કોરોના વાઇરસ અમદાવાદ સિવાય હવે બીજા જિલ્લાઓને પરેશાન કરી રહ્યો છે?

દર્દી

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યાના વધારામાં વિરામ આવવાના કોઈ સંકેત નથી, ત્યારે અમદાવાદ સહિત રાજ્યના બીજા વિસ્તારોમાં પણ કોરોનાએ ધીરેધીરે પગપસારો કર્યો છે.

સુરત, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર કે પછી ભરૂચ જેવાં શહેરો ઉપરાંત પંચમહાલ, પાટણ, જામનગર જેવા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ધીરેધીરે વધી રહ્યું છે.

પહેલી જૂનથી આ વિસ્તારોમાં કેસની સંખ્યા વધી રહી છે અને અહીંનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

ગુજરાત સરકારના આંકડા પ્રમાણે, એક તરફ જ્યારે એકલા જૂન મહિનામાં જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા 6600થી વધી ચૂકી છે, ત્યાં બીજી બાજુ સુરતમાં પૉઝિટિવ કેસની સંખ્યા 1600થી વધુ છે. વડોદરામાં 800થી વધુ અને ગાંધીનગરમાં 250થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

આ ઉપરાંત પહેલી જૂનથી, એટલે કે અનલૉક શરૂ થયું તે દિવસથી માંડી જૂન 21મી સુધીમાં મહેસાણામાં 95થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે જામનગર જેવા જિલ્લામાં જ્યાં પહેલાં કોરોનાના ખૂબ જ ઓછા કેસ જોવા મળતા હતા, ત્યાં 70થી વધુ કેસ નોંધાયા છે.

ભરૂચમાં કોરોનાના પૉઝિટિવ કેસનો આંકડો 100ને પાર થઈ ચૂક્યો છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં, જ્યાં મે મહિનામાં નહિવત્ કેસ હતા, ત્યાં માત્ર જૂન મહિનાના પ્રથમ 21 દિવસમાં 50થી વધુ કેસ નોંધાયા છે.

આવી જ રીતે પાટણ (65થી વધુ), પંચમહાલ (50થી વધુ), બનાસકાંઠા (50થી વધુ) વગેરે જિલ્લાઓમાં પણ જૂન મહિનામાં કેસની સંખ્યા વધી છે.

line

જૂન મહિનામાં જિલ્લામાં કેસ વધ્યા

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જાહેર સ્વાસ્થ્યના જાણકાર અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ (IIPH)ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે કે "હવે અમદાવાદ બહારના વિસ્તારોમાં ચેપ ફેલાવવાની શક્યતા વધી ચૂકી છે. આસપાસના વિસ્તારોમાં ચેપ ફેલાશે, ત્યાં પણ એક પીક આવશે અને પછી ધીરેધીરે કેસની સંખ્યા ઘટતી જશે."

જોકે હાલમાં તો ગુજરાતના અનેક વિસ્તારોમાં કેસ વધવાની શરૂઆત થઈ છે.

આ વિશે વધુ સમજવા માટે જો સુરેન્દ્રનગર જિલ્લાનું ઉદાહરણ લઈએ તો આ જિલ્લામાં હજી સુધી 88 જેટલા પૉઝિટિવ કેસ નોંધાયા છે, આમાંથી 50થી વધુ જેટલા કેસ માત્ર જૂન મહિનામાં નોંધાયા છે.

એટલે કે માર્ચથી મે સુધીના 3 મહિનામાં સુરેન્દ્રનગરમાં 30 જેટલા કેસ નોંધાયા હતા અને જૂન મહિનાના પ્રથમ 21 દિવસમાં 50થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સુરેન્દ્રનગરની જેમ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હવે કેસની સંખ્યા થોડા-વધુ પ્રમાણમાં નોંધાઈ રહી છે. એકમાત્ર તાપી જિલ્લા સિવાય.

જેમ કે ભરૂચ જિલ્લામાં જૂન 20 અને 21 આ બે દિવસમાં 22 પૉઝિટિવ કેસ નોંધાયા હતા અને અહીં પૉઝિટિવ કેસની સંખ્યા 140 જેટલી છે, જેમાંથી 100 જેટલા કેસ એક જૂનથી 21 જૂન સુધી નોંધાયા છે.

આ તમામ આંકડાઓ સૂચવે છે કે હવે રાજ્યમાં અમદાવાદની સાથેસાથે બીજા જિલ્લાએ પણ કોરોના સામેની જંગમાં મજબૂતીથી લડવું પડશે.

ડૉ. તેજસ પટેલ સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું કે, "લૉકડાઉન હોય કે ન હોય, કોઈ પણ મહામારીમાં આ પ્રકારનો ટ્રૅન્ડ તો જોવા મળે જ કે કોઈ એક વિસ્તારથી બીજા વિસ્તારમાં ચેપ લાગે."

તેમણે કહ્યું કે આવા કેસની સંખ્યા બીજા જિલ્લામાં જોવા મળે તે સ્વાભાવિક છે.

line

કેવી રીતે બીજા જિલ્લાઓમાં ચેપ લાગી રહ્યો છે?

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, EPA

સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે હજી સુધી સુરેન્દ્રનગરમાં 80થી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 30 લોકો મુંબઈથી અહીં આવ્યા છે અને કોરોના પૉઝિટિવ છે.

તેઓ વધુમાં કહે છે, "આ ઉપરાંત સુરેન્દ્રનગર એ અમદાવાદ શહેરની બાજુમાં આવેલો જિલ્લો છે. ઘણા લોકો દરરોજ કામકાજ માટે અમદાવાદ અવરજવર કરે છે. એટલું જ નહીં ઘણા લોકો દરરોજ અમદાવાદ, મોરબી અને રાજકોટ અપ-ડાઉન પણ કરે છે, માટે અહીં સંક્રમણ થવાની શક્યતા હવે વધી ચૂકી છે."

જોકે તેમણે કહ્યું કે તેમનું તંત્ર કોઈ પણ સમસ્યાને નિવારવા માટે સક્ષમ છે અને સરકારી હૉસ્પિટલો, સ્ટાફ ઉપરાંત જરૂર પડે પ્રાઇવેટ હૉસ્પિટલમાં 500 જેટલા વધારાના ખાટલાનો બંદોબસ્ત કરીને રાખ્યો છે.

સુરેન્દ્રનગરના જેમ જ અમદાવાદની આસપાસના જિલ્લાઓ, જેમ કે ગાંધીનગરમાં 280થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

આવી જ રીતે અમદાવાદની બાજુના મહેસાણા જિલ્લામાં 90થી (કુલ 204 જેટલા) વધુ અને ખેડા જિલ્લામાં 50 (કુલ 116 જેટલા) જેટલા કેસ માત્ર જૂન મહિનામાં જ નોંધાયા છે.

નિષ્ણાતો માને છે કે હવે અમદાવાદની આસપાસના જિલ્લાઓએ વધુ સારી રીતે તૈયાર રહેવું પડશે, કારણ કે હવે આ ચેપ ધીરેધીરે આ વિસ્તારોમાં વધવાની શક્યતા વધારે છે.

line

કેવી છે તૈયારીઓ સુરતની?

દર્દી

ઇમેજ સ્રોત, EPA

અમદાવાદ બાદ સુરતમાં હજી સુધી સૌથી વધુ કેસ નોંધાયા છે. આ જિલ્લામાં હજી સુધી 3200થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 1600થી વધુ કેસ માત્ર જૂન મહિનામાં નોંધાયા છે.

20 જૂનના રોજ અહીંયાં 103 અને જૂન 21ના રોજ 176 કેસ નોંધાયા હતા. એટલે કે સુરત જિલ્લો પણ ધીરેધીરે અમદાવાદની જેમ કોરોના માટે બીજો હૉટસ્પૉટ બનવા તરફ જઈ રહ્યો છે.

આ માટે જ સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ ખાતાનાં પ્રિન્સિપલ સેક્રેટરી જયંતી રવિએ આ જિલ્લાની મુલાકાત લઈને અહીંની તૈયારીઓ વિશે જાણ્યું હતું.

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ અહીંના ઇન્ચાર્જ કલેક્ટર હિતેશ કોયા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે કેસ વધી રહ્યા છે, માટે અનલૉકની અસર તો જોવા મળી જ રહી છે.

"લોકો બહાર આવશે, પોતાના કામકાજમાં લાગશે તો સ્વભાવિક છે કે કેસની સંખ્યામાં વધારો થશે, પરંતુ તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. જેમ કે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હીરા ઘસવાની ઘંટી પર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ તે રીતે કામ કરવાનું રહેશે. તે માટેનાં તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.

તેમણે કહ્યું કે આની સાથેસાથે તમામ PHC અને UHCને પણ સરકારી તંત્રે કોરોના સામેની જંગ માટે સજ્જ કરીને રાખ્યાં છે.

કોયાએ એમ પણ કહ્યું કે "અમે પ્રાઇવેટ હૉસ્પિટલના વધુ બેડ માટેની તૈયારી પણ રાખી છે."

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો