You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનના બર્મિંઘમમાં છૂરાબાજી, અનેક લોકો પર ચાકુથી હુમલો - BBC TOP NEWS
બ્રિટનના બર્મિંઘમ સિટી સેન્ટરમાં મોટી સંખ્યામાં લોકો પર ચાકુથી હુમલો કરવામાં આવ્યાના સમાચાર છે.
સ્થાનિક પોલીસે આને 'મેજર ઇન્સિડન્ટ' ઘોષિત કર્યો છે, એટલે કે ગંભીર ઘટના છે અથવા તો સામાન્ય લોકોની સુરક્ષાને જોખમ છે.
હજી સુધી સ્પષ્ટ નથી થયું કે આ હુમલો કોણે કર્યો અને આ હુમલામાં કેટલા લોકો, કેટલી હદ સુધી ઈજાગ્રસ્ત થયા છે.
વેસ્ટ મિડલૅન્ડ્સ પોલીસે કહ્યું છે કે રવિવારે મધરાત્રે ચાકુથી હુમલો કરવામાં આવ્યાની સૂચના મળી હતી.
પોલીસે કહ્યું, "અમને ઘણા લોકોના ઘાયલ થયાના સમાચાર મળ્યા છે, પરંતુ અમે અત્યારે એ જણાવવાની સ્થિતિમાં નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે અને તેઓ કઈ સ્થિતિમાં છે."
પોલીસે કહ્યું કે કટોકટી સમયની સેવાઓ ઘટનાસ્થળે કામ કરી રહી છે અને ઘાયલોની સારવાર શરૂ કરી દેવાઈ છે.
બીબીસી સંવાદદાતા સાયમન જૉન્સે જણાવ્યું કે લોકોને 'શાંત પરંતુ સતર્ક' રહીને આ વિસ્તારથી દૂર રહેવા માટે જણાવાયું છે.
પોલીસે બર્મિંઘમના કેન્દ્રમાં આવેલી ગે વિલેજ નામની જગ્યાની ઘેરાબંધી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીને કહ્યું, 'જો યુદ્ધ થાય તો ભારતની જીતની કોઈ શક્યતા નથી'
ચીને શનિવારે દાવો કર્યો કે જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો ભારતની જીતની કોઈ શક્યતા નથી.
'ટાઇમ્સ નાવ ન્યૂઝ'ના અહેવાલ પ્રમાણે ચીને શનિવારે સરકારના મુખપત્ર 'ધ ગ્લોબલ ટાઇમ્સ'ના સંપાદકીયમાં દાવો કરતાં કહ્યું, "અમે ભારતને એ યાદ અપાવીએ છીએ કે ચીનની રાષ્ટ્ર તરીકેની શક્તિ, ચીનની સૈન્યશક્તિ ભારત કરતાં ઘણી મજબૂત છે."
"ચીન અને ભારત બંને મહાન શક્તિઓ છે, તેમ છતાં જ્યારે સામસામે લડાઈની વાત આવે, તો ભારતની હાર થશે. જો સરહદ પર યુદ્ધ છેડાશે તો ભારતની જીતની કોઈ શક્યતા નહીં રહે."
શુક્રવારે ભારતીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ રશિયાની રાજધાની મૉસ્કોમાં ચીનના સંરક્ષણમંત્રી વેઈ ફેંધને શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન મળ્યા હતા અને ભારતનો પક્ષ મૂક્યો હતો.
બંને દેશોના સંરક્ષણમંત્રીઓ વચ્ચે બે કલાક 20 મીનિટ સુધી આ બેઠક ચાલી હતી.
ગુજરાત 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'માં પાછળ ધકેલાયું, આ વર્ષે કયા ક્રમે?
ગુજરાત ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના જાહેર થયેલા રૅન્કિંગમા પાંચમા ક્રમેથી નીચે 10મા ક્રમે આવી ગયું છે.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રૅડ(DPIIT) દ્વારા શનિવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આંધ્ર પ્રદેશે સતત ત્રીજી વખત તેનો ટોચનો ક્રમ જાળવી રાખ્યો છે.
તો ઉત્તર પ્રદેશે રાજ્યોની આ યાદીમાં બીજા ક્રમે આવીને સૌને ચોંકાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબરે તેલંગણા છે.
ગુજરાત આ યાદીમાં પાછલા વર્ષે પાંચમા સ્થાને હતું તે આ વર્ષની યાદીમાં 10મા ક્રમે ધકેલાઈ ગયું છે.
તો ઉત્તર પ્રદેશ 10 ક્રમની છલાંગ સાથે સમગ્ર દેશમાં બીજા ક્રમે આવી ગયું છે. મધ્ય પ્રદેશ ચોથા અને ઝારખંડ પાંચમા સ્થાને છે.
2002નાં ગુજરાત રમખાણ : ત્રણ કેસમાંથી નરેન્દ્ર મોદીનું નામ દૂર કરવા કોર્ટેનો આદેશ
સાબરકાંઠા જિલ્લાની એક તાલુકા કોર્ટે શનિવારે 2002નાં રમખાણો સંબંધી ત્રણ સિવિલ કેસોમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જવાબદાર તરીકે દૂર કરવાના નિર્દેશ આપ્યા.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે 2002નાં રમખાણોના ત્રણ પીડિતો શીરીન દાઉદ, શમિમા દાઉદ (બંને બ્રિટિશ નાગરિકો) અને ઇમરાન સલીમ દાઉદના સંબંધીઓ તરફથી વળતરની માગ સાથેની અરજી દાખલ થયેલી હતી.
જેની સામે નરેન્દ્ર મોદી તરફથી તેમના વકીલે અરજી આપી હતી, જે મામલે પ્રાંતીજ કોર્ટે નરેન્દ્ર મોદીનું નામ ત્રણ સિવિલ કેસોમાંથી દૂર કરવાનો નિર્ણય પર આપ્યો છે.
કોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી સામે આ કેસમાં નક્કર તથ્યો વિનાના અને અસ્પષ્ટ આરોપો હતા.
કોર્ટે તેના અવલોકનમાં કહ્યું કે ઘટનાસ્થળે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ સાબિત કરે તેવા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
અરજીકર્તાઓ તરફથી નરેન્દ્ર મોદી સહિતના પ્રતિવાદીઓ સામે 22 કરોડના વળતરની માગ કરવામાં આવી હતી.
ગુજરાત નવી શિક્ષણ નીતિના અમલમાં પ્રથમ હશે - વિજય રૂપાણી
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શનિવારે કહ્યું કે તેમની સરકાર નેશનલ ઍજ્યુકેશન પૉલિસી NEP-2020ના અમલમાં પ્રથમ રાજ્ય બનવાનું લક્ષ્ય રાખે છે.
'ધ હિન્દુ'ના અહેવાલ પ્રમાણે મુખ્ય મંત્રીએ ગાંધીનગરમાં શિક્ષકદિને આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપતાં આ દાવો કર્યો હતો.
તેમણે કહ્યું કે આ માટે જલદી જ એક ટાસ્ક ફૉર્સ બનાવવામાં આવશે, જે આ માટેનો રોડમૅપ તૈયાર કરશે.
તેમણે કહ્યું કે આ રોડમૅપને આધારે રાજ્ય શિક્ષણના ક્ષેત્રમાં પ્રાથમિકથી લઈ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં, કેજીથી પીજી સુધી મોટાપાયે ફેરફારો કરશે.
તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધતાં કહ્યું કે આપણે ભવિષ્યના ભારતના સર્જન માટે 'રોલ મૉડલ' બનવાની દિશામાં ઝડપથી આગળ વધવું જોઈએ.
કાર્યક્રમમાં બોલતાં મુખ્ય મંત્રી રૂપાણીએ દાવા સાથે કહ્યું કે રાજ્યનાં શિક્ષકો અને સ્કૂલોની મજબૂતીને કારણે જ તેમની સરકારે 'પ્રવાહને બદલ્યો છે' અને વાલીઓ તેમનાં બાળકોને ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં દાખલ કરતા થયા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો