રાજ્યસભામાં કૃષિ બિલ મુદ્દે હોબાળા બદલ વિપક્ષના આઠ સભ્યો સસ્પેન્ડ - TOP NEWS

ઇમેજ સ્રોત, GETTY IMAGES
રવિવારે રાજ્યસભામાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ બિલ પરની ચર્ચામાં જવાબ આપવાનું શરૂ કરતાં જ ગૃહમાં નાટકીય દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના અહેવાલ પ્રમાણે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કોવિડ-19 મહામારી સંબંધિત નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. વિપક્ષના સભ્યો ગૃહના સભાપતિના મંચ પર ચડી ગયા હતા.
જે બાદ વિપક્ષના આઠ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે રાજ્યસભાના સ્પીકર નાયડુએ જણાવ્યું કે તેમને અશિસ્તભર્યા વર્તન બદલ એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરાયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગૃહમાં કેટલાક વિપક્ષી સભ્યોએ સભાપતિનું માઇક ખેંચી કાઢયું હતું, કેટલાકે સરકારી કાગળો ફાડ્યાં હતાં અને પ્રિસાઇડિંગ ઑફિસરને ધક્કે ચડાવ્યા હતા. આ કૃષિ બિલોને હાઉસ કમિટી પાસે મોકલવાની માગને અવગણી બે બિલ પાસ કરાવવાના સરકારના પગલાનો વિરોધ વિપક્ષના સભ્યો દ્વારા કરાયો હતો.
કૉંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને ડાબેરી પાર્ટીઓના સાંસદો વૅલમાં ધસી ગયા હતા. કૉંગ્રેસના રાજીવ સાતવ અને આપના સંજયસિંહ ગૃહના ટેબલ પર ચડી ગયા હતા, જેમને હાજર સુરક્ષાકર્મીઓએ નીચે ઉતાર્યા હતા.
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે જેવું ગૃહનું કાર્ય લંબાવવાની મંજૂરી આપી કે તરત હોબાળો શરૂ થયો હતો. વિપક્ષના સભ્યોની માગ હતી કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરના ચર્ચા પરના જવાબને સોમવાર સુધી મુલતવી રાખવામાં આવે.

BJPના MLA અને કાઉન્સિલરે કાર્યક્રમો યોજ્યા

ઇમેજ સ્રોત, facebook/Madhu Shrivastava
ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરાના હનુમાન મંદિરમાં એક કાર્યક્રમમાં યોજીને સમર્થકો સાથે ડાન્સ કર્યો ,ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા અને સારવાર બાદ તેઓ પાછા ફર્યા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ અનુસાર વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં મધુ શ્રીવાસ્તવ સાથે અનેક સમર્થકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવાં નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધુ શ્રીવાસ્તવનો ડાન્સ કરતો વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં તેઓ મંદિરની અંદર માસ્ક વગર અનેક લોકોની વચ્ચે ભજન પર ડાન્સ કરતાં નજરે પડે છે.
મધુ શ્રીવાસ્તવ ઑગસ્ટ મહિનાના અંતમાં કોરોના સંક્રમિત થયા હતા અને હૉસ્પિટલમાં એક અઠવાડિયાથી વધુની સારવાર બાદ હાલમાં તેમણે તેમનો ક્વોરૅન્ટીન સમયગાળો પૂર્ણ કર્યો હતો.
ધારાસભ્યના એક લાંબા સમયના અંગત મદદનીશનું પણ થોડા વખત પહેલાં કોરોના સંક્રમણથી મૃત્યુ થયું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસના વધુ એક અહેવાલ પ્રમાણે વડોદરાના જ ભાજપના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા રવિવારે જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને એકઠા કરીને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ કાઉન્સિલરના જ વૉર્ડમાં એક ફ્લાયઑવર નીચે યોજાયો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન થયાની ફરિયાદો ઊઠી હતી.

GTUના નિર્ણયથી વિદ્યાર્થીઓને રાહત

ઇમેજ સ્રોત, Twitter/GTU
ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટીએ ટેકનિકલ મુશ્કેલીને કારણે ઑનલાઇન પરીક્ષા આપવામાં નિષ્ફળ રહેલા વિદ્યાર્થીઓને ત્રીજા તબક્કાની પરીક્ષામાં ફરી બેસવા દેવાશે.
અમદાવાદ મિરર અખબારના અહેવાલ પ્રમાણે પહેલા તબક્કામાં ટેકનિકલ સમસ્યાને કારણે વંચિત વિદ્યાર્થીઓ 21 સપ્ટેમ્બરથી શરૂ થતા ત્રીજા તબક્કામાં પરીક્ષા આપી શકશે.
આ મામલે જીટીયુના એક વિદ્યાર્થીએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જે બાદ યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે.
જીટીયુ વાઇસ ચાન્સેલર નવીન શેઠે કહ્યું કે એક વિદ્યાર્થી હાઈકોર્ટ પહોંચ્યા, એ સિવાય પણ અડધો ડઝન જેટલા વિદ્યાર્થીઓ હોવાનું યુનિવર્સિટીના ધ્યાને આવ્યું છે, જેઓ પરીક્ષા માટે યુનિવર્સિટી પહોંચ્યા હતા અને તેમને પરીક્ષા દરમિયાન ટેકનિકલ સમસ્યા આવી હતી.
યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થીઓના નામ શૉર્ટલિસ્ટ કરી તેમને પરીક્ષામાં ફરી હાજર રહી શકવા બાબતની જાણ પણ કરી દીધી છે.

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર, પ્રશ્નકાળ નહીં હોય

ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે જેમાં પ્રશ્નકાળ નહીં હોય
ડૅક્કન હૅરાલ્ડ અખબારની ખબર અનુસાર ચોમાસુ સત્ર દરમિયાન લગભગ 20 જેટલા બિલ ઉપર ચર્ચા કરવામાં આવશે અને કોવિડ-19ને લગતાં તમામ નિયમોનું સત્ર દરમિયાન પાલન કરવામાં આવશે.
વિધાનસભાગૃહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અનુસાર બેઠક વ્યવસ્થા કરવામાં આવશે અને વિધાનસભા સંકુલમાં કોઈ પણ મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે.
પાછલા કેટલાક દિવસોથી વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને 505 સ્ટાફના સભ્યોના કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી, જેમાં પાંચ લોકો સંક્રમિત મળી આવ્યા હતા.
સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ રાજ્યમાં કોવિડ-19 મહામારી સામે લડવા માટે લેવાયેલાં પગલાં વિશેનો અહેવાલ ગૃહમાં રજૂ કરશે એમ પણ મંત્રીએ જણાવ્યું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















