કોરોના વાઇરસ : શું તમને ખબર છે કે જનતા કર્ફ્યુ દેશ માટે નવો છે, ગુજરાત માટે નવો નથી?

ઇમેજ સ્રોત, Kalpit Bhacech
- લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુરુવારની સાંજે આઠ વાગે વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી મામલે પહેલીવાર ટીવી પર રાષ્ટ્રને સંબોધ્યું. કોરોનાથી બચવા લૉકડાઉનની આશંકાઓ વચ્ચે મોદીએ એક સાવ નવતર પ્રયોગ લોકોને આપ્યો - રવિવારે સવારે સાતથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યું અને સાંજે પાંચનાં ટકોરે ધાબા, અગાશી કે બારીમાં તાળી કે થાળી-વેલણના ઘંટારાવથી જાહેર આભાર.
દેશભર માટે આ 'જનતા કર્ફ્યુ' નવો શબ્દ છે. જો કે ગુજરાતીઓ માટે આ નવી વાત નથી. પાછલાં વર્ષોમાં અનેક આંદોલનોમાં ગુજરાતીઓએ આ પ્રયોગો કર્યા છે અને હકીકતમાં મોદી પણ ત્યાંથી જ આ પ્રયોગો શીખ્યા છે.
દુનિયાભરમાં જનતા કર્ફ્યુનો સૌ પ્રથમ પ્રયોગ ગુજરાતમાં 1942નાં ગાંધીજીના 'ભારત છોડો આંદોલન' દરમ્યાન થયેલો. જોકે એની પહેલી વિગતવાર ઐતિહાસિક નોંધ 1956ના મહાગુજરાત આંદોલન દરમિયાન મળે છે.

મહાગુજરાત વિદ્યાર્થી લડત સમિતિ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
અમદાવાદમાં 19 ઑગસ્ટ 1956નાં રોજ સવારે સાતથી રાતના આઠ વચ્ચે મહાગુજરાત આંદોલન દરમિયાન જનતા કર્ફ્યુનું એલાન અપાયું હતું.
1950માં જન્મેલા મોદી એ વખતે માંડ છ વરસના હતા. જોકે ટીવીપ્રવચનમાં એમણે એમના બાળપણના અનુભવને યાદ કર્યો છે.
બાદમાં આરએસએસના પ્રચારક તરીકે એમણે ગુજરાતના જાહેરજીવનના આ પ્રવાહોનો અભ્યાસ કર્યો, જે એમને કોરોના સામેની લડાઈ વખતે બરાબર કામ લાગ્યો.
ગુજરાતના ઇતિહાસના અભ્યાસી અચ્યુત યાજ્ઞિક જણાવે છે કે મુંબઈ પ્રાંતમાંથી ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની માગણી 1956 દરમિયાન ઉગ્ર બનતી હતી.
તેને અવગણીને કેન્દ્રની નહેરુ સરકારે ગુજરાત અને મહારાષ્ટ્રના સંયુક્ત દ્વિભાષી રાજ્યનો ખરડો લોકસભામાં પસાર કર્યો. ગુજરાત કૉંગેસના મોરારજી દેસાઈનું પણ નહેરુના એ ખરડાને સમર્થન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના વિરોધમાં ગુજરાતમાં 'મહાગુજરાત વિદ્યાર્થી લડત સમિતિ' બની. તેના નેતા તરીકે યુવા ત્રિપુટી પ્રબોધ રાવલ, હરિપ્રસાદ વ્યાસ અને હરિહર ખંભોળજા હતા. બાદમાં ઇંદુલાલ યાજ્ઞિકે આ આંદોલનનું નેતૃત્વ લીધું.

જનતાનો ઉમળકો

ઇમેજ સ્રોત, Kalpit bhachech
હરિહર ખંભોળજા 'જનઆંદોલન મહાગુજરાત'માં લખે છે કે "19 ઑગસ્ટ 1956ના રોજ મોરારજી દેસાઈના સાનિધ્યમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની બેઠક લોકસભાના દ્વિભાષી રાજ્યની રચનાના ઠરાવને સ્વીકારી લઈ, તેને મંજુરીની મહોર મારવાની હતી.
લોકોને તેની જાણ કરવા અમદાવાદમાં લાલ દરવાજાના મેદાનમાં મોરારજી દેસાઈની જંગી જાહેર સભાનું આયોજન હતું. વિદ્યાર્થી લડત સમિતિએ એનો વિરોધ કરવાનું નક્કી કર્યું.
શરૂઆતમાં મોરારજીનો કાળા વાવટાથી વિરોધ કરવા, કૉંગ્રેસ હાઉસને ઘેરો ઘાલવા અને મોરારજીની લાલ દરવાજાની સભામાં જઈને એમના વિરોધમાં સૂત્રો પોકારવાનાં સૂચનો થયાં.
પણ એમાં રક્તપાત થાય, જે યુવા ત્રિપુટીને મંજુર નહોતું. આખરે, 'મહાગુજરાત વિદ્યાર્થી સમિતિ'એ અમદાવાદમાં 19 ઑગસ્ટ 1956ના રોજ સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી 'જનતા કર્ફ્યું'નું અનોખું એલાન કર્યું.
18મી એ સાંજે પત્રકારપરિષદમાં એની જાહેરાત કરાઈ. 3000 યુવા સ્વયંસેવકો જનતા કર્ફ્યુને સફળ બનાવવા શહેરભરમાં કામે લાગી ગયા.
ગુજરાતના અલગ રાજ્યની રચના માટે જડબેસલાક જનતા કર્ફ્યું પ્રજાએ કોઈ પણ હિંસક બનાવ કે જબરજસ્તી વગર ભારે ઉમળકાભેર પાળ્યો.

કર્ફ્યુ દરમિયાન શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
મોરારજી દેસાઈની લાલદરવાજાની સભા વિશે બીજા દિવસના છાપામાં નોધ આવી કે 'સભામાં લોકો કરતાં લાઉડસ્પીકરનાં ભૂંગળાંની સંખ્યા વધારે હતી!' 20મી ઑગસ્ટે વિદ્યાર્થી સમિતિએ જવાબી સભા લૉ-ગાર્ડન કૉલેજના મેદાનમાં કરી. જેમાં આખું અમદાવાદ ઊમટી પડેલું.
મહાગુજરાત આંદોલનના બીજા એક નેતા બ્રહ્મકુમાર ભટ્ટ 'લે કે રહેંગે મહાગુજરાત' માં લખે છે કે "19મી ઑગસ્ટે દેશ અને દુનિયાને ચમત્કારનાં દર્શન થયાં."
"કોઈ પણ બંદોબસ્ત વગર પ્રજાએ સ્વયંભૂ જનતા કર્ફ્યું પાળ્યો. પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં ડૂબી ગયેલા, કેમ કે જે શહેરમાં પોલીસ કર્ફ્યું દરમ્યાન હજારોની સંખ્યામાં લોકો બહાર નીકળીને કર્ફ્યુના હુકમનો ભંગ કરતા હતા, તે જ શહેરમાં આવા 'જનતા કર્ફ્યું' દરમ્યાન પોલીસ કશું કરે જ નહીં છતાં, રસ્તા સાવ સૂમસામ હોય એવાં દૃશ્યો સર્જાયાં."
"આ દિવસે દેશવિદેશના પત્રકારો અમદાવાદમાં હતા. એમને માટે પણ આ કુતૂહલ હતું કે આ 'જનતા કર્ફ્યું' આખરે છે શું? આ સમાચારથી હકીકતમાં દુનિયા આખી ચકિત થઈ ગયેલી."
સૌથી રસપ્રદ વાત એ છે કે ડૉકટરો અને આવશ્યક સેવાના કર્મીઓને જનતા કર્ફ્યુમાં ફરવાની છૂટ આપતી પરમીટ વિદ્યાર્થી સમિતિના નેતાઓની સહીથી ઇસ્યુ થતી.
તમને જાણીને આશ્ચર્ય થશે કે મલ્લિકા સારાભાઈના દાદા શેઠ અંબાલાલ સારાભાઈએ હરિહર ખંભોળજાને ફોન કરીને પોતાનાં પત્ની સરલાદેવીને દાંતના ડૉક્ટરને બતાવવા લઈ જવા માટે જનતા કર્ફ્યુમાં મુક્તિની ચાર પરમીટ માગેલી. જે અપાયેલી પણ ખરી.
જનતા કર્ફ્યુ અને વિદ્યાર્થી લડત સમિતિની પકડ અને પહોંચ ક્યાં, કેવી અને કેટલી હતી, એનો ખ્યાલ આ એક જ વાત ઉપરથી આવી જશે.
કર્મશીલ પત્રકાર પ્રકાશ શાહના જણાવ્યા મુજબ ગુજરાતના પ્રયોગને સફળતાથી પ્રેરાઈને હંગેરીએ સોવિયેત રશિયા સામેની એની લડતમાં પણ જનતા કર્ફ્યુનો પ્રયોગ કરેલો.
1974ના નવનિર્માણ આંદોલનના યુવા નેતા મનીષી જાની જણાવે છે કે નવનિર્માણ આંદોલનની શરૂઆતમાં જનતા કર્ફ્યુનાં સફળ એલાનો ગુજરાતભરમાં અપાયેલાં.
જેનાથી અકળાઈને સરકારે આંદોલનને કચડી નાખવા સતત 50 દિવસ સુધી અમદાવાદમાં પોલીસ કર્ફ્યુ લાદ્યો. આ આંદોલનમાં લોકો કર્ફ્યુ દરમિયાન સાંજે બારી, અગાશી અને ધાબા પર એકઠા થઈ થાળી-વેલણ વડે સરકારનો મૃત્યુઘંટ વગાડતા.
વિરોધની આ અનોખી ગુજરાતી રીત હતી. આખરે ચીમનભાઈ પટેલની સરકારે રાજીનામું આપવું પડ્યું. 24 વર્ષના યુવા નરેન્દ્ર મોદી આરએસએસના કાર્યકર તરીકે આ આંદોલનમાં સક્રિય હતા. એટલે એમને થાળી - વેલણના ઘંટનાદનું મહત્ત્વ ખબર હોય જ.
જો કે 22મી માર્ચ રવિવારના જનતા કર્ફ્યું અને ઘંટનાદમાં એક ફરક જરૂર હશે. અત્યાર સુધી જનતા કર્ફ્યુ સરકાર વિરુદ્ધ જનતાના વિરોધની અભિવ્યક્તિરૂપે હતો. મોદીએ એને સરકારની અપીલથી થતાં જનતાના રચનાત્મક આંદોલનમાં પરિવર્તિત કરી દીધો છે.
કોરોનાને કારણે વિશ્વે ભારત તરફ જોતું થયું છે. 'હસ્તધૂનન' છોડીને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે 'ભારતીય નમસ્તે' અપનાવ્યું છે. રવિવાર પછી દુનિયા 'લૉકડાઉન'ને બદલે 'જનતા કર્ફ્યુ' અપનાવતી થાય તો આપણને જરાય નવાઈ ના લાગવી જોઈએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















