કાશ્મીરમાં ભાજપના ત્રણ સ્થાનિક નેતાઓને મારી નાખવામાં આવ્યા એ કોણ હતા?

ફિદા હુસૈનના માતા

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, ફિદા હુસૈનના માતા
    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"મારા દીકરા તને કોણે મારી નાખ્યો? તું છોડીને ક્યાં ચાલ્યો ગયો? તારી દીકરી તારો માર્ગ નીહાળી રહી છે, તારા વિના અમે કેવી રીતે જીવીશું?" ભાજપના કાર્યકર ફિદા હુસૈનનાં માતા શકીલાબાનો પોતાના દીકરાને યાદ કરીને છાતી પીટીને રોઈ રહ્યાં હતાં.

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના યારી ખોશપુરા ગામમાં પોતાના ઘરની બહાર બેસેલાં શકીલા પોતાના દીકરા ફિદા હુસૈનનાં મૃત્યુનો માતમ મનાવી રહ્યાં હતાં.

તેમની આસપાસ અનેક મહિલાઓ બેસેલાં હતાં જે તેમને સાંત્વના આપી રહ્યાં હતાં પરંતુ શકીલાનાં આંસુ રોકાતાં નહોતાં.

શુક્રવારે ફિદા હુસૈન, ઉમર રહમાન અને હારૂન રશીદ બેગના ઘરની સામે કંઈક આવો જ નજારો જોવા મળ્યો.

ત્રણેના પરિવારોના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાતો હતો. તેમની હત્યા પછી ગામ યારી ખોશપુરામાં સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે.

દક્ષિણ કાશ્મીરને ઉગ્રવાદીઓના દબદબાવાળો વિસ્તાર માનવામાં આવે છે.

ફિદા હુસૈનના જનાજાની તસવીર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, ફિદા હુસૈનના જનાજાની તસવીર

યારી ખોશપુરા શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગથી ત્રણ કિલોમીટરના અંતરે છે અને અહીં અનેક સુરક્ષાકૅમ્પ છે.

ગુરુવારે મોડી રાત્રે ફિદા હુસૈન (30) અને તેમના બે સાથીઓ ઉમર રહમાન (19) અને હારૂન રશીદ બેગને કુલગામ જિલ્લાના યારી ખોશપુરા ગામમાં મારી નાખવામાં આવ્યા.

ત્રણેય ભાજપના કાર્યકરો હતા અને તેમની હત્યાના આરોપ પોલીસે ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પર લગાવ્યા છે.

line

દીકરાના જન્મદિવસની કેક લાવવા માટે ગયા હતા

ફિદા હુસૈનના પિતા

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, ફિદા હુસૈનના પિતા

શુક્રવારે પૈતૃક ગામ યારી ખોશપુરામાં ફિદા હુસૈન અને ઉમર રહેમાનના જનાજામાં સેકડો લોકો સામેલ થયા. ત્રીજી વ્યક્તિનું ઘર પડોશી ગામ સુપતમાં છે જ્યાં તેમને દફનાવવામાં આવી છે.

ફિદા હુસૈનના પિતા ગુલામ મહંમદ ઇટૂ એક સરકારી સ્કૂલમાં શિક્ષક છે. તેઓ કહે છે કે તેમના દીકરા કાઝીગુંડમાં પોતાની દીકરીના જન્મદિને કેક લેવા માટે ગયા હતા.

તેમણે કહ્યુ, "હંમેશાંની જેમ તે પોતાના કામ માટે સવારે નીકળી ગયો હતો. મને ખબર નહોતી કે તે ક્યાં ગયો છે. રાત્રે 8 વાગ્યાની આસપાસ અમે ગોળીઓનો અવાજ સાંભળ્યો. એક ઘાયલ વ્યક્તિએ અમને ફોન કર્યો અને ઘટના વિશે કહ્યું."

"અમે 20 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચ્યા અને અમે જોયું તો ત્રણ લોકો ગાડીની અંદર હતા અને તે મૃત્યુ પામ્યાં હતાં. અમે તેમને હૉસ્પિટલ લઈને ગયા પરંતુ જીવ બચાવી ન શક્યા. જન્મદિવસની કેક ગાડીમાં હતી. તેની પુત્રીનો આજે જન્મદિન હતો. તે માત્ર એક વર્ષની થઈ છે."

ફિદાના ઘરેથી અડધો કિલોમીટર દૂર ત્રણ લોકોને ગોળી મારવામાં આવી હતી.

ફિદાના પિતાએ કહ્યું, "ત્રણની પાસે કોઈ હથિયાર નહોતાં. નિર્દોષ માણસને મારવા કેવું સાહસ? આ કાયરની હરકત છે. તે નરકમાં જશે. મારો દીકરો ખરાબ માણસ નહોતો."

"તેની પાસે કોઈ સુરક્ષા ન હતી. કેટલાક સમય પહેલાં પાર્ટીના આદેશ પર તેને સિક્યૉરિટી ઝોનમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે 10 દિવસમાં પરત આવ્યો હતો. તેનું કહેવું હતું કે તે પોતાની દીકરીને યાદ કરે છે અને એટલા માટે ઘરેથી દૂર ન જઈ શકે."

ગુલામ પોતાનાં આંસુ લૂછે છે. તેમના દીકરા ફિદાએ કેટલાંક વર્ષ પહેલાં બી. ફાર્મ કર્યું હતું.

line

સિક્યૉરિટી ઝોનમાં કેમ નથી રહેતા ભાજપના નેતા?

ફિદા હુસૈનનું ઘર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, ફિદા હુસૈનનું ઘર

કાશ્મીર ઝોનના આઈજી પોલીસ વિજય કુમારે યારી ખોશપુરામાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે લશ્કર-એ-તૈયબાના ઉગ્રવાદીઓનો આ હુમલો પૂર્વાયોજિત લાગે છે.

તેમણે કહ્યું, "એક સ્થાનિક વ્યક્તિ અલ્તાફની અલ્ટો કારમાં આવેલા ઉગ્રવાદી ફિદા (ભાજપના યુવા મોરચાના મહાસચિવ)ની કારની નજીક આવ્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. તે ઘાયલ થયા અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું."

વિજય કુમારે કહ્યું કે અલ્ટો કારને તેલવાની ગાવની નજીક જપ્ત કરવામાં આવી છે.

ભાજપના કાર્યકરો અહીં કેવી રીતે ફરી રહ્યા હતા?

આ સવાલના જવાબમાં વિજય કુમારે કહ્યું, "5 ઑગસ્ટથી પહેલાં એવા 1619 લોકોને ચિહ્નિત કરવામાં આવ્યા હતા, જેમના જીવને ખતરો હતો. તેમને પહેલગામની સુરક્ષાવાળી જગ્યા પર રાખવામાં આવ્યા હતા. જોકે ફિદા એક સંમતિપત્ર આપીને ત્યાંથી નીકળી ગયા હતા."

તેમણે કહ્યું કે તે એ વાતની તપાસ કરી રહ્યા છે કે તે તમામ પોતાના ઘરેથી આટલું દૂર શું કરી રહ્યા હતા.

ફિદાના કાકાના દીકરા સજ્જાદ અહમદે કહ્યું કે ફિદાને આઠ ગોળી વાગી હતી.

ફિદા તેમની પાછળ તેમનાં પત્ની, દીકરી, છ બહેનો અને માતા-પિતાને છોડી ગયા છે.

ફિદાના એક બીજા કાકાના દીકરા જહાંગીર અહમદે કહ્યું કે આ ઘટના પહેલાં તેઓ તેમની પાસે આવ્યા હતા અને કેટલાક પૈસા માગ્યા હતા.

તેમણે કહ્યું, "તેમણે મને બપોરમાં 3 વાગ્યે ફોન કર્યો. તેને 11 હજાર રૂપિયાની જરૂર હતી. લેવડોરામાં તે મારા ઘરે આવ્યો અને પૈસા લીધા. તેની સાથે બે લોકો બીજા હતા જે આ ઘટનામાં મૃત્યુ પામ્યા."

"તેણે મને રાત્રે કહ્યું કે સાંજે હું એક લગ્નમાં જઈશ. જોકે મને સાંજે સમાચાર મળ્યા કે ફિદા ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને હું જલદી જઉં. જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો તો ત્રણ વ્યક્તિ ગાડીમાં મૃત્યુ પામી હતી."

line

'વિચારધારાનો જવાબ વિચારોથી આપવામાં આવે'

ફિદાના પિતરાઈ સજ્જાદ અહમદ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, ફિદાના પિતરાઈ સજ્જાદ અહમદ

ફિદાના દોસ્ત અને તેમના જ ગામમાં રહેતા આશિક હુસૈન કહે છે કે વિચારધારાના આધારે કોઈને મારવા ખોટી વાત છે.

તેમણે કહ્યું, "જો કોઈ રાજકીય વિચારધારા વિશે કહે છે તો તેને રાજકીય રીતે જવાબ આપો. પરંતુ તેને તમે કેવી રીતે મારી શકો? કોઈને પણ મારવા એ આંતરાષ્ટ્રીય કાયદા અને ઇસ્લામની વિરુદ્ધમાં છે."

હુસૈન કહે છે કે આ હત્યાઓ પછી તેમના ગામમાં ભયનો માહોલ છે, સરકાર અને બીજા નેતાઓએ આગળ આવવું જોઈએ.

ગુરુવારે થયેલા હુમલામાં ઉમર રહમાનનું પણ મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પર તેમના ગામમાં મહિલા અને પુરુષ તમામ વિલાપ કરી રહ્યાં છે.

શુક્રવારે કુલગામના યારી ખોશપુરામાં મારવામાં આવેલી વ્યક્તિના એક માળના ઘરની બહાર ભારે ભીડ હતી.

ઉમર રહમાનના કાકા મહંમદ શાબાન ખૂબ જ ગુસ્સામાં હતા.

તેમણે ક્હ્યું, "તે (ઉગ્રવાદી) માનતા હોય કે તે જેહાદ કરી રહ્યા છે. નિર્દોષ લોકોને મારવા જેહાદ છે? તે તામિલનાડુથી એક મહિના પહેલાં આવ્યો હતો. તે સીધો-સાદો ગરીબ છોકરો હતો."

શાબાને એ અહેવાલોનું ખંડન કર્યું છે કે ઉમર ભાજપની સાથે જોડાયેલો હતો.

જોકે કાશ્મીર ભાજપના મીડિયા ઇન્ચાર્જ મંજૂર અહમદનો દાવો છે કે ઉમર પાર્ટીના સભ્ય હતા.

ભાજપના જિલ્લા કાર્યકારી કમિટીના એક અન્ય સભ્ય કહે છે કે ઉમરનો પરિવાર ભયના કારણે આવી વાત કહી રહ્યો છે.

line

ભાજપના કાર્યકર્તા કેમ નિશાને છે?

ઉમર રહેમાનનું ઘર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, ઉમર રહેમાનનું ઘર

ભાજપ કાશ્મીરમાં સુરક્ષામાં ચૂક માટે પોલીસને જવાબદાર ગણી રહ્યો છે.

કાશ્મીર ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુર કહે છે, "કુલગામમાં અમારા જિલ્લાઅધ્યક્ષે એસપીને લેખિતમાં સુરક્ષાના મુદ્દે અવગત કરાવ્યા હતા. તે સમયે એસપીએ કહ્યું હતું કે જો કાંઈ થાય છે તો અમે ભાજપના નેતા અને કાર્યકર્તાઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં લઈશું. મેં એસપીને કહ્યું હતું કે તે મૃત્યુ પામેલા લોકોના કબ્રસ્તાન પર સુરક્ષા આપશે."

"આ સવાલનો જવાબ એસપીએ આપવો જોઈએ. મેં નાયબ રાજ્યપાલ, ડીજીપી અને આઈજીને પણ અપીલ કરી હતી કે આ મામલે ધ્યાન આપે. પહેલાં પણ આ વિસ્તારમાં અમારા બે કાર્યકરોની હત્યા કરવામાં આવી પરંતુ ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી."

"એસપી ભટકાવી રહ્યા છે. આ હત્યાઓ પછી એસપીએ કહ્યું હતું કે હવે સામાન્ય લોકોની હત્યા છે પરંતુ પાર્ટીના નિવેદન પછી પોતાનું નિવેદન બદલ્યું હતું."

ભાજપ કાર્યકરોને જ કેમ નિશાન બનાવવામાં આવે છે?

તેના સવાલ પર ઠાકુરે કહ્યું, "અમારી રાષ્ટ્રવાદી પાર્ટી છે. અમે ભારત માતાની જયના નારા લગાવીએ છીએ અને અમે પાર્ટીને કાશ્મીરના લોકો સાથે જોડવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે."

"પાકિસ્તાન પ્રાયોજિત આતંકી આને નુકસાન પહોંચાડવા માગે છે અને આ પ્રકારની ઘટના ઘટી રહી છે."

ગત દિવસોમાં ઓછામાં ઓછા 8 ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓની કાશ્મીરની ખીણમાં હત્યા કરી દેવામાં આવી છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો