15 ઑગસ્ટ LIVE : 'ત્રણ વૅક્સિન ભારત બનાવી રહ્યું છે', લાલ કિલ્લાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 74મા સ્વતંત્રતાદિવસ નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લાએથી સાતમી વખત ધ્વજારોહણ કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં કહ્યું, "આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે એની પાછળ મા ભારતીનાં લાખો સંતાનોના બલિદાન છે અને આજે એ શહીદોને નમન કરવાનો દિવસ છે."

તેમણે સંબોધનની શરૂઆતમાં શ્રી અરવિંદ ઘોષને યાદ કરીને અંજલિ આપી હતી.

તેમણે કહ્યું, "શ્રી અરવિંદ ઘોષ, ક્રાંતિદૂતથી લઈને આધ્યાત્મની યાત્રા કરનાર માણસ. આજે એમની જયંતી છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ લાઇવ જુઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા

  • ભારત માટે વિશ્વ એક પરિવાર છે. આર્થિક વિકાસની સાથેસાથે માનવનો વિકાસ થવો જોઈએ.
  • 'મૅક ઇન ઇન્ડિયા'ની સાથે-સાથે 'મૅક ફોર વર્લ્ડ'નું સૂત્ર પણ બાંધી લેવાનું છે.
  • ભારત કોરોના વાઇરસની ત્રણ-ત્રણ વૅક્સિન બનાવી રહ્યું છે.
  • GST અને ઇન્કમટૅક્સના દરોમાં ઘટાડો કરવામાં સરકાર સફળ થઈ છે અને એનો લાભ મધ્યમ વર્ગને મળી રહ્યો છે.
  • છ હજાર ગામોમાં ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક પહોંચાડવામાં આવશે.
  • ભારતે આત્મનિર્ભર બનવાનું પ્રણ લીધું છે. ભારત જેવા દેશ માટે આત્મનિર્ભર થવું અનિવાર્ય છે.
  • આત્મનિર્ભર ભારત માટે 'આત્મનિર્ભર કૃષિ' અને 'આત્મનિર્ભર ખેડૂત' સૌથી મહત્ત્વનાં છે.
  • આત્મનિર્ભર ભારતનો અર્થ માત્ર આયાતને ઘટાડવાનો નથી, આપણી ક્ષમતા, આપણી રચનાત્મકતાને વધારવાનો પણ છે.
  • આઝાદીનાં 75 વર્ષ તરફ પગલું માંડી રહ્યા છીએ ત્યારે 'વૉકલ ફોર લોકલ'ને જીવનમંત્ર બનાવીએ.
  • ભારતે જગકલ્યાણ માટે આત્મનિર્ભર થવું પડશે, જ્યારે મૂળ મજબૂત હશે તો દુનિયાનું કલ્યાણ કરવાની દિશામાં આગળ વધી શકીશું.
  • ભારત કૃષિના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની ગયું છે, વૈશ્વિક અપેક્ષાઓ પ્રમાણે આપણે તૈયાર થવાની જરૂર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સને અને ભારતીય સેના તથા પોલીસના જવાનોનો આભાર માન્યો હતો.

તેઓ લાલ કિલ્લા ખાતે પહોંચ્યા ત્યારે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું, આ પછ તેમણે ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણમંત્રાલયના નિવેદન પ્રમાણે સલામી આપનાર ગાર્ડ ઑફ ઑનર માટે પાયદળ, વાયુસેના અને નૌસેનાની સાથે દિલ્હી પોલીસના અધિકારી અને 24 જવાન સામેલ છે.

આ પહેલાં તેમણે રાજઘાટની મુલાકાત લીધી હતી અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ વચ્ચે આ સમારોહ યોજાઈ રહ્યો છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને રાખીને કાર્યક્રમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

મેજર શ્વેતા પાંડે ધ્વજારોહણ વખતે વડા પ્રધાનને મદદ કરશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો