You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેસબુક : 'કપલ ચૅલેન્જ' અંગે પૂણે પોલીસે લોકોને કેમ ચેતવ્યા? - TOP NEWS
ફેસબુક પર ચાલી રહેલી 'કપલ ચૅલેન્જ' અંગે પૂણે પોલીસે લોકોને ચેતવ્યા, ફોટોનો થઈ શકે છે દુરુપયોગ
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર પૂણે સિટી પોલીસે સોશિયલ મીડિયા પર 'કપલ ચૅલેન્જ'માં પોતાના પાર્ટનર સાથેની પોતાની તસવીરો શૅર કરવા અંગે લોકોને ચેતવ્યા છે. સિટી પોલીસ અનુસાર સોશિયલ મીડિયા પરની તસવીરોનો દુરુપયોગ પણ થઈ શકે છે.
'કપલ ચૅલેન્જ'ના ભાગરૂપે, લગ્નગ્રંથિથી જોડાયેલાં દંપતીઓએ ફેસબુક પર પોતાના ફોટો શૅર કર્યા છે.
પૂણે પોલીસ દ્વારા તેમના ઑફિશિયલ ટ્વિટર હૅન્ડલ મારફતે એક ચેતવણી જારી કરી હતી. જેમાં કહેવાયું હતું કે, "પોતાના પાર્ટનર સાથે પોતાની તસવીર શૅર કરતા પહેલાં બે વખત વિચારો, 'ક્યૂટ' લાગતી આ ચૅલેન્જ સાવધાની નહીં રાખો તો ભારે પડી શકે છે! #BeAware."
પોલીસે ટ્વીટ કર્યું હતું કે, "સોશિયલ મીડિયા પર કપલ ચૅલેન્જ ફરી એક વાર ટ્રેન્ડિંગ છે.
આ ફોટોનો મોર્ફિંગ, પૉર્ન કે બદલા જેવા સાયબર ગુનાઓ માટે ઉપયોગ થઈ શકે છે. તેથી જાગૃત રહો."
કૃષિ બિલના વિરોધમાં ભાજપના સૌથી જૂના સાથી અકાલી દળે છેડો ફાડ્યો
કેન્દ્ર સરકારના કૃષિ બિલોનો વિરોધ કરી રહેલા શિરોમણિ અકાલી દળે હવે NDAમાંથી છૂટા પડવાની જાહેરાત કરી છે.
નવ દિવસ પહેલાં કેન્દ્ર સરકારમાં મંત્રી હરસિમરત કૌરે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અકાલી દળ ભાજપનો જૂનો સહયોગી પક્ષ રહ્યો છે અને ઘણા લાંબા સમયથી NDAનો ભાગ હતું.
શિરોમણિ અકાલી દળની કોર સમિતિની બેઠકમાં સર્વસંમતિથી NDAમાંથી છૂટા પડવાનો નિર્ણય કરાયો છે.
અકાલી દળના નેતા સુખબીર બાદલે એક ટ્વીટમાં જણાવ્યું કે પાર્ટી ઑક્ટોબરમાં મોટી ખેડૂત માર્ચ કરશે અને રાષ્ટ્રપતિના નામે રાજ્યપાલને આવેદન સોંપશે.
CAG રિપોર્ટ : ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટના 4200 કરોડનાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સબમિટ નથી કરાયાં
શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG)ના રિપોર્ટ અનુસાર, ગુજરાત સરકારના જુદાજુદા વિભાગો દ્વારા સરકારી ગ્રાન્ટ બાબતે ગેરરીતિ અને ગરબડને રોકવા માટે જરૂરી એવાં 4200 કરોડનાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટ રજૂ કરાયાં નથી.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર જુદીજુદી ગ્રાન્ટ બાબતે કુલ 2573 જેટલાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટ રજૂ કરાયાં નથી, જે પૈકી 61 ટકા સર્ટિફિકેટો તો પાછલાં આઠ વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડિંગ છે.
નોંધનીય છે કે નિયમ પ્રમાણે ગ્રાન્ટના ઉપયોગનાં આ પ્રમાણપત્રો નાણાકીય વર્ષના અંત સુધી 12 માસમાં એકાઉન્ટન્ટ જનરલ, રાજકોટની કચેરીમાં જમા કરાવવાના હોય છે.
31 માર્ચ, 2019ની પરિસ્થિતિ અનુસાર, રાજ્યના જુદાજુદા વિભાગ દ્વારા કુલ 4233 .95 કરોડનાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટો હજુ સુધી રજૂ કરાયાં નથી.
ગુજરાત : સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો 25 ટકા ફી ઘટાડા માટ રાજી થઈ
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આખરે સરકારના પ્રસ્તાવ પ્રમાણે વર્ષ 2020-21 માટેની ટ્યૂશન ફીમાં 25 ટકા સુધીનો ઘટાડો કરવા માટે રાજી થઈ છે.
કોરોનાના કારણે નાણાભીડ અનુભવી રહેલા વાલીઓ માટે આ સમાચાર થોડી રાહત લઈને આવ્યા છે.
સેલ્ફ-ફાઇનાન્સ મૅનેજમૅન્ટ ઍસોસિએશનના ઉપપ્રમુખ જતીન ભારડના જણાવ્યાનુસાર ગુરુવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સ્કૂલોના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
નોંધનીય છે કે આ નિર્ણયને કારણે રાજ્યની કુલ 20 હજાર સ્કૂલોના 30 લાખ બાળકોના વાલીઓને રાહત થશે.
વર્ષ 2006-17 દરમિયાન ગુજરાતમાં 'ટ્રી કવર' ઘટ્યું : CAG
તાજેતરમાં જારી કરાયેલ CAG રિપોર્ટ અનુસાર વર્ષ 2006થી 2017 દરમિયાન રાજ્યમાં 'ટ્રી કવર'માં ઘટાડો નોંધાયો છે.
'ટ્રી કવર' એ રાજ્યમાં જંગલ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં વૃક્ષોનું જે-તે વિસ્તારમાં ઘનત્વનું પ્રમાણ દર્શાવે છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2006માં રાજ્યનું ટ્રી કવર કુલ 8390 ચોરસ કિલોમિટર વિસ્તાર નોંધાયું હતું જે ઘટીને વર્ષ 2017માં 6910 ચોરસ કિલોમિટર થઈ ગયું હતું.
જોકે, રિપોર્ટ અનુસાર રાજ્યના 'ફોરેસ્ટ કવર'માં વધારો નોંધાયો છે.
'ન્યૂઝ 18 ડોટ કૉમ'ના અહેવાલ અનુસાર વર્ષ 2006માં રાજ્યનું ફૉરેસ્ટ કવર 14620 ચોરસ કિલોમિટર હતુ જે વર્ષ 2017માં વધીને 14860 ચોરસ કિલોમિટર થઈ જવા પામ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો