You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમિત શાહે ધારાસભ્ય ખરીદ્યા'નો આક્ષેપ, કૉંગ્રેસે જાહેર કરેલા 'સોમાભાઈ પટેલના વીડિયો'માં શું છે?
પૂર્વ ધારાસભ્ય અને સંસદસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો વીડિયો કૉંગ્રેસે પત્રકારપરિષદમાં જાહેર કર્યો છે.
કૉંગ્રેસે આ વીડિયો જાહેર કરીને આક્ષેપ કર્યો છે કે આ વીડિયોમાં સોમાભાઈ પટેલે સ્વીકાર્યું છે કે અમિત શાહે અને ભાજપે ધારાસભ્યોને કરોડો રૂપિયા આપ્યા છે. બીબીસી ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ વીડિયોમાં વાત કરી રહેલી વ્યક્તિ સોમાભાઈ હોવાનો દાવો કરાય છે પણ તેમનો ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી.
સોમાભાઈ ગાંડાભાઈ પટેલે આ વીડિયો બનાવટી હોવાનો દાવો કર્યો છે અને આ મામલે તપાસની માગ કરી છે.
સોમાભાઈ પટેલે જણાવ્યું, "આ ફક્ત મારું નહીં, સમગ્ર કોળી સમાજનું અપમાન છે."
મહત્ત્વપૂર્ણ છે કે તેમણે આ નિવેદન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના લૅટરહેડ પર જાહેર કર્યું છે.
2017માં કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા બાદ, 2020માં રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ તેમણે રાજીનામું આપી દીધુ હતું
તેમણે આ મામલે કૉંગ્રેસને નોટીસ ફટકારવાની અને દાવો માંડવાની પણ વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ સંબધે તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો છે અને તેમાં પણ ઉપર દર્શાવેલી વાત કરી છે.
ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે પત્રકારપરિષદ યોજીને આ અંગે સ્પષ્ટતા કરી છે અને કૉંગ્રેસે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
તેમણે કહ્યું કે વીડિયોમાં સોમાભાઈ પટેલે મારું નામ 'મિત્ર છે' એટલો જ ઉલ્લેખ કર્યો છે.
તેમણે કહ્યું, "હું કોઈ વ્યવહારમાં સામેલ છું કે એવો કોઈ ઉલ્લેખ નથી."
"આ ઉપરાંત જ્યારે સોમાભાઈએ રાજીનામું આપ્યું ત્યારે હું પ્રદેશાધ્યક્ષ હતો જ નહીં."
"કૉંગ્રેસે મારું નામ ખોટી રીતે સંડોવવાનો પ્રયત્ન કર્યો છે, એમને માફી માગવી જોઈએ."
ભાજપના નેતા આર. સી. ફળદુએ ટીવી નાઇન સાથેની વાતચીતમાં કૉંગ્રેસ બોખલાઈ ગઈ છે એટલે બેજવાબદારીપૂર્વક આક્ષેપ કરે છે.
કૉંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા 1 મિનિટ અને 56 સેકન્ડના વીડિયોમાં સોમાભાઈ પટેલ કોઈક અન્ય વ્યક્તિ સાથે હિન્દીમાં વાત કરતાં દેખાય છે.
આ વીડિયો સળંગ નથી, વચ્ચે-વચ્ચેથી વીડિયોમાં કટ જોઈ શકાય છે. એટલે આખી વાતચીતના વીડિયોમાંથી કેટલાક ભાગો જ આમાં સામેલ છે.
સોમાભાઈ ગાંડાભાઈ પટેલના વીડિયોમાં શું છે?
કૉંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં સોમાભાઈ ગાંડાભાઈ પટેલ સાથે બેઠેલા શખ્સ પૂછે છે કે 'ભાજપવાળા શું આપશે હવે?'
સોમાભાઈ પટેલ જવાબ આપતાં કહે છે કે 'એ તો બધુ થઈ ગયું હવે.'
પછી તેઓ એવું પણ કહે છે કે 'એમના એમ થોડી કોઈ રાજીનામું આપે.'
એ પછી સામે બેઠેલા શખ્સ પૂછે છે કે "સોમાભાઈએ રાજીનામું આપીને કટેલાક પૈસા લીધા છે, ભાજપ પાસે પૈસા લીધા છે... એવું કંઈક એમને બ્રિફ કર્યું હશે."
એ પછી સોમાભાઈ પટેલ કહે છે કે 'કૉંગ્રેસ જો નહીં આપે તો હું ક્યાંયથી પણ લડીશ. એનસીપીવાળા પણ મારી પાછળ પડ્યા છે.'
સોમાભાઈ પછી કહે છે, "ચાર વખત એક જ બેઠકેથી એમપી બન્યો છું, નાની-સૂની વાત નથી."
"ભાજપ પૂરો ખર્ચ કરતો હતો મારી પાછળ પણ કૉંગ્રેસમાં ખર્ચો નથી થતો."
સામે બેઠેલા શખ્સ પૂછે છે કે રાજીનામું આપ્યું તો બે-પાંચ કરોડ તો આપ્યા હશે?
સોમાભાઈ જવાબ આપે છે, "એતો જે બધાને આપ્યું હશે, એ જ મને આપ્યું હશે."
"જે આપ્યું એ બધાને આપ્યું છે. નહીં તો કોઈ રાજીનામું કેમ આપે? કોઈની સાથે ટિકિટનો સોદો કર્યો, કોઈને પૈસા આપ્યા."
એ પછી સામેના શખ્સ પૂછે છે કે આટલા પૈસા ભાજપ ક્યાંથી લાવતો હશે?
સોમાભાઈ જવાબ આપે છે, "રિલાયન્સ, ટાટા બધા એમની પાસે છે."
સામેના શખ્સ પૂછે છે કે "બધા કહે છે કે સોમાભાઈને 20 કરોડ આપ્યા છે."
સોમાભાઈ કહે છે કે "ખોટી વાત છે, કોઈને 10થી વધારે આપ્યા નથી. એ તો બોલવા માટે બોલે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો