કૃષિ બિલ : વિપક્ષ અને ખેડૂતોના વિરોધ વચ્ચે રાજ્યસભામાં ત્રીજું બિલ પણ પાસ - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

વિપક્ષના વિરોધ અને રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ સંલગ્ન ત્રીજું બિલ ગૃહમાં પસાર થઈ ગયું છે.

આ અગાઉ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે વિપક્ષ રાજ્યસભાનો બહિષ્કાર ત્યાં સુધી જારી રાખશે, જ્યાં સુધી આઠ સાંસદોને નિલંબિત કરવાનો નિર્ણય પરત ન લેવાય.

ગુલામ નબી આઝાદ શૂન્યકાળ પછી બોલી રહ્યા હતા, તેમણે માગ કરી કે સરકારે એક એવું બિલ લાવવું જોRએ જેનાથી ખાનગી ખરીદદારોને સરકાર તરફથી નિર્ધારિત લઘુત્તમ સમર્થન મૂલ્યથી ઓછી કિંમતે કૃષિઉત્પાદનો ખરીદતાં રોકી શકાય.

તેમણે એમ પણ કહ્યું કે સરકારે સ્વામીનાથન ફૉર્મ્યુલા હેઠળ સમયાંતરે લઘુત્તમ સમર્થન મૂલ્ય નિર્ધારિત કરતાં રહેવું જોઈએ.

સોમવારે કૃષિ બિલોનો વિરોધ કરી રહેલા આઠ સાંસદોને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ ગૃહમાંથી અઠવાડિયા માટે નિલંબિત કરી દીધા હતા.

આ સાંસદો પર રાજ્યસભામાં કૃષિ બિલો પસાર કરતી વખતે હંગામો કરવાનો અને ઉપસભાપતિ હરિવંશ સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લગાવાયો હતો.

'જેને ગાય પ્રત્યે પ્રેમ નથી, તેમની માટે અમને પ્રેમ નથી', રૂપાણી સરકારનું નવું સૂત્ર

રાજ્યના ગાયસંવર્ધન વિભાગના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભામાં નિવેદન કહ્યું કે "જેઓ ગાયોને પ્રેમ નથી કરતાં, તેમના પ્રત્યે રૂપાણી સરકારને બિલકુલ પ્રેમ નથી."

ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે મંત્રીએ કહ્યું કે "આ સૂત્ર મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે. ગૌહત્યાને રોકવા માટે ભાજપની સરકારે કડક પગલાં ભર્યા છે."

ચુડાસમા એ માહિતી આપી કે વર્તમાન વર્ષમાં ગૌશાળા અને પાંજરાપોળને સહાય માટે અત્યાર સુધીમાં 61.14 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા છે.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભામાં ગૌવંશ માટે રાજ્ય સરકારે લીધેલાં પગલાંઓ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું કે સરકાર ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માટે પાંજરાપોળને સહાય તરીકે વધારાના 100 કરોડ રૂપિયા આપશે.

ચુડાસમા એવો પણ દાવો કર્યો કે "એક વર્ષમાં ગૌશાળાઓ અને પાંજરાપોળને 161 કરોડ રૂપિયાની રકમ આપનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે."

સંક્રમિતોનો આંક છુપાવવાનો કોઈ રાદો નથી : વિજય રૂપાણી

સોમવારે વિધાનસભામાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર થયેલા કોરોના સંક્રમણના કેસના આંકડા સાચા છે.

અમદાવાદ મિરર અખબારના અહેવાલ પ્રમાણે કોરોના વાઇરસના સંક્રમણ પર કાબૂ કરવા માટે રાજ્ય સરકારે કરેલા પ્રયાસો સરકારે દર્શાવ્યા, જેની સામે વિપક્ષે સરકાર પર રાજ્યમાં કોરોના મહામારીથી મૃત્યુના સાચા આંકડા જાહેર ન કરવાનો આક્ષેપ કર્યો હતો.

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે "સરકારે વાઇરસના ફેલાવાને અટકાવવા માટે અગમચેતીનાં પગલાં ન ઉઠાવ્યાં અને 'નમસ્તે ટ્રમ્પ'નો કાર્યક્રમ રાજ્યમાં કોરોના વાઇરસના ફેલાવાનું એક મોટું કારણ હતો.

આ દાવાને નકારતાં મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું કે આ કાર્યક્રમ પછી તરત સંક્રમણનો કોઈ કેસ નોંધાયો ન હતો. કાર્યક્રમ 25 ફેબ્રુઆરી થયો અને અમદાવાદમાં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો.

તેમણે ઉમેર્યું કે "અમે આઈસીએમઆરની ગાઇડલાઇન પ્રમાણે મૃત્યુઆંક જાહેર કરીએ છીએ અને આંકડા છુપાવવાનો કે નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો અમારો કોઈ ઇરાદો નથી."

સોમવારના શૅરબજારના કડાકાથી ગુજરાતની કંપનીઓને ફટકો

સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી સત્રમાં ભારતીય શૅરબજારમાં કડાકો જોવા મળ્યો હતો અને સૂચકાંકો મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણેઆ ઘટાડાને કારણે ગુજરાતસ્થિત કંપનીઓના શૅરમાં એકથી છ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

અદાણી ઍન્ટરપ્રાઇઝનો શૅર પાંચ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. ટોરેન્ટ ફાર્મા 6 ટકા જેટલા ઘટાડા સાથે જ્યારે એઆઈએ ઍન્જિનિયરિંગના શૅરના ભાવમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો અદાણી પાવરના શૅર એક ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

સોમવારે સેન્સેક્સ 812 પૉઇન્ટ ઘટીને બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 256 અંક ઘટીને 11651ની સપાટી પર બંધ થયો હતો.

દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસ અને વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં સંક્રમણની બીજી લહેરના ડરને કારણે વિશ્વભરનાં શૅરબજારો પર દબાણ જોવા મળ્યું, જેની અસર ભારતીય શૅરબજાર પર પણ જોવા મળી રહી છે.

બજારના નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારોની અસરને કારણે આ મહિનામાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો હતો.

UNમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા?

રવિવારે યુએનની 75મી વર્ષગાંઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરતા અનેક વાતો એક જેવી કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ બંનેએ કહ્યું કે વિશ્વ હવે બહુધ્રુવીય થઈ ગયું છે અને એ દૃષ્ટિએ યુએનને સંતુલિત કરવાની જરૂર છે.

આ બેઠકમાં પીએમ મોદીનું અગાઉથી રેકૉર્ડ કરવામાં આવેલું ચાર મિનીટનું ભાષણ સંભળાવાયું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વ્યાપક સુધારા વિના હાલ સંયુક્ત રાષ્ટ્ર વિશ્વાસના સંકટનો સામનો કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રને બહુમુખી બનાવવાની જરૂર છે, જેથી બધાના અવાજને જગ્યા મળી શકે.

તેમણે કહ્યું કે એની સાથે જ યુએનએ વર્તમાન પડકારોને પહોંચી વળવાની જરૂર છે.

તો બીજી તરફ શી જિનપિંગે અમેરિકા ઉપર નિશાન સાધતાં કહ્યું કે કોઈ એક દેશ સમગ્ર વિશ્વનો બૉસ ન બની શકે. તેમણે પોતાના સંબોધનમાં એક ધ્રુવીય વિશ્વનો વિરોધ કર્યો.

જિનપિંગે પોતાના સંબોધનમાં કોવિડ-19 પછી યુએનની ભૂમિકાને રેખાંકિત કરી.

રૂપાણી સરકારનું ખેડૂતો માટે 3700 કરોડનું પૅકેજ

રાજ્ય સરકારે સોમવારે ભારે વરસાદ અને પૂરમાં જે ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે, તેમને માટે 3700 કરોડના રાહતપૅકેજની જાહેરાત કરી.

હિન્દુ બિઝનેસલાઇનના અહેવાલ પ્રમાણે આ રાહતપૅકેજ માટે રાજ્યના 27 લાખ ખેડૂતોને આવરી લેવાશે.

વિધાનસભામાં રાહતપૅકેજની જાહેરાત કરતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 123 તાલુકાઓના કુલ 37 લાખ હૅક્ટર વિસ્તારમાં આ રાહત મળવાપાત્ર થશે, જેમાં રાજ્યના 20 જિલ્લાઓને આવરી લેવાશે.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે જે ખેડૂતના પાકને 33 ટકાથી વધુનું નુકસાન થયું છે તેમને પ્રતિ હૅક્ટર 10000 રૂપિયા મળવાપાત્ર થશે, જેમાં મહત્તમ બે હૅક્ટર માટે રાહતનો દાવો કરી શકાશે.

જોકે સાથે જ મુખ્ય મંત્રીએ એમ પણ સ્પષ્ટતા કરી કે આ રાહતપૅકેજમાં ખેડૂત પાસે ઓછામાં ઓછી જમીનની કોઈ મર્યાદા નથી અને કોઈ પણ ખેડૂતને 5000 રૂપિયા રાહત તરીકે મળવાપાત્ર થશે.

રાજ્યમાં ચોમાસામાં સરેરાશ 130.44 ટકા વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના શિયાળુ પાક મુખ્યત્વે કપાસ અને મગફળીને ભારે નુકસાન થયું હતું.

જેથી ખેડૂતો અને ખેડૂતસંગઠનોએ રાજ્ય સરકારને રાહતપૅકેજ આપવા રજૂઆત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો