હરિયાણા ભાજપના મહિલા નેતાએ અધિકારીને ચંપલથી ફટકાર્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

હરિયાણા ભાજપનાં નેતા સોનાલી ફોગટનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે, જેમાં તેઓ એક શખ્સને ચંપલથી ફટકારતાં નજરે પડે છે.

ટિકટૉક સ્ટાર ફોગટે ગત વર્ષે રાજકારણમાં પદાર્પણ કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાં હતાં.

હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન આદમપુર બેઠક ઉપરથી કૉંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈ વિરુદ્ધ ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ પરાજિત થઈ ગયાં હતાં.

સોનાલી જેમને ફટાકરી રહ્યાં છે, તે શખ્સ ગ્રેઇન માર્કેટના અધિકારી હોવાનું કહેવાય છે. સોનાલી ખેડૂતોની સમસ્યાની રજૂઆત કરવા માટે એ અધિકારી પાસે પહોંચ્યાં હતાં.

વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં તો અધિકારી તથા સોનાલીની વચ્ચે બોલાચાલી થઈ, પછી તેમણે અધિકારી સાથે મારઝૂડ શરૂ કરી દીધી.

કર્મચારીને એમ બોલતા સાંભળી શકાય છે કે તમે જે રીતે કામ કરવાનું કહી રહ્યાં હતાં, તે રીતે જ કામ કરી રહ્યા હતા.

સોનાલીને એમ કહેતા સાંભળી શકાય છે કે 'મારી સાથે તોછડાઈથી વાત કરી રહ્યો હતો.'

વીડિયોમાં એક પોલીસકર્મીને જોઈ શકાય છે, પરંતુ તેઓ પણ સોનાલીને અટકાવવા માટે કોઈ પ્રયાસ કરતા નથી જણાતા.

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરેજવાલાએ આ વીડિયોને ટ્વીટ કર્યો હતો અને રાજ્યની મનોહરલાલ ખટ્ટર સરકારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે પૂછ્યું, "શું હરિયાના સરકારના કર્મચારી ભાજપના નેતાઓ દ્વારા અપમાનિત થવા તથા થપ્પડ-ચપ્પલ ખાવા માટે છે?"

સોનાલી ફોગટ ચૂંટણી દરમિયાન પણ ચર્ચામાં રહ્યાં હતાં, તે સમયે પણ તેમણે અનેક વિવાદાસ્પદ નિવેદન કર્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો