ગુજરાત રાજ્યસભા ચૂંટણી : કૉંગ્રેસમાંથી ત્રીજા ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું રાજીનામું, રાજ્યસભાનો મુકાબલો રોચક બન્યો

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસમાં ધારાસભ્યો તૂટવાનો દોર આગળ વધ્યો છે ત્રીજું રાજીનામું પડ્યું છે.

કૉંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું હોવાની વાતની બીસીસીના સહયોગી ભાર્ગવ પરીખને પૃષ્ટિ કરી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈએ પણ વધારે એક રાજીનામાની પૃષ્ટિ કરી છે. જોકે, પીટીઆઈએ હજી નામ નથી જાહેર કર્યું.

ગુરૂવારે બે ધારાસભ્યો અક્ષય પટેલ અને જિતુભાઈ ચૌધરીએ રાજીનામાં આપ્યા બાદ આજે શુક્રવારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ રાજીનામું આપી દીધું છે.

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યુ કે, મને બ્રિજેશ મેરજાનો ઈમેલ મળ્યો છે. ગઈ કાલે બેઠકમાં એમણે ભાજપ વિરુદ્ધ કેવી રીતે લડાઈ લડવી એના સૂચનો કર્યા હતાં. મને બે દિવસ પહેલા કેરી આપી ગયા છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે એમણે આવું કેમ કર્યું? લાલચમાં આવી ને આ કામ કર્યું છે એ દુઃખદ વાત છે.

અગાઉ ગઈ કાલે વડોદરા જિલ્લાની કરજણ (નંબર 147) બેઠક ઉપરથી ધારાસભ્ય અક્ષય પટેલ તથા વલસાડ જિલ્લાના કપરાડાની (નંબર 181) બેઠક ઉપરથી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તેમના પદ પરથી રાજીનામાં આપ્યાં હતાં.

નિષ્ણાતોના કહેવા વિધાનસભામાં કૉંગ્રેસની ઘટેલી સભ્યસંખ્યા રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપને લાભ કરાવશે.

ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુરૂવારે કહ્યું હતું કે ભાજપ દ્વારા ધારાસભ્યોનો ખરીદ-વેચાણ સંઘ ચલાવવામાં આવે છે અને ભાજપ દ્વારા ધારાસભ્યોની ખરીદી કરવામાં આવી છે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આ આરોપોને 'પાયાવિહોણાં' ગણાવી નકારી કાઢ્યા છે.

વાઘાણીનું કહેવું છે કે કૉંગ્રેસના ધારાસભ્યો આંતરિક જૂથબંધીને કારણે પાર્ટી છોડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે વધુ કેટલાક ધારાસભ્યો કૉંગ્રેસ પાર્ટી છોડી શકે છે.

વાઘાણીએ રાજ્યસભામાં ત્રણ બેઠક ઉપરાંત 2022માં વિધાનસભાની ચૂંટણી તથા 2024માં લોકસભાની ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભાજપે અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર નેતા નરહરિ અમીનનું નામ જાહેર કરતા જ 'નવાજૂની' થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી.

કૉંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને પક્ષના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થનાર છે.

ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર સભ્યો ચૂંટણી માટે તા. 19મી જૂને મતદાન યોજાશે અને એજ દિવસે સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે.

કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત મુજબ, ગુજરાત ઉપરાંત છ રાજ્યમાં ઉપલાગૃહની 18 બેઠક માટે જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં ચૂંટણી યોજાશે.

રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય છે?

રાજ્યસભા એટલે સંસદનું ઉપલું ગૃહ. રાજ્યસભાની સ્થાપનાનો પાયો આઝાદી પહેલાં અંગ્રેજ સરકાર સમયે જ નખાઈ ગયો હતો.

ભારત સરકાર અધિનિયમ, 1919માં પ્રથમ વાર ભારતીય સંસદને સંઘીય માળખું બક્ષવાની વાત કરવામાં આવી હતી. પરંતુ સ્વતંત્ર ભારતમાં રાજ્યસભાની રચના 3 એપ્રિલ, 1952ના રોજ કરવામાં આવી હતી.

ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે રાજ્યસભા એ સંસદનું કાયમી ગૃહ છે. દર બે વર્ષે રાજ્યસભાના એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.

તેથી ખાલી પડેલી જગ્યા ભરવા માટે દર બે વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે.

ભારતના બંધારણના અનુચ્છેદ 80 અનુસાર, રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 250 રાખવામાં આવી છે.

જોકે, હાલમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા 245 રાખવામાં આવી છે. જે પૈકી 233 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે જ્યારે 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

કોણ મતદાન કરી શકે?

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાર તરીકે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારમંડળના સભ્યો હોય છે.

નોંધનીય છે કે રાજ્યની વિધાનપરિષદના સભ્યો રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.

રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી દાખલ કરવા માટે ઓછામાં ઓછા 10 સભ્યોની સંમતિ જરૂરી હોય છે.

તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુતમ વયમર્યાદા 30 વર્ષની રાખવામાં આવી છે.

રાજ્યસભાના સભ્યોની ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ મારફતે કરવામાં આવે છે.

આ પ્રક્રિયા અનુસાર જે તે રાજ્યની વિધાનસભાની બેઠકોને રાજ્યસભાની સંખ્યામાં એક ઉમેરીને વિભાજિત કરવામાં આવે છે.

વિભાજિત કર્યા બાદ આવેલા પરિણામમાં પણ એક ઉમેરવામાં આવે છે.

દાખલા દ્વારા સમજો

ધારો કે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક ખાલી છે. તો રાજ્યની વિધાનસભાની કુલ સભ્યસંખ્યા એટલે કે 182ને એક બેઠકમાં વધુ એક ઉમેરી એટલે કે 2 વડે ભાગવાથી 91 પરિણામ આવશે.

હવે આ પરિણામમાં વધુ એક ઉમેરી દેવાથી પરિણામ 92 આવશે.

આનો અર્થ એ થયો કે ગુજરાતમાંથી કોઈ વ્યક્તિએ રાજ્યસભા સાંસદ બનવા માટે 92 પ્રાથમિક મત મેળવવાની જરૂર રહેશે.

ઉપરાંત આ ચૂંટણીમાં દરેક મતદારને એક જ મત આપવાનો અધિકાર હોવા છતાં જુદા-જુદા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની હોય છે, પરંતુ આ જોગવાઈ અનુસરવું ફરજિયાત નથી હોતું.

આ પ્રાથમિકતાના નિયમ અનુસાર જે તે મતદારે પોતાના મતદાનપત્રકમાં ત્રણ પ્રાથમિકતા દર્શાવવાની હોય છે.

કુલ મતો પૈકી પ્રથમ પ્રાથમિકતાના ન્યૂનતમ મત મેળવનાર ઉમેદવારને વિજયી માનવામાં આવે છે.

નોંધનીય છે કે રાજ્યસભાના સભ્યોની મુદ્દત 6 વર્ષની હોય છે.