પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટનો અનાદર કરવાના મામલે દોષી જાહેર, 20 ઑગસ્ટે સજા

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે કોર્ટનો અનાદર કરવાના મામલે દોષી જાહેર કર્યા છે. પ્રશાંત ભૂષણે મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ચાર મુખ્ય ન્યાયાધીશોને લઈને ટ્વીટ કર્યાં હતાં.

આ જ મામલે આ નિર્ણય આવ્યો છે. કોર્ટ 20 ઑગસ્ટે આ મામલે સજા સંભળાવશે.

જસ્ટિસ અરુણ મિશ્રના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની આ બેન્ચે આને અનાદરનો ગંભીર મામલો ગણાવ્યો.

આ બેન્ચમાં જસ્ટિસ અરુણ મિશ્ર ઉપરાંત જસ્ટિસ બી.આર. ગવલી અને જસ્ટિસ કૃષ્ણા મૂરારિ પણ હતા. જોકે, આ આદેશ વીડિયો કૉન્ફરન્સ થકી સંભળાવાયો હતો.

કન્ટેમ્પ ઑફ કોર્ટ્સ ઍક્ટ, 1971 અંતર્ગત પ્રશાંત ભૂષણને છ મહિના સુધીની જેલની સજા દંડ સાથે કે એના વિના પણ થઈ શકે છે.

આ કાયદામાં એ પણ જોગવાઈ છે કે આરોપીઓ દ્વારા માફી મગાતા કોર્ટ ઇચ્છે તો તેને માફ પણ કરી શકે છે.

મામલો શો છે?

આ વર્ષે 22 જુલાઈએ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણનાં બે વિવાદિત ટ્વીટ ધ્યાને લઈને તેમને નોટિસ મોકલી હતી.

કોર્ટે કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ પ્રશાંત ભૂષણનાં આ ટ્વીટથી ન્યાયવ્યવસ્થાનું અપમાન થાય છે.

તેના જવાબમાં પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે વિચારોની સ્વતંત્રતા અદાલતનો અનાદર ન હોઈ શકે. પણ અદાલતે તેને અનાદર માનીને તેમને તેમને દોષી ઠેરવ્યા છે.

કોર્ટે કહ્યું, "પહેલી નજરમાં અમારું માનવું છે કે ટ્વિટર પર આ નિવેદનોથી ન્યાયપાલિકાની બદનામી થઈ છે અને સુપ્રીમ કોર્ટ અને ખાસ કરીને ભારતના ચીફ જસ્ટિસની ઑફિસ માટે લોકોના મનમાં જે માન-સન્માન છે, આ નિવેદન તેને નુકસાન પહોંચાડી શકે છે."

ચીફ જસ્ટિસ બોબડેના મોટરસાઇકલ પર બેસવાને લઈને કરેલી ટિપ્પણી પર પ્રશાંત ભૂષણે પોતાના સોગંદનામામાં કહ્યું કે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી સુપ્રીમ કોર્ટનું કામકાજ ન થવાને કારણે તેઓ વ્યથિત હતા અને તેમની આ ટિપ્પણી એ વાતને વ્યક્ત કરતી હતી.

તેમનું કહેવું હતું કે તેના કારણે અટકાયતમાં બંધ, ગરીબ અને લાચાર લોકોના મૌલિક અધિકારોનું ધ્યાન રખાતું નથી અને તેમની ફરિયાદ પર સુનાવણી નહોતી થઈ રહી.

લોકતંત્રની બરબાદીવાળા નિવેદન પર પ્રશાંત ભૂષણ તરફથી એ દલીલ અપાઈ કે "વિચારોની આવી અભિવ્યક્તિ સ્પષ્ટવાદી, અપ્રિય અને કડવી હોઈ શકે છે, પરંતુ તેને અદાલતની અવમાનના ન કહી શકાય."

વધુ એક કેસ

સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણના વિરુદ્ધમાં કોર્ટના અપમાનનો વધુ એક કેસ છે, જે કેસમાં 17મી ઑગસ્ટે અદાલતમાં સુનાવણી થશે.

અદાલતે વર્ષ 2009માં એક કેસમાં પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અદાલતના અપમાનની કાર્યવાહી માન્ય રાખવાનો નિર્ણય લીધો હતો.

પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને એક લેખિત નિવેદનમાં ખેદ વ્યક્ત કરવાની વાત કહી હતી. જોકે અદાલતે આ વાત ઠુકરાવી દીધી હતી.

પ્રશાંત ભૂષણે વર્ષ 2009માં તહેલકાને આપેલા ઇન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે ભારતના છેલ્લા 16 મુખ્ય ન્યાયાધીશોમાંથી અડધા ભ્રષ્ટ હતા.

સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની ખંડપીઠે કહ્યું, "જજના ભ્રષ્ટાચારનો મામલો અપમાનમાં આવે કે નહીં, એ અંગે સુનાવણીની જરૂર છે."

કન્ટૅમ્પ ઑફ કોર્ટનો અર્થ શો થાય છે?

હિમાચલ પ્રદેશ નેશનલ લૉ યુનિવર્સિટીના પ્રોફેસર ચંચલકુમાર સિંહ કહે છે, "ભારતના બંધારણના અનુચ્છેદ 129 અને 215માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને 'કોર્ટ ઑફ રૅકૉર્ડ'નો દરજ્જો અપાયો છે અને તેને પોતાના અનાદર માટે કોઈને પણ દંડિત કરવાનો હક પણ મળેલો છે."

"કોર્ટ ઑફ રૅકૉર્ડનો અર્થ થાય છે કે સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટના આદેશ ત્યાં સુધી પ્રભાવી રહેશે જ્યાં સુધી એને કોઈ કાયદા કે બીજા નિર્ણયથી રદ ન કરી દેવાય."

વર્ષ 1971ના કન્ટૅમ્પ ઑફ કૉર્ટ ઍક્ટમાં પ્રથમ વખત વર્ષ 2006માં સંશોધન કરાયું હતું.

આ સંશોધનમાં બે બિંદુઓ જોડાયાં હતાં. કે જેમના વિરુદ્ધ અનાદરનો મામલો ચાલી રહ્યો હોય ત્યારે 'હકીકત' અને 'દાનત' પણ ધ્યાનમાં રાખવામાં આવે.

કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો અનાદરનો કાયદો?

વર્ષ 1949માં 27 મેએ આને અનુચ્છેદ 108ના રૂપે બંધારણ સભામાં રજૂ કરાયો. સહમતી સધાયા બાદ આ અનુચ્છેદ 129ના રૂપે સ્વીકારી લેવાયો.

અનુચ્છેદના બે બિંદુ હતાં. પ્રથમ- સુપ્રીમ કોર્ટ ક્યાં સ્થિત હશે અને બીજું- અનાદર. ડૉ. ભીમરાવ આંબેડકર નવા બંધારણ માટે બનાવાયેલી સમિતિના અધ્યક્ષ હતા.

ચર્ચા દરમિયાન કેટલાક સભ્યોએ અનાદરના મુદ્દે સવાલ કર્યા હતા. તેમનો તર્ક હતો કે અનાદરનો મામલો વાણીસ્વાતંત્ર્ય માટે અડચણનું કામ કરશે.

આંબેડકરે વિસ્તારથી સુપ્રીમ કોર્ટને આ અનુચ્છેદ થકી અનાદરનું સ્વતઃ સંજ્ઞાન લેવાના અધિકારની ચર્ચા કરતાં આને જરૂરી ગણાવ્યો હતો.

જોકે, બંધારણ સભાના સભ્ય આર. કે. સિધવાનું કહેવું હતું કે આ કાયદાનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે થશે એવું માની લેવું યોગ્ય નહીં હોય.

તેમનું કહેવું હતું કે બંધારણ સભામાં જે સભ્યો વ્યવસાયે વકીલ છે, તેઓ આ કાયદાનું સમર્થન કરી રહ્યા છે પણ તેઓ એ ભૂલી ગયા છે કે જજ પણ માણસ છે અને ભૂલ કરી શકે છે.

જોકે, સામાન્ય સહમતી સર્જાતાં અનુચ્છેત 129 અસ્તિત્વમાં આવી ગયો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો