ભાજપના પ્રમુખ સી. આર. પાટીલની યાત્રામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કેમ પાલન નહીં?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ હાલ પક્ષના કાર્યકરોને મળી રહ્યા છે. પાટીલ જ્યાં પણ જાય છે ત્યાં કાર્યકર્તાઓ અને સ્થાનિક ભાજપ નેતાઓનો મોટો મેળાવડો જામી જાય છે.
રાજકોટની જેમ અગાઉ સુરતમાં પણ તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
જોકે, કોરોના વાઇરસના સમયમાં તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન જળવાતું હોવાની કૉંગ્રેસ ફરિયાદ કરી છે.

રાજકોટમાં કાર્યકરોની બાઇકરેલી અને ગરબા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
19થી 21 ઑગસ્ટ દરમિયાન સી. આર. પાટીલના સૌરાષ્ટ્રપ્રવાસનું આયોજન થયું હતું, જે રાજકીય વિશ્લેષકો અનુસાર પાટીલને પ્રદેશપ્રમુખ બનાવાયા બાદનાં સમીકરણોમાં સંતુલન મેળવવાનો એક પ્રયાસ હતો.
પાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત સોમનાથની મુલાકાતથી થઈ હતી. બાદમાં તેમણે ખોડલધામ અને રાજકોટની પણ મુલાકાત લીધી હતી.
રાજકોટના સ્થાનિક પત્રકાર બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર 20 ઑગસ્ટે રાજકોટમાં આત્મીય કૉલેજ ખાતે પાટીલનો કાર્યકરો સાથેનો કાર્યક્રમ હતો અને ત્યાં મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઈ હતી. કાર્યકરો અને નેતાઓ એકદમ બાજુબાજુમાં બેઠા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની અવગણના કરાઈ હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.
આ પહેલાં પાટીલના રાજકોટ શહેરમાં આગમન વખતે લગભગ 6 કિલોમીટર લાંબી એક બાઇકરેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
ટંકારિયા જણાવે છે કે ગોંડલ ચોકડીથી શરૂ થયેલી આ રેલી શહેરના અનેક વિસ્તારોમાં ફરીને આત્મીય કૉલેજ ખાતે પૂર્ણ થઈ અને ત્યાં મેળાવડો જામ્યો. ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો કાર્યક્રમની બહાર જ રહી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના નવા પ્રમુખને રાજકોટ આવવામાં મોડું થશે એવી જાણ થતાં ગોંડલ ચોકડી પર કાર્યરો અને સ્થાનિક નેતા કે પદાધિકારીઓ જમા થયા હતા, તેમણે ત્યાં જ ગરબા રમવાનું નક્કી કર્યું અને ગરબે ઝૂમ્યા. એમાં રાજકોટનાં મહિલા કૉર્પોરેટરો પણ જોડાયાં.

કૉંગ્રેસે નિયમભંગની ફરિયાદ કરી

ઇમેજ સ્રોત, Vashram Sagathiya
બીજા દિવસે એટલે કે 21 ઑગસ્ટે સવારે રાજકોટમાં પત્રકારપરિષદમાં તેમને નિયમભંગ અંગે સવાલ પૂછાતા સી. આર. પાટીલે એવો જવાબ આપ્યો, "આ તો રેલીઓ હતી જ નહીં, માત્ર સ્વાગત હતું અને અમે નિયમોનું પાલન કર્યું છે."
ટંકારિયા આ પત્રકારપરિષદમાં હાજર હતા.
તેઓ કહે છે, "સી. આર. પાટીલે એમ કહ્યું કે અમે તો બધા નિયમોનું પાલન કર્યું. બધાએ માસ્ક પહેરેલા હતા, કારમાં ત્રણ જણા જ બેસીએ છીએ અને બાઇક પર બે જણા જ સવાર હતા."
રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધપક્ષ કૉંગ્રેસે ભાજપના આ કાર્યક્રમમાં નિયમભંગ થયો હોવાની ફરિયાદ કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધપક્ષના નેતા અને કૉંગ્રેસના સ્થાનિક અગ્રણી વશરામભાઈ સાગઠિયાએ રાજકોટ, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લા કલેક્ટર તેમજ શહેર-જિલ્લા પોલીસતંત્રને આની ફરિયાદ કરતો પત્ર લખ્યો છે.
પત્રની નકલ મુખ્ય મંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને પણ રવાના કરાઈ છે.
સાગઠિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે 'જો સરકારના અધિકારીઓ સમાન્ય જનતા પાસેથી માસ્ક ન પહેર્યો હોય તો એક હજાર રૂપિયાનો દંડ અને કાર્યક્રમની મંજૂરી લીધી હોય તેમ છતાં કાર્યક્રમમાં જો પાંચ કરતાં વધુ વ્યક્તિ ભેગી થઈ જાય તો એ લોકો પાસેથી 2000 રૂપિયાથી 2,50,000 રૂપિયા સુધીનો દંડ પણ વસૂલે છે, તો ભાજપના આ કાર્યક્રમમાં પણ નિયમોનો ભંગ થયો હોઈ, ભંગ કરનારાઓ સામે ગુનો દાખલ કરવો જોઈએ.'
વશરામભાઈ સાગઠિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "રાજકોટ કલેક્ટરનું કહેવું છે કે આ મામલે તપાસ કરાવીશું અને શહેર પોલીસ કમિશનર અને જિલ્લા એસપી સાથે ચર્ચા કરી નિયમભંગ જણાશે તો આગળનાં પગલાં લઈશું. પણ મેં એમને આવેદનપત્ર આપતી વખતે રેલીના ફોટોગ્રાફ સહિતના પુરાવાઓ પણ બતાવ્યા છે."
"જો આવનારા બે ત્રણ દિવસમાં વહીવટીતંત્ર દ્વારા આ મામલામાં કોઈ પગલાં નહીં લેવાય તો પ્રદેશ અગ્રણીઓ સાથે ચર્ચા કરી એમની સલાહ પ્રમાણે આગળ આ મામલે માગણી અને વિરોધકાર્યક્રમ પણ રાજકોટમાં કરીશું."
અમે આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહીં.
રાજકોટ શહેરમાં થયેલા કાર્યક્રમની મંજૂરી બાબતે રાજકોટ શહેરના ઝોન-2ના નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, "અગાઉ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાર્યક્રમની મંજૂરી લીધી હતી. આગળ સીપી સાહેબના આદેશ પ્રમાણે કાર્યવાહી કરીશું."

ખોડલધામ અને સોમનાથમાં કાર્યકર્તાઓનો જમાવડો

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
20 ઑગસ્ટે જૂનાગઢમાં કાર્યકરોને મળ્યા બાદ સી. આર. પાટીલ બપોરે કાગવડ ખાતે ખોડલધામમાં પહોંચ્યા હતા.
ખોડલધામની તેમની મુલાકાત દરમિયાન પણ કાર્યકરોઓ અને નેતાઓની ભારે ભીડ જોવા મળી હતી.
બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર ત્યાં પણ સ્થાનિક નેતાઓ માસ્ક પહેરેલી સ્થિતિમાં નહીં, પણ ગળા પર લટકાવેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા.
ખોડલધામમાં કાર્યકર્તાઓ તરફથી નવા પ્રમુખની રજતતુલાનો કાર્યક્રમ કરાયો હતો.
પાટીલની સોમનાથમાં મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓએ નવા પ્રમુખને આવકારતાં ફટાકડા ફોડ્યા. આ દરમિયાન પાટીલની આંખમાં ફટાકડાનો તણખો પડતાં કાર્યક્રમ થોડો સમય અટકાવીને તાત્કાલિક ડૉકટરી તપાસની ફરજ પડી હતી.
સોમનાથમાં પણ નવા પ્રમુખને આવકારવા ભેગા થયેલા કાર્યકર્તાઓ અને સ્થાનિક ભાજપ નેતાઓ ટોળાંમાં જોવા મળ્યા હતા.
સોમનાથમાં યોજાયેલા આ કાર્યક્રમ સંદર્ભે ગીરસોમનાથ જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો પણ તેમની સાથે વાતચીત થઈ શકી નહોતી.
આ વિશે પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે વાત કરવામાં આવી તો તેઓ એક જ જવાબ આપતાં રહ્યા : "અમે કાર્યકર્તાઓને નિયમો સંદર્ભે તમામ સૂચનાઓ આપી જ હતી, પછી એ માસ્ક પહેરવા વિશે હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે."
રાજકોટ કૉંગ્રેસે કરેલી ફરિયાદ બાબતે તેમણે કહ્યું,"કૉંગ્રેસના નેતાઓએ પણ કાર્યક્રમો કર્યા જ છે. આથી તેઓ ફરિયાદ કરે એ ખોટું છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























