સુરેશ રૈના યુએઈથી પરત, CSKના 13 સભ્યો કોરોના પૉઝિટિવ - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

યુએઈમાં યોજાઈ રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટ પહેલાં બીસીસીઆઈએ જાણકારી આપી છે કે ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચેલા 13 લોકો કોરોના પૉઝિટિવ મળ્યા છે, જેમાંથી બે ખેલાડીઓ પણ છે.

બીસીસીઆઈના મતે તમામ પ્રભાવિત લોકો અને તેમના નજીકના સંપર્કો અસિમ્ટોમેટિક છે અને તેમને ટીમના બાકીના સભ્યોથી અલગ કરી દેવાયા છે.

આઈપીએલની મેડિકલ ટીમ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે.

આ દરમિયાન એક વેબસાઇટ પ્રમાણે, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સ્પૉર્ટ સ્ટાફ, નેટ બૉલર અને એક અધિકારીનાં પત્ની સહિત કુલ દસ લોકો કોરોના પૉઝિટિવ છે.

કોરોના મહામારીને કારણે IPLના આયોજનને મોકૂફ રાખવામાં આવ્યું હતું અને વૅન્યૂ પણ ભારતથી બદલીને યુએઈ કરવામાં આવ્યું હતું.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 21 ઑગસ્ટના દિવસે દુબઈ પહોંચી હતી અને શુક્રવારથી ટ્રેનિંગ શરૂ કરવાની હતી.

ટીમના દસ સભ્યો કોવિડ-19 પૉઝિટિવ થયા પછી હવે ટ્રેનિંગસેશન એક સપ્ટેમ્બરથી શરૂ થશે. IPLની મૅચો 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.

પૉઝિટિવ મળેલા ખેલાડીઓને એક અલગ હોટલમાં રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓને બે અઠવાડિયા માટે ક્વોરૅન્ટીન રહેવું પડશે.

આ દરમિયાન ટીમના ખેલાડી સુરેશ રૈના અંગત કારણોસર ભારત આવી ગયા છે અને તેઓ IPLની આ સીઝનમાં નહીં રમે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ બાબતે માહિતી આપી છે.

ટ્વિટર પર ટીમના સીઈઓ કે.સી. વિશ્વનાથને ટાંકતા લખવામાં આવ્યું છે, ચેન્નાઈ સુપર કિંગ્સ આવી પરિસ્થિતિમાં રૈનાના પરિવારને પૂર્ણ સહયોગ આપશે.

જોકે, રૈના કયા કારણોસર ભારત પરત આવ્યા એ સ્પષ્ટ નથી કરાયું.

NEET JEE પરીક્ષા અંગે સુપ્રીમમાં સમીક્ષાઅરજી, ગુજરાતમાં કૉંગ્રેસનું વિરોધપ્રદર્શન

જેઈઈટી અને જેઈઈ પરીક્ષા મામલે હજુ પણ વિવાદ યથાવત્ છે અને તારીખમાં કોઈ ફેરફાર થયો નથી.

કૉંગ્રેસ, ટીએમસી, જેએમએમ અને શિવસેનાએ શુક્રવારે કહ્યું હતું કે, એનડીએ સિવાયના નેતાઓએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને NEET અને JEEની પરીક્ષા મુલતવી રાખવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અહેવાલ અનુસાર, વિપક્ષશાસિત છ રાજ્યના મંત્રીઓએ આ વર્ષે NEET અને JEEની પરીક્ષાની મંજૂરી આપતા કોર્ટના હુકમની સમીક્ષાની માગ કરી હતી.

આ સમીક્ષાની અરજી પશ્ચિમ બંગાળ (મોલોય ઘટક), ઝારખંડ (રામેશ્વર ઓરાઓન), રાજસ્થાન (રઘુ શર્મા), છત્તીસગઢ ((અમરજિત ભગત), પંજાબ (બી.એસ. સિદ્ધુ) અને મહારાષ્ટ્ર (ઉદય રવીન્દ્ર સાવંત)ના મંત્રીઓ દ્વારા કરવામાં આવી છે.

તો આ પરીક્ષાને લઈને વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોરોનાની મહામારીમાં તેઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ગુજરાત કૉંગ્રેસ પણ આ પરીક્ષાઓના આયોજન માટે પોતાના વિરોધ નોંધાવ્યો હતો.

શુક્રવારે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે જેઈઈની પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરથી NEETની પરીક્ષા નક્કી કરાઈ છે.

ભારે વરસાદથી ગુજરાતમાં 10,000 કિલોમિટરના રસ્તાને નુકસાન

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે.

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વરસાદને કારણે અંદાજે 10,000 કિલોમિટર રસ્તાને નુકસાન થયું છે.

રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે વરસાદથી થયેલા રસ્તાઓને નુકસાન સંદર્ભે રોડ અને બિલ્ડિંગના અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી.

મળતી માહિતી પ્રમાણે રસ્તાની સ્થિતિ અને સમારકામ ઝડપથી થાય એ માટે એન્જિનિયરોને સૂચના આપી દેવાઈ છે.

ભારે વરસાદને કારણે અમદાવાદના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે અને ઠેરઠેર ખાડા પડી ગયા હોવાના મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા રહે છે.

તો સતત વરસાદને કારણે ગામડાંઓના રસ્તાને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા હતા.

ગુજરાતના મંત્રી, કૉંગ્રેસના ધારાસભ્યને કોરોના

ગુજરાતમાં સતત વધતાં કોરોના વાઇરસના કેસ વચ્ચે મંત્રીઓ અને ધારાસભ્યો પણ કોરોનાની ઝપેટમાં આવતા જાય છે.

રાજ્યના નાગરિક અને પુરવઠામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

તો જૂનાગઢના વીસાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાનો પણ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

રિબડિયાએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

તેમણે કહ્યું કે તેમને કોઈ લક્ષણો નથી અને સંપૂર્ણ સાજા છે.

રિપોર્ટ પૉઝિટિવ આવતાં હર્ષદ રિબડિયા હોમ આઇસોલેશનમાં રહ્યા હતા.

તો ધર્મેન્દ્રસિંહ જાડેજાને અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુરુવારે ભાજપના અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી અને ભાજપના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાના અહેવાલો મળ્યા હતા.

કૉંગ્રેસના સાંસદનું કોરોના વાઇરસને કારણે નિધન

તામિલનાડુની કન્યાકુમારી સીટના કૉંગ્રેસના સાંસદ એચ. વસંતકુમારનું શુક્રવારે નિધન થયું છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર, 70 વર્ષીય વસંતકુમારને કોરોના થયો હોવાથી ચેન્નાઈની અપોલો હૉસ્પિટલમાં 10 ઑગસ્ટે દાખલ કરવામાં આવ્યા હતા.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ન્યુમોનિયાને કારણે તેમની સ્થિતિ ગંભીર હતી.

પહેલી વાર સાંસદ બનેલા વસંતકુમાર અગાઉ બે વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા.

તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો