You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રેય હૉસ્પિટલ અગ્નિકાંડ : મૃતકોના પરિવારજનો CBI તપાસની માગ કેમ કરી રહ્યા છે? - BBC Top News
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર 6 ઑગસ્ટના રોજ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારજનો દ્વારા મામલાની તપાસ સ્વતંત્ર એજન્સીને સોંપવાની માગ કરાઈ છે.
મામલાની સ્વતંત્ર તપાસની માગ સાથે મૃતકોના પરિવારજનો દ્વારા જવાબદારો પર IPCની કલમ 302 અથવા/અને 304 અન્વયે ગુનો નોંધાવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.
નોંધનીય છે કે 6 ઑગસ્ટ, 2020ના રોજ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
કિશોર સિંધીનાં 55 વર્ષીય સંબંધી જ્યોતિ સિંધીએ આ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો હતો.
કિશોર સિંધી કહે છે, "સુરતના તક્ષશીલા અગ્નિકાંડમાં બાળકોનાં મૃત્યુ બાદ તરત પગલાં લેવાયાં હતાં, એ અમે જોયું છે."
"એમાં જવાબદારો સામે કાર્યવાહી થઈ, ધરપકડો થઈ, કેટલાકના જામિન અનેક વખત નામંજૂર થયા છે."
"આવાં કોઈ પગલાં આ કેસમાં કેમ નથી લેવાયાં?"
મામલાની તપાસ અંગે અસંતોષ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજનોએ શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં સમગ્ર મામલાની CBI તપાસ કરાવવાની માગ કરી હતી. તેમજ સુરતમાં થયેલ તક્ષશિલા અગ્નિકાંડ જેવી કડક કાર્યવાહી આ મામલે કેમ નથી કરાઈ તે અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં કોરોનાથી 38 ડૉક્ટરોનાં મોત, સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે
અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA) દ્વારા કેન્દ્ર સરકારને લખાયેલા એક પત્રમાં દેશમાં કુલ 382 ડૉક્ટરો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોવાનો દાવો કરાયો છે.
કોરોનાના કારણે મૃત્યુ પામનારા ડૉક્ટરોની સંખ્યા બાબતે ગુજરાત 38 મૃત્યુ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ 61 અને 41 મૃત્યુ સાથે અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે છે.
ગુજરાતમાં મૃત્યુ પામેલા 38 ડૉક્ટરો પૈકી 16 ડૉકટરો અમદાવાદના છે, જ્યારે છ ડૉક્ટરો સુરતના છે. મૃત્યુ પામનાર તમામ ડૉક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિશનર હતા.
પોતાના પત્રમાં IMA દ્વારા માગણી કરાઈ છે કે કોરોનામાં મૃત્યુ પામનાર તમામ ડૉક્ટરોને શહીદનો દરજ્જો આપવાની સાથે તેમના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ.
બુલેટ ટ્રેન : જમીનસંપાદનની પ્રક્રિયા નવસારીમાં સૌથી ધીમી
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર મુંબઈ-અમદાવાદ વચ્ચે નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારીમાં સૌથી ધીમી ગતિએ જમીન સંપાદિત કરાઈ છે. અહેવાલમાં નોંધાયા અનુસાર નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશન (NHSRL)ના સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ અત્યાર સુધી નવસારીમાં પ્રોજેક્ટ માટે કુલ જરૂરિયાત કરતાં 5.66 ટકા જમીન સંપાદિત કરી શકાઈ છે.
નોંધનીય છે કે જિલ્લામાં પ્રોજેક્ટ માટે કુલ 92.77 હેક્ટર જમીન સંપાદિત કરવાની છે, જે પૈકી અત્યાર સુધી માત્ર 5.26 હેક્ટર જમીન જ સંપાદિત કરી શકાઈ છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવા માટે જવાબદાર અધિકારી તુષાર જાનીએ જિલ્લામાં જમીન સંપાદન પ્રક્રિયાની મંદ ગતિના કારણ વિશે જણાવતાં કહ્યું હતું કે, “નવસારીમાં ખેડૂતો પોતાની જમીનો માટે પ્રવર્તમાન બજારકિંમત માગી રહ્યા છે. જે હાલના જમીન સંપાદનને લગતા કાયદા અંતર્ગત શક્ય નથી.”
ગુજરાત : ઘુડખરની સંખ્યામાં નોંધપાત્ર વધારો
ડેક્કન હેરાલ્ડ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યના વનવિભાગ દ્વારા કરાયેલ તાજેતરના અંદાજ મુજબ રાજ્યમાં પાછલાં પાંચ વર્ષોમાં ઘુડખરની સંખ્યામાં 36 ટકાનો વધારો નોંધાયો છે.
ચાલુ વર્ષે માર્ચ મહિનામાં કરાયેલ ગણતરી મુજબ કચ્છના નાના રણમાં ઘુડખરોની સંખ્યા 6082 હોવાનું અનુમાન કરાયું હતું. પાંચ વર્ષ પહેલાં આ સંખ્યા આશર 4451 હતી.
રિપોર્ટ અનુસાર કુલ ઘુડખરો પૈકી નર અને માદાની સંખ્યા અનુક્રમે 1039 અને 3003 હતી. જ્યારે બાકીના 1481 ઘુડખરોના લિંગ અંગે માહિતી પ્રાપ્ત થઈ શકી નહોતી.
કુલ ઘુડખરો પૈકી 5523 પુખ્ત હતાં જ્યારે 559 ઘુડખર એક વર્ષ કરતાં ઓછી ઉંમરનાં હતાં.
કૃષિ ખરડા અંગે ભાજપનો વધુ એક સાથી પક્ષ નારાજ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ચાલુ લોકસભા સત્રમાં કૃષિક્ષેત્રના ત્રણ ખરડાને લઈને સર્જાયેલા વિવાદમાં હવે તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ પણ ઝંપલાવ્યું છે.
અહેવાલ અનુસાર ભાજપના સાથી પક્ષ શિરોમણિ અકાલી દળ, DMK અને TRS દ્વારા રાજ્યસભામાં પોતાના સભ્યોને આ બિલો વિરુદ્ધ મતદાન કરવા જણાવ્યું છે.
જોકે, કેન્દ્રની ભાજપ સરકારે રાજ્યસભામાં પણ ત્રણેય બિલો ભારે બહુમતીથી પસાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
નોંધનીય છે કે કૉંગ્રેસ સહિત 12 રાજકીય પક્ષોએ કૃષિક્ષેત્ર સાથે સંબંધિત ત્રણેય ખરડા રાજ્યસભા સિલેક્ટ કમિટિમાં મોકલવા માટે રાજ્ય સભાના સભાપતિ વેંકૈયા નાયડુને ભલામણ કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો