IPL 2020 CSK vs RR: મહેન્દ્રસિંહ ધોની રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટની યાદ અપાવી

ઇમેજ સ્રોત, BCCI/IPL
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
રવિવારની રજા માણ્યા બાદ સોમવારે ઑફિસમાં જવું ગમે નહીં અથવા તો કામ કરવાનું મન લાગે નહી પરંતુ પરાણે કામ કરવું પડે અને જ્યાં ત્યાં કરીને સોમવાર પૂરો થાય તેની રાહ જોવાતી હોય તેવી જ હાલત ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે થઈ હતી.
હજી 24 કલાક અગાઉ બે મૅચ રમાઈ અને બંને મૅચ ટાઈ પડી અને બે નહીં પરંતુ ત્રણ સુપર ઓવર રમાઈ હતી. એની સરખામણીએ સોમવારની મૅચમાં વિશ્વના કેટલાક ધુરંધરો રમતા હોવા છતાં ત્રણ વખતની ચૅમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સાવ સામાન્ય સ્કોર કરી શકી અને રાજસ્થાન રોયલ્સ સામે આસાનીથી મૅચ ગુમાવી બેઠી.
આ મૅચનું મહત્વ અત્યંત વધારે હતું કેમ કે બે તળિયાની ટીમો રમી રહી હતી. જે ટીમ હારે તેના માટે આ સિઝનમાં પ્લે ઑફમાં પ્રવેશવાની તકો ઘટી જવાની હતી અને આ બાબત બંને ટીમના કૅપ્ટન સારી રીતે જાણતા હતા.
ધોની અત્યંત વિચક્ષણ કૅપ્ટન મનાય છેય તેઓ આગામી બૉલમાં શું કરવાનું છે તે પણ પ્લાન કરતા હોય અને આવી મૅચમાં પહેલી બેટિંગની તક છતાં ટીમ માંડ 125 રનનો સ્કોર નોંધાવે તે સમજ બહારનું હતું, પરંતુ આમ બન્યું અને તે જ નિરાશાજનક બાબત હતી.
ભૂતપૂર્વ ચૅમ્પિયન અને ટુર્નામેન્ટના પ્રારંભે ફેવરિટ ટીમ પૈકીની એક એવી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વખતે પ્લે ઑફમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની ગઈ છે અને કદાચ તે પ્લે ઑફથી વંચિત રહી જાય તેવી શક્યતા વધી રહી છે.
પૉઇન્ટ ટેબલમાં સાવ તળિયાની બે ટીમ વચ્ચે સોમવારે યોજાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સનો સાત વિકેટથી પરાજય થયો હતો.
ચેન્નાઈની ટીમને હવે ચાર મૅચ રમવાની છે અને એ તમામમાં તેનો વિજય થાય તો પણ તેના 14 પૉઇન્ટ થશે અને તેણે અન્ય ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે. આમ ચેન્નાઈની ટીમ રેસમાંથી લગભગ આઉટ થઈ ગઈ છે.
સોમવારે રમાયેલી મૅચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં સાવ સામાન્ય એવા 125 રન નોંધાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે 18મી ઓવરમાં જ આ લક્ષ્ય વટાવી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ધોનીએ ભારે ભૂલો કરી

ઇમેજ સ્રોત, BCCI/IPL
ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરી હતી. આમ આ મૅચમાં કેવી રીતે આગળ વધવું તેની કમાન તેના હાથમાં હતી. તેમ છતાં ધોનીએ ભારે ભૂલો કરી હતી.
ફાફ ડુ પ્લેસિસ, શેન વોટસન અને અંબાતી રાયડુ નિષ્ફળ રહ્યા તે જોતાં સેમ કરનના 22 રન પણ મોટો સ્કોર ગણી શકાય. કરન 25 બૉલ રમ્યા હતા અને એક સિક્સર ફટકારી હતી. ટીમની હાલત જોતાં આ 25 રન પણ ધોનીને મીઠા લાગ્યા હશે.
ખુદ ધોની અને રવીન્દ્ર જાડેજાએ જે રીતે બેટિંગ કરી તે જોતાં ભારતના રમતપ્રેમીઓને ટેસ્ટ ક્રિકેટની યાદ અપાવી દીધી કેમ કે કોરોના કાળ બાદ ભારતીય ટીમ કે ભારતીય રમતપ્રેમીઓ ટેસ્ટ ક્રિકેટને તો સાવ ભૂલી જ ગયા હતા.

ઇમેજ સ્રોત, BCCI/IPL
વર્તમાન ટી20 ટુર્નામેન્ટમાં ધોની અને જાડેજાએ ફરી એક વાર પુરવાર કરી દીધું કે તેમનામાં હવે મૅચ જીતવાનો ચાર્મ જ મરી પરવાર્યો છે.
ધોનીએ 28 બૉલમાં 28 રન કર્યા તો છેલ્લે સુધી અણનમ રહેલા રવીન્દ્ર જાડેજાએ 30 બૉલમાં 35 રન કર્યા.
આજના જમાનામાં કોઈ વ્યક્તિ પાસે મોબાઇલ ન હોય અથવા તો તે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો ન હોય તે જાણીને નવાઈ લાગે તેવી જ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સના સ્કોરકાર્ડમાં માત્ર એક જ સિક્સર જોઈને નવાઈ લાગતી હતી. જે સેમ કરને શરૂઆતમાં જ ફટકારી હતી.
મૅચ જીતવા માટે 126 રનનો ટાર્ગેટ આમ તો સામાન્ય હતો પરંતુ બૅન સ્ટૉક્સ, રોબિન ઉથપ્પા અને સંજુ સેમસન માનતા હતા એટલો આસાન પણ ન હતો.
આ ત્રણ બેટ્સમૅનની ગણતરી કદાચ દસેક ઓવરમાં જ મેચ પૂરી કરી નાખવાની હશે પરંતુ પાંચ ઓવર સુધીમાં તો તે ત્રણેય પેવેલિયનમાં પરત ફરી ગયા હતા.
જોકે, જોઝ બટલરે બાજી સંભાળી લીધી હતી અને 48 બોલમાં અણનમ 70 રન ફટકારીને ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી દીધી હતી. કૅપ્ટન સ્ટિવ સ્મિથ 26 રન સાથે અણનમ રહ્યા હતા.
ધોનીની કેટલીક ભૂલ ઉડીને આંખે વળગી હતી. એક તરફ રાજસ્થાન રોયલ્સના શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટિયાએ આઠ ઓવરમાં 32 રન આપીને બે વિકેટ લીધી હતી તો આ તરફ ધોનીએ સ્ટાર સ્પિનર પીયૂષ ચાવલાને છેક 13મી ઓવરમાં બૉલિંગ આપી હતી.
આ ઉપરાંત રવીન્દ્ર જાડેજાને માત્ર 1.3 ઓવર જ બૉલિંગ કરવા મળી હતી. બેટિંગમાં પણ ચેન્નાઈની ટીમ જાણે મોટો સ્કોર ખડકવા જ માગતી ન હોય તે રીતે રમી હતી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















