You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવરાત્રીને મંજૂરી ન આપવા ગુજરાત સરકારને કોણે પત્ર લખ્યો?
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સરકારે નવરાત્રિ માટે છૂટછાટ આપવાના એંધાણ આપ્યા છે તેના કારણે હવે ડૉક્ટર્સ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે.
અહેવાલ પ્રમાણે અમદાવાદ મેડિકલ એસોસિએશનના અધિકારીઓએ ગુજરાત સરકારને એક પત્ર લખ્યો છે અને આ વર્ષે નવરાત્રિના કાર્યક્રમને મંજૂરી નહીં આપવાની અરજી કરી છે.
એવી માહિતી મળી હતી કે સરકાર મર્યાદિત લોકોની હાજરી સાથે નવરાત્રિના કાર્યક્રમને મંજૂરી આપી શકે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતાં AMAનાં પ્રમુખ ડૉ. મોના દેસાઈએ કહ્યું છે કે તેમણે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે અને નવરાત્રિની ઉજવણીની પરવાનગી ન આપવાની અરજી કરી છે.
તેઓ કહે છે, “સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના કાયદા તો છે પરંતુ આ તહેવાર એવો છે જેમાં કાયદાનું પાલન કરવું અઘરું છે. આપણે ઘરે નવરાત્રિ ઊજવી શકીએ છીએ અને તેના માટે મોટી સંખ્યામાં લોકોએ ભેગા થવાની જરૂર નથી, ખાસ કરીને આવા સમયે જ્યારે કોરોના વાઇરસ ચરમસીમાએ છે.”
JEE Mainના પરિણામ જાહેર, ગુજરાતના નિસર્ગ ચડ્ઢાએ ટૉપમાં સ્થાન મેળવ્યું
JEE Main 2020નું પરિણામ શુક્રવારની રાત્રે જાહેર થયું છે અને તેમાં ગુજરાતના નિસર્ગ ચઢ્ઢાએ ટૉપમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
કુલ 24 ઉમેદવારો એવા છે જેમને 100 પર્સેન્ટાઇલ મળ્યા છે અને તેમાં નિસર્ગ ચઢ્ઢાનું સ્થાન સૌથી ઉપર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
JEEની પરીક્ષા ઍન્જિનિયરિંગમાં એડમિશન માટે લેવામાં આવે છે અને આ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ હતી.
આ પરીક્ષામાં આશરે 8.58 લાખ ઉમેદવારોએ આપી હતી. જેના માટે કોરોના મહામારી વચ્ચે દેશમાં 660 કેન્દ્રોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.
વેબસાઇટ પર પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પરિણામ ઉમેદવારોની ઑલ ઇન્ડિયા રૅન્ક, NTA ટકાવારી તેમજ કટ-ઑફ સહિતની વિગતો પર આધારિત છે.
આ પરીક્ષા વર્ષમાં બે વખત યોજાય છે અને રૅન્કની ગણતરી ઉમેદવારોની બન્ને પરીક્ષામાંથી સારા નંબરના આધારે કરવામાં આવે છે.
મહત્ત્વનું છે કે કોરોના વાઇરસના કારણે JEE Main અને મેડિકલમાં પ્રવેશ માટે અપાતી પરીક્ષા NEETની તારીખ આગળ વધારવા માટે ઘણા વિરોધ પ્રદર્શન થયાં હતાં. પરંતુ સુપ્રીમ કોર્ટે તારીખ આગળ વધારવા પરવાનગી આપી ન હતી.
ઑક્ટોબર સુધી ભારતમાં 70 લાખ કોરોનાના કેસ હશે?
ડેક્કન ક્રોનિકલના અહેવાલ પ્રમાણે BITS હૈદરાબાદના એક સંશોધન મુજબ ભારતમાં ઑક્ટોબરના પહેલા અઠવાડિયા સુધી 70 લાખ કોરોના વાઇરસના કેસ હશે.
70 લાખ કેસો સાથે ભારત અમેરિકાને પાછળ છોડી કોરોના વાઇરસથી સંક્રમિત દેશોમાં પહેલા નંબરે પહોંચી જશે.
BITS હૈદરાબાદના સંશોધક ડૉ. ટી. એસ. એલ. રાધિકાનું કહેવું છે કે આ આંકડા મેળવવા માટે તેઓ સૌથી એડવાન્સ તકનીકનો ઉપયોગ કરી રહ્યાં છે.
તેઓ કહે છે, “અમે જે આધુનિક તકનીકનો ઉપયોગ કર્યો છે, તેના પ્રમાણે જાણવા મળે છે કે ટૂંકસમયમાં ભારત કોરોના વાઇરસથી સંક્રમિત દેશોમાં સૌથી ઉપર હશે."
"તે ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં અમેરિકાને પાછળ મૂકી દેશે. ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં ભારતમાં 70 લાખ કરતાં વધુ કોરોનાના કેસ હોઈ શકે છે.”
કૉંગ્રેસમાં થયાં મોટાં પરિવર્તન
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં મોટાં પરિવર્તન કર્યાં છે, જેમાં ગુલામ નબી આઝાદ અને મલ્લિકાર્જુન ખડગે સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના સર્વોચ્ચ નીતિ નિર્ધારણ એકમ કૉંગ્રેસ કાર્ય સમિતિનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના મહાસચિવો અને પ્રભારીઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે.
પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ તરફથી જાહેર નિવેદન પ્રમાણે ગુલામ નબી આઝાદ, મોતીલાલ વોરા, અંબિકા સોની અને મલ્લિકાર્જુન ખડગેને મહાસચિવ પદેથી મુક્ત કરાયા છે.
ખાસ વાત એ પણ છે કે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના સંગઠનાત્મક અને કામકાજના મામલે પોતાની મદદ માટે વિશેષ સમિતિનું ગઠન કર્યું છે.
આ સિવાય સોનિયા ગાંધીએ AICC સેન્ટ્રલ ઇલેક્શન ઑથોરિટીનું પણ પુનર્ગઠન કર્યું છે.
UAE બાદ બહેરીને ઇઝરાયલ સાથે શાંતિ સમજૂતી કરી
ઇઝરાયલ અને બહેરીન પોતાના સંબંધોને સામાન્ય બનાવવા માટે એક ઐતિહાસિક સમજૂતી માટે સહમત થયા છે. આ વાતની ઘોષણા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, "30 દિવસની અંદર ઇઝરાયલ સાથે શાંતિ સમજૂતી કરનારો બીજો અરબ દેશ."
દાયકાઓથી મોટાભાગના અરબ દેશ એ કહીને ઇઝરાયલનો બહિષ્કાર કરી રહ્યા છે કે તેઓ પેલેસ્ટાઇનના વિવાદના સમાધાન બાદ જ ઇઝરાયલ સાથે સંબંધ સ્થાપિત કરશે.
પરંતુ ગત મહિને સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈ પણ ઇઝરાયલ સાથે પોતાના સંબંધ સામાન્ય કરવા માટે સહમત થયું હતું.
ત્યારથી જ એવી અટકળો હતી કે બહેરીન પણ આમ કરી શકે છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, "આ શાંતિનો એક નવો યુગ છે. શાંતિ માટે શાંતિ. અર્થવ્યવસ્થા માટે અર્થવ્યવસ્થા. અમે ઘણાં વર્ષોથી શાંતિ માટે પ્રયાસ કર્યો છે. હવે શાંતિ અમારા માટે પ્રયાસો કરશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો