મહારાષ્ટ્રમાં નોકરી-શિક્ષણમાં મરાઠા અનામત ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

દેશની સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રની સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ તથા નોકરીઓમાં મરાઠાને અનામત આપતી જોગવાઈ ઉપર સ્ટે મૂકી દીધો છે, સાથે જ સ્પષ્ટતા કરી છે કે જેમને અનામતની જોગવાઈઓનો લાભ મળ્યો છે, તેમને કોઈ અસર નહીં પહોંચે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ને ટાંકતાં ન્યૂઝ મૅગેઝિન 'આઉટલૂક' લખે છે કે જસ્ટિસ એલ. એન. રાવની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચે મરાઠા અનામતને પડકારતી અરજી બંધારણીય બેન્ચને સોંપી દેવાશે

દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ જસ્ટિસ એસ. એ. બોબડે દ્વારા નવી બેન્ચનું ગઠન કરવામાં આવનાર છે, જે શિક્ષણ તથા નોકરીઓમાં મરાઠાને અનામતની જોગવાઈ કરતા કાયદાને બંધારણીય જોગવાઈઓની એરણ ઉપર ચાકસશે.

મહારાષ્ટ્રમાં મરાઠાને અનામત મળે તે માટે નવેમ્બર-2018માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 'સોશિયલી ઍન્ડ ઇકૉનૉમિકલી બૅકવર્ડ ક્લાસ (SEBC) ઍક્ટ, 2018' રજૂ કરવામાં આવ્યો હતો.

જૂન-2019માં બોમ્બે હાઈકોર્ટે અનામતને ગ્રાહ્યા રાખી હતી, પરંતુ 16 ટકાને ગેરવ્યાજબી ઠેરવી હતી.

ઉચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં 13 ટકા તથા નોકરીમાં 12 ટકા કરતાં વધુ અનામત ન મળવી જોઈએ.

અનામતની આંટીઘૂંટી

ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.

આ માટે જે-તે રાજ્યે 'સરકારે પછાત વર્ગ આયોગ'નું ગઠન કરવાનું હોય છે.

આયોગનું કામ સમાજના અલગ-અલગ સમુદાયની સામાજિક સ્થિતિનો અંદાજ મેળવવાનું હોય છે.

ઓ.બી.સી. (અધર બૅકવર્ડ ક્લાસ, અન્ય પછાત વર્ગ) પંચ આ જ આધાર પર સરકારને પોતાની ભલામણો રજૂ કરતું હોય છે.

કંગના રનૌત પાસે ઘર બચાવવા માટે 24 કલાક, BMCએ નોટિસ ફટકારી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મુંબઈની મ્યુનિસિપલ કૉર્પોરેશન બીએસી દ્વારા કંગના રનૌતને પોતાનું ઘર બચાવવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે.

કંગના રનૌતને 'ગેરકાયદેસર ફેરફાર અને બાંધકામ' કરવાના આરોપ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે.

બીએમસીના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વિનાયક વિસ્પુતેએ કહ્યું, "આ રો-હાઉસને ઑફિસમાં તબદીલ કરવામાં આવ્યું છે. જો કંગના 24 કલાકમાં જવાબ નહીં આપે તો બીએમસી દ્વારા બંગલાના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવશે."

બીએમસીએ કોર્ટમાં જઈને માગ કરી છે કે કંગના રનૌત દ્વારા ઘરને તોડતા અટકાવવા માટે પૂર્વ ઑર્ડર જાહેર કરવામાં ન આવે અને તેમને સાંભળવામાં આવે.

કંગનાએ ટ્વીટ કરીને કહ્યું કે "હવે @mybmcએ મારી સામે કેવિયટ દાખલ કરી છે, તેઓ મારું ઘર તોડવા માટે ડેસ્પરેટ છે, મેં જે આટલાં વર્ષોમાં ખૂબ જ પેશનથી બનાવ્યું છે તેને ખૂબજ પ્રેમ કરું છું, પરંતુ જો તમે તેને તોડી નાખશો તો પણ તમે મજબૂત બનશો, ગો ઓન."

'અરુણાચલ પ્રદેશથી ગૂમ થયેલા લોકો ચીનથી મળ્યા'

એનડીટીવીના અહેવાલ અનુસાર ગત દિવસોમાં ચીન સાથે જોડાયેલી અરુણાચલ પ્રદેશની સરહદેથી કથિત રીતે અપહરણ કરાયેલા પાંચ લોકો ચીનની સરહદેથી મળ્યા છે. આની પુષ્ટિ ચીનના સૈન્યએ કરી છે, એવો દાવો કેન્દ્રીય મંત્રીએ કર્યો છે.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરીને જાણકારી આપી, "ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ (પીએલએ) ભારતીય સૈન્ય દ્વારા મોકલેલા હૉટલાઇન સંદેશનો જવાબ આપ્યો છે. તેમણે પુષ્ટિ કરી છે કે અરુણાચલ પ્રદેશથી ગાયબ થયેલા યુવક તેમની તરફ મળી ગયા છે. તે લોકોને આપણા વહીવટીતંત્રને સોંપવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે."

ગત શનિવારે એક મુખ્ય સ્થાનિક અખબારે અહેવાલ છાપ્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે તાગિન સમુદાયના 5 લોકો, કે જે નાચો શહેરની પાસે એક ગામમાં રહે છે. તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.

અખબારે લખ્યું હતું કે તે સમયે જંગલમાં શિકાર માટે તે લોકો ગયા હતા. આ અહેવાલ એક પરિવારના સભ્યના હવાલાથી છપાયો હતો.

સુરત :ઍન્ટિબૉડી ધરાવતા મજૂરો જ કામ કરી શકશે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને મંગળવારે કહ્યું કે વતનમાં વાઇરસથી સંક્રમિત થયા હોય અને હવે કામકાજ માટે સુરત પરત ફરી રહ્યા હોય, એ પૈકી જેમનાં શરીરમાં ઍન્ટિબૉડી વિક્સ્યા હશે તેઓ જ કામ કરી શકશે.

સુરત મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાનીએ કહ્યું, "અમે અમારા કર્મીઓને રેલવેસ્ટેશન અને બસસ્ટેશન પર મૂક્યા છે અને શહેરમાં પ્રવેશના સ્થળે મૂક્યા છે. આ લોકોને મજૂરોનું સ્ક્રીનિંગ કરવાનું કહ્યું છે."

"જે મજૂરો પોતાનાં ગૃહરાજ્યમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને સારવાર લીધી છે તેઓ જ ફેક્ટરીમાં કામ કરી શકશે."

વધુમાં કહ્યું, "આ દર્દીઓએ તેમના સારવારનાં પુરાવા અને કોરોના વાઇરસના ટેસ્ટના રિપોર્ટ બતાવવા પડશે. તેઓએ ઍન્ટિબૉડી ટેસ્ટ પણ કરાવવો પડશે."

"જે લોકો સંક્રમિત નથી અને સ્વસ્થ છે તેમણે સાત દિવસ સુધી ઘે ક્વોરૅન્ટીન થવું પડશે. પછી રેપિડ ઍન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે, જો તે પૉઝિટિવ આવશે તો તેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડશે."

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી રેલવેસ્ટેશન, બસસ્ટોપ, પ્રવેશમાર્ગો પર કરાયેલા મજૂરોના ટેસ્ટિંગમાં 100 મજૂરો કોરોના સંક્રમિત મળ્યા હતા.

ગોરધન ઝડફિયાને કથિત રીતે મારવા આવેલા એક વ્યક્તિની ધરપકડ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભાજપના નેતા ગોરધન ઝડફિયાને કથિત રીતે મારવાના પ્લાનના કેસમાં ગુજરાત ઍન્ટિ-ટેરરિસ્ટ સ્કવૉડે મુંબઈના ચેમ્બુરમાં રહેતી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ઍટીએસના અધિકારીઓના કહેવા અનુસાર શિવેશ ખરાડે નામની વ્યક્તિની અટકાયત ચાર-પાંચ દિવસ પહેલાં કરવામાં આવી હતી અને ત્યારબાદ ઍટીએસ અમદાવાદની ઑફિસે તેની ધરપકડ કરાઈ હતી.

ઍટીએસએ કહ્યું કે ખરાડેએ કથિત રીતે નાઇન મિલિમીટરની પિસ્તોલ શાર્પશૂટર શેખને આપી હતી અને આ ઉપરાંત મુંબઈથી અમદાવાદ આવવાની બસની ટિકિટ પણ આપી હતી.

અધિકારીઓએ વધુમાં કહ્યું, "ખરાડે પાકિસ્તાનના હાજી શબ્બિરે આપેલી સૂચનાના આધારે કામ કરતો હતો. અમે ખરાડે વિશે વધારે તપાસ કરી રહ્યા છે.

19 ઑગસ્ટે ગુજરાત એટીએસે અમદાવાદની એક હોટલમાં રેઇડ પાડીને ઇરફાન ઉર્ફે કાલિઆ શેખની ધરપકડ કરી હતી. જેના પર આરોપ હતો કે તે છોટા શકીલ ગૅન્ગનો શાર્પશૂટર છે. તે 2002નાં તોફાનો વખતે રાજ્યના ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને મારવા આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો