ગુજરાતમાં તીડના હુમલામાં 9,000 ખેડૂતોને કુલ 19 કરોડનું વળતર - TOP NEWS

તીડ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં થયેલા તીડના હુમલાને પગલે હજારો હૅક્ટર જમીન પર પાકને નુકસાન પહોંચ્યું હતું.

બનાસકાંઠા અને પાટણમાં થયેલા તીડના હુમલાએ ખેડૂતોનું ભારે નુકસાન કર્યું હતું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ ખેડૂતોને આશરે 19 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.

તીડના હુમલામાં 14,846 હેક્ટર જમીન પર પાકને નુકસાન થયું હતું.

આ મુદ્દે વિધાનસભામાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે તીડના હુમલાથી ઘઉં, જીરું, વરિયાળી, રાઈ અને કપાસને પાકને નુકસાન થયું હતું.

આ હુમલાને રોકવા માટે સ્થાનિક સ્તરે તેમજ BSFની મદદ પણ લેવામાં આવી હતી.

સરકારે તીડ ભગાડવાની કામગીરી શિક્ષકોને પણ સોંપી હતી જેનો વિવાદ થયો હતો.

સરકારે કહ્યું છે કે બનાસકાંઠામાં 9,012 ખેડૂતોને 18.73 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.

ડિસેમ્બરમાં રાજ્ય સરકારે મહેસાણા, કચ્છ, પાટણ અને સાબરકાંઠાના ખેડૂતોને પણ વળતરનું આશ્વાસન આપ્યું હતું. જોકે આ જિલ્લાઓમાં તીડના હુમલાથી પાકને કોઈ નુકસાન ન થયું હોવાથી વળતર આપવામાં આવ્યું નથી.

line
કોરોના વાઇરસ
line

'માત્ર તાળી વગાડવાની નહીં, રાહત પૅકેજની જરૂર'

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં કોરોના વાઇરસનો કેર વધતો જઈ રહ્યો છે. આ વાઇરસનો માર વિશ્વના અર્થતંત્રને પણ લાગી રહ્યો છે તેવામાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પાસે એક મોટા આર્થિક પૅકેજની માગ કરી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કોરોના વાઇરસ આપણી અર્થવ્યવસ્થા પર એક મોટો પ્રહાર છે. નાના, મધ્યમ વેપારીઓ અને મજૂરી કરતા લોકો તેનાથી સૌથી વધારે પ્રભાવિત છે.

હાલ તાળીઓ વગાડવાથી કંઈ નહીં થાય. અત્યારે રોકડ મદદ, ટૅક્સ બ્રેક અને દેવામાફી જેવા મોટા આર્થિક પૅકેજની જરૂર છે.

મહત્ત્વનું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ એટલે કે આજે જનતા કરફ્યુની ઘોષણા કરી છે અને સાંજે પાંચ વાગ્યે પોત-પોતાના ઘરોમાં તાળી કે થાળી વગાડીને કોરોના સામે લડવામાં મદદ કરી રહેલા લોકોનું સન્માન કરવાની અપીલ કરી છે.

ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જ અપીલ વિશે જ ટિપ્પણી કરી છે.

line

પ્રાઇવેટ લૅબોરેટરીમાં રૂ. 4500માં કોરોના ટેસ્ટ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ધ ટેલિગ્રાફમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે કહ્યું છે કે પ્રાઇવેટ લૅબોરેટરીમાં કોરોના વાઇરસની તપાસ માટે વધુમાં વધુ 4500 રૂપિયા લેવામાં આવે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારની રાત્રે આ સૂચના આપી છે.

નિર્દેશ પ્રમાણે તપાસ માટે 4500 રૂપિયા સુધીની રકમ જ લઈ શકાશે છે. શંકાસ્પદ કેસમાં સ્ક્રિનિંગ ટેસ્ટ માટે 1500 રૂપિયા અને વધારે તપાસ માટે ત્રણ હજાર રૂપિયા લઈ શકાય છે.

કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિર્દેશમાં એમ પણ કહ્યું છે કે નિર્દેશનું ઉલ્લંઘન કરવા પર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો