કોરોનાની દહેશત : ગુજરાતમાં હવે જાહેરમાં થૂંકવા પર લાગી શકે છે પ્રતિબંધ - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કોરોના વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર જાહેરમાં થૂંકવા મામલે કડક પગલાં લેવાનો વિચાર કરી રહી છે.

અમદાવાદ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે હવે ગુજરાતમાં હવે જાહેરમાં થૂંકનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવા અંગે વિચાર થઈ રહ્યો છે.

જોકે, હજુ સુધી ગુજરાતમાં એક પણ કોરોના વાઇરસનો પૉઝિટીવ કેસ નોંધાયો નથી, પરંતુ સતર્કતાના ભાગરૂપે ગુજરાત સરકાર યોગ્ય પગલાં લઈ રહી છે.

ગુજરાતનાં આરોગ્ય અને કુટુંબકલ્યાણનાં અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે, "અમે જાહેર સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ લગાવવા મામલે વિચાર કરી રહ્યા છે અને તેના માટે વીડિયો કૉન્ફરન્સ કરીને તમામ નગરપાલિકાઓના ચીફ ઑફિસર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા ચાલી રહી છે. અમે થૂંકવા પર દંડ કેવી રીતે કરવો એ મામલે પણ વિચારી રહ્યા છીએ."

કમલનાથ સરકારની સોમવારે પરીક્ષા

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ લાલજી ટંડને શનિવારે મોડી રાત્રે કહ્યું છે કે સોમવારના રોજ વિધાનસભામાં ફ્લૉર ટેસ્ટ કરાવવામાં આવે.

રાજ્યપાલે વિધાનસભા અધ્યક્ષને કહ્યું છે કે વિશ્વાસમત પર વોટિંગ કરાવવામાં આવે અને સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકર્ડિંગ કરાવવામાં આવે.

આ પહેલાં શનિવારે ભાજપના એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને વિધાનસભામાં જલદી ફ્લૉર ટેસ્ટ કરાવવાની માગ કરી હતી.

ભાજપે મુખ્ય મંત્રી કમલનાથ પર કૉંગ્રેસના 22 ધારાસભ્યોને ધમકાવવાનો અને લાલચ આપવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપનો દાવો છે કે 22 ધારાસભ્યોનાં રાજીનામાં બાદ કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર પહેલાં જ બહુમતી ગુમાવી ચૂકી છે.

મહત્ત્વપૂર્ણ છે કે કૉંગ્રેસને ગુજરાતમાં પણ ખતરો દેખાતો હોવાના કારણે પોતાના ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે.

કૉંગ્રેસને ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં હૉર્સ ટ્રેડિંગ થવાનો ભય સતાવી રહ્યો છે.

દેશમાં હવે મોબાઇલ ફોન થશે મોંઘા

ભારતમાં આવતા મહિનેથી મોબાઇલ ફોન મોંઘા થઈ જશે.

મોબાઇલ ફોન પર સરકારે GST વધારી દીધું છે. બીજી તરફ વિમાનોની સારસંભાળ સંબંધિત સેવાઓ પર GST ઘટાડી દેવામાં આવ્યું છે.

NDTVમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે GST કાઉન્સિલે 2 કરોડ સુધીનો વેપાર કરતા યુનિટોને છેલ્લાં 2 વર્ષોનાં રિટર્ન ભરવામાં મોડું થયું હોય, તો તેમને રાહત આપી છે.

જીએસટી પરિષદે મોબાઇલ ફોન પર જીએસટીનો દર 12થી વધારીને 18% કરી નાખ્યો છે.

આ વૃદ્ધિ એક એપ્રિલથી લાગુ થશે.

તેનાથી મોબાઇલ હેન્ડસેટના ભાવ વધી જશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શનિવારે દિલ્હીમાં થયેલી GST પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોના વાઇરસ : કંપનીઓ વીમો ક્લેમ નથી કરી શકતી

સમાચાર એજન્સીઓ પ્રમાણે સ્વાસ્થ્ય વીમા પૉલિસીમાં કોરોનાના કવર સંબંધિત ભ્રમની સ્થિતિ છે, પરંતુ વીમા ક્ષેત્રના જાણકાર માને છે કે કેટલીક વીમા પૉલિસીને બાદ કરીએ તો મોટાભાગના પૉલિસીધારકોને વીમાનો લાભ મળશે.

વિશેષજ્ઞોની સલાહ છે કે વાઇરસ સાથે જોડાયેલી બીમારી અંતર્ગત મોટાભાગની પૉલિસીમાં કોરોના વાઇરસનું કવર સામેલ છે.

વીમા નિયામક એજન્સી ઇરડાએ સ્પષ્ટ કરી દીધું છે કે દરેક કંપનીઓએ કોરોના સાથે જોડાયેલા ક્લેઇમને ઝડપથી નિપટાવવાના રહેશે.

ટૉક્યો ઑલિમ્પિક જુલાઈમાં જ થશે : શિંઝો આબે

જાપાનના વડા પ્રધાન શિંઝો આબેએ કહ્યું છે કે કોરોના વાઇરસની વધતી ચિંતા છતાં ટૉક્યો ઑલિમ્પિક તેના નિર્ધારિત સમયે જુલાઈ માસમાં જ થશે.

જાપાનના વડા પ્રધાને આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે કોરોના વાઇરસના વધતાં કેસોના કારણે આખી દુનિયામાં રમતગમતનાં આયોજન પ્રભાવિત થયાં છે.

શિંઝો આબેનું કહેવું છે, "આપણે આ ચેપમાંથી મુક્ત થઈ જઈશું અને કોઈ પણ મુશ્કેલી વગર યોજના પ્રમાણે ઑલિમ્પિકની મેજબાની કરીશું."

જાપાનમાં કોરોના વાઇરસના સંક્રમણના 1400 કરતાં વધારે કેસ આવી ચૂક્યા છે જ્યારે 28 લોકોનાં મૃત્યુ થયાં છે.

જુલાઈમાં યોજાનારા ટૉક્યો ઑલિમ્પિકના આયોજન પર આશરે 11 અબજ પાઉન્ડનો ખર્ચ થવાનો અનુમાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો