર્ટે 6102 કેસોનો નિકાલ કર્યો છે. જે પૈકી 2600 દિવાની અને 3459 કેસો ક્રિમિનલ કેસો હતા.
આમ ઑક્ટોબર માસ દરમિયાન પ્રતિદિવસ 69 વચગાળાની અરજીઓ સિવાય 339 મૅટરોનો હાઈકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે સપ્ટેમ્બર માસમાં 24 દિવસ સુધી હાઈકોર્ટે 5700 કેસોનો નિકાલ કર્યો હતો. ઑક્ટોબર માસમાં કેસોના નિકાલના દરમાં 6.79 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો