IPL 2020 RCB vs KKR: ડી વિલિયર્સ અને વિરાટ કોહલીની જોડી આ કારણે છે ખતરનાક

ડી વિલિયર્સ

ઇમેજ સ્રોત, Gareth Copley-ICC/ICC via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની સોમવારે રમાયેલી મૅચ શરૂ થઈ ત્યારે બે બાબતો વિશે કોઈ અટકળ કરી નહીં હોય પરંતુ મૅચમાં આ બે બાબતો જ આકર્ષણ રહી હતી.

પહેલું તો કોઈએ એબી ડી વિલિયર્સ પાસેથી આવી આક્રમક બેટિંગની અપેક્ષા નહીં રાખી હોય અને બીજું કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ આવી રીતે સાવ લાચાર બની જશે તેવી કોઈને કલ્પના ન હતી.

આ બંને બાબતો એક સાથે બની અને પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 82 રનથી વિજય થયો.

આ વિજય સાથે બેંગલોરની ટીમ દસ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે આવી ગઈ છે. મુંબઈ પહેલા તથા દિલ્હી બીજા ક્રમે છે તો કોલકાતા ચોથા ક્રમે છે.

ડી વિલિયર્સને મિ. 360 ડિગ્રી તરીકે ઓળખવામાં આવે છે કેમ કે તે મેદાનની ચારે તરફ સ્ટ્રોક ફટકારી શકે છે. સોમવારે પણ તેમણે આવી જ કમાલ નહીં પણ ધમાલ મચાવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં માત્ર બે જ વિકેટ ગુમાવીને 194 રનનો પડકારજનક સ્કોર રજૂ કર્યો હતો પરંતુ બેંગલોરને કોઈ ચેલેન્જ કરી શકે તેમ ન હતું કેમ કે કોલકાતા નાઇટ રાઇડર્સે સાવ આસાનીથી હાર માની લીધી હતી.

કોલકાતાએ 20 ઓવરને અંતે નવ વિકેટે માંડ 112 રન કર્યા હતા. બેંગલોરના સુકાની વિરાટ કોહલીએ જેટલા બૉલર અજમાવ્યા તે તમામે હરીફ ટીમને કમસે કમ એક નુકસાન તો જરૂર પહોંચાડ્યું હતું.

કોહલી

ઇમેજ સ્રોત, BCCI/IPL

જોકે બૉલરો મેદાનમાં આવે તે પહેલા તો સાઉથ આફ્રિકન સ્ટાર એબી ડી વિલિયર્સે કોલકાતા નાઇટ રાઇડર્સના કેમ્પમાં મોટું નુકસાન દીધું હતું.

બેંગલોરની ઇનિંગ્સની 16 ઓવરને અંતે સ્કોર 129 હતો. આમ ટીમ વધુમાં વધુ 40-45 રન ઉમેરી શકે તેવી અટકળ થતી હતી. આ અટકળ કરનારાને ક્રિકેટમાં તો સમજ પડતી હશે પરંતુ તેઓ કદાચ ડી વિલિયર્સના ભૂતકાળથી પરિચિત નહીં હોય.

બાકી રહેલા ચાર ઓવરના 24 બોલમાં બેંગલોરે 65 રન ફટકાર્યા હતા અને તેમાંથી 47 રનનું યોગદાન ડી વિલિયર્સનું હતું તો કોહલીનું યોગદાન એક પ્રેક્ષકથી વિશેષ માત્ર 13 રન જેટલું જ રહ્યું હતું.

ડી વિલિયર્સે જે ઝંઝાવાત સર્જયો હતો તેમાં અગાઉની મૅચનો હીરો પ્રસિદ્ધ ક્રિષ્ણા, આન્દ્રે રસેલ અને કમલેશ નાગરકોટી પણ ઝપટમાં આવી ગયા હતા. કમલેશે તેમની પહેલી બે ઓવર તો શાનદાર ઢબે ફેંકી હતી પરંતુ ત્યાર બાદની બે ઓવર ભારે પડી ગઈ હતી અને નવ રન પ્રતિઓવરની સરેરાશથી તેમણે ચાર ઓવરમાં 36 રન આપ્યા હતા.

વીડિયો કૅપ્શન, આ સાત વર્ષની ગુજરાતી બાળામાં છે દુહા લલકારવાનો કસબ

આમ છતાં તેના સાથી બૉલરોની તુલનામાં તેમણે ઘણો ચુસ્ત બૉલિંગ કરી એમ કહી શકાય કેમ કેમ રસેલે ચાર ઓવરમાં 51 અને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ચાર ઓવરમાં 42 રન આપ્યા હતા.

ડી વિલિયર્સે તો માત્ર 33 બોલનો જ સામનો કર્યો હતો જેમાં તેમનો સ્ટ્રાઇક રેટ 221.21નો હતો. તેમણે 73 રન ફટકાર્યા હતા જેમાં છ સિક્સર અને પાંચ બાઉન્ડરીનો સમાવેશ થતો હતો. આમ 73માંથી 56 રન માટે તો તેમણે દોડવાની તસ્દી પણ લીધી ન હતી.

વિરાટ કોહલીએ 33 રન કર્યા હતા પરંતુ તેથી પણ મહત્વની બાબત એ રહી હતી કે તેમણે ડી વિલિયર્સ સાથે સદીની ભાગીદારી માત્ર 46 બોલમાં નોંધાવી હતી. દેવદત્ત પડ્ડિકલ અને એરોન ફિંચે અનુક્રમે 32 અને 47 રનનું યોગદાન આપ્યું હતું.

આ સાથે કોહલી અને ડી વિલિયર્સ આઈપીએલના ઇતિહાસની સૌથી સફળ જોડી બની ગઈ હતી. બંનેએ મળીને આઇપીએલમાં દસમી વખત સદીની ભાગીદારી નોંધાવી હતી. આઇપીએલમાં કોઈ એક જોડીએ દસ વખત સદીની ભાગીદારી નોંધાવી હોય તેવી આ પહેલી જોડી છે.

line

કોલકાતા પાસે કોઈ જવાબ નહીં

કોહલી-ડી વિલિયર્સ

ઇમેજ સ્રોત, BCCI/IPL

195 રનનો ટારગેટ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ઓપનર શુભમન ગિલ એકમાત્ર એવા બેટ્સમૅન હતા જેમણે થોડી વાર માટે પણ બેંગલોરના બૉલરને લડત આપી હોય. તેમણે 25 બોલમાં એક સિક્સર અને ત્રણ બાઉન્ડરી સાથે 34 રન ફટકાર્યા હતા. આન્દ્રે રસેલ અને રાહુલ ત્રિપાઠી (બંને 16-16 રન) સિવાયના કોઈ બેટ્સમૅન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા.

આઈપીએલમાં પહેલી વાર રમી રહેલો ઇંગ્લેન્ડનો યુવાન બેટ્સમેન ટોમ બેન્ટન આઠ, નીતિશ રાણા નવ, ઓઇન મોર્ગન આઠ, કૅપ્ટન દિનેશ કાર્તિક એક રન કરી શક્યા હતા.

કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ મૅચ જીતવાનો પ્રયાસ કરતી પણ જોવા મળી નહોતી. કદાચ ડી વિલિયર્સના અચાનકના આક્રમણની કળ તેમને બેટિંગ કરતી વખતે પણ વળી નહીં હોય.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો