You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યૂએઈના વડા પ્રધાનને કોરોના વાઇરસની રસી અપાઈ - TOP NEWS
યુનાઇડેટ આરબ અમીરાતના વડા પ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ તેમજ દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશિદ અલ મખતૌમે કોરોના વાઇરસની રસી લીધી હોવાનું જણાવ્યું છે.
કતારની ન્યૂઝ ચેનલ 'અલ જઝીરા'એ શેખના ટ્વીટને ટાંકીને આ વાત જણાવી છે.
શેખે ટ્વિટર પર લખ્યું, "અમે તમામની સુરક્ષા અને સારા સ્વાસ્થ્યની કામના કરીએ છીએ. રસીને યૂએઈમાં ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કરનારી અમારી ટીમો પર અમને ગર્વ છે."
અલ મખતૌમે ટ્વિટર પર પોતાની તસવીર શૅર કરી છે, જેમાં તેઓ ચીનની ફાર્મા કંપની સાઇનોફાર્મે વિકસાવેલી કોરોના વાઇરસની રસીનો શૉટ લેતા જોઈ શકાય છે.
યૂએઈના કેટલાય અધિકારીઓને રસી અપાયા બાદ શેખને પણ આપવામાં આવી છે.
16 ઑક્ટોબર યૂએઈના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લાહ બિન ઝાયેદ અલ નાહ્યાનને રસી આપવામાં આવી હતી. એ બાદ યૂએઈના કૅબિનેટની બાબતોના મંત્રી મોહમ્મદ અબ્દુલ્લાહ અલ-જેરગાવીને પણ રસી અપાઈ હતી.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર યૂએઈમાં ફ્રન્ટલાઇન સ્વાસ્થ્યકર્મીઓને પણ રસી આપવામાં આવી છે.
મીડિયાએ તંત્રને ટાંકીને લખ્યું છે કે આ રસી ક્લિનિકલ ટ્રાયલના પોતાના ત્રીજા અને અંતિમ તબક્કામાં છે તથા અત્યાર સુધી સુરક્ષિત અને અસરકાર હોવાનું જોવા મળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂઝીલૅન્ડને મળ્યાં ભારતમાં જન્મેલાં પ્રથમ મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણન
ભારતીય મૂળનાં પ્રિયંકા રાધાકૃષ્ણન સોમવારે ન્યૂઝીલૅન્ડમાં મંત્રીપદ આપવામાં આવ્યું, તેઓ ભારતમાં જન્મેલી પ્રથમ એવી વ્યક્તિ છે, જે ન્યૂઝીલૅન્ડનાં મંત્રી બન્યાં છે.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે 41 વર્ષીય પ્રિયંકાને વડાં પ્રધાન જેસિંડાની સરકારમાં વિવિધતા, સમાવેશ અને વંશીય સમુદાય મામલાના મંત્રી બનાવાયાં છે.
આ ઉપરાંત તેમને વધુ બે મંત્રાલયનાં મંત્રી અને એક ઉપમંત્રી બનાવાયાં છે.
કેરળના એરણાકુલમમાં રહેતા પિતા રાધાકૃષ્ણનના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા સિંગાપોરથી ન્યૂઝીલૅન્ડ ઉચ્ચ અભ્યાસ અર્થે ગયાં હતાં.
વર્ષ 2017માં પ્રિયંકા લેબર પાર્ટીમાંથી સંસદસભ્ય બન્યાં હતાં. તેઓ વર્ષ 2006થી લેબર પાર્ટીનાં સભ્ય છે.
રાજ્યસભામાં ભાજપના સૌથી વધુ 92 સભ્યો
સોમવારે ચૂંટાયેલા 11 રાજ્યસભાના સભ્યો પૈકી નવ ભાજપના છે.
આ સાથે જ ઉપલા ગૃહમાં ભાજપના સભ્યોની સંખ્યા 92 થઈ ગઈ છે.
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે આ સાથે જ રાજ્યસભામાં કૉંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 38 થઈ ગઈ છે.
આ સાથે લોકસભા અને રાજ્યસભામાં થઈને સંસદમાં કૉંગ્રેસના માત્ર 89 સભ્યો છે, જે કૉંગ્રેસ માટે અત્યાર સુધીનો સૌથી નીચો આંક છે.
ભાજપ અને કૉંગ્રેસના સભ્યોની સંખ્યા વચ્ચેનું અંતર અત્યાર સુધીનું સૌથી વધારે હોવાનું મનાય છે.
રાજ્યસભામાં કુલ 245 બેઠક છે, જેમાંથી એઆઈટીસી પાસે 13, એડીએમકે પાસે 9, બીજેડી પાસે 9 અને અન્ય પક્ષો પાસે 63 છે.
કોરોના સંક્રમણની મંદી વચ્ચે જીએસટીની આવકમાં 34 ટકાનો વધારો
ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (GST) દ્વારા ગુજરાતને થતી આવકમાં ઑક્ટોબર 2020માં પાછલા વર્ષના ઑક્ટોબર મહિનાની સરખામણીમાં 34 ટકાનો વધારો નોંધાયો છે.
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે રાજ્યના કૉમર્સિયલ ટૅક્સ ડિપાર્મેન્ટ જણાવે છે કે ઑક્ટોબર 2020માં 2,733 કરોડ રૂપિયાની જીએસટી થકી આવક થઈ છે.
ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં 2,037 કરોડ રૂપિયાના મુકાબલે આ વર્ષે 696 કરોડ રૂપિયાનો વધારો જીએસટી આવકમાં નોંધાયો છે.
આ સાથે જ ઑક્ટોબર મહિનો ચાલુ વર્ષે ગુજરાત સરકારને સૌથી વધારે આવક કરાવતો મહિનો બન્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો