આ કારણે ત્રણ દાયકા પછી ટીમ ઇન્ડિયાનો વન ડેમાં વ્હાઇટવૉશ થયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારત-ન્યૂઝીલૅન્ડ વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મૅચમાં ન્યૂઝીલૅન્ડે ભારતને પાંચ વિકેટ હરાવી દીધું છે.
ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલૅન્ડના પ્રવાસનો પ્રારંભ કર્યો ત્યારે એવી અપેક્ષા રખાતી હતી કે ભારત આ વખતે વ્હાઇટવૉશ કરીને આવશે.
ટી-20 સિરીઝમાં ભારતનો 5-0થી વિજય થયો ત્યારે પણ એવી અટકળ થતી હતી કે વિરાટ કોહલીની ટીમ આ જ રીતે વન ડે સિરીઝ પણ જીતી લેશે.
પણ આ બેમાંથી એકેય પ્રસંગે કોહલીએ કે ભારતીય ટીમ મૅનેજમૅન્ટે આ વાત ટાળી ન હતી.
તેમણે એક રીતે જોઈએ તો આ પ્રકારના દાવાઓ (ભલે મીડિયામાં થયા હોય)ને સમર્થન આપ્યું હતું.
તેનો અર્થ એ થયો કે તેમનો ઇરાદો વ્હાઇટવૉશ કરવાનો છે જ અને કેમ ન હોય?

બે મૅચ બાદ કોહલીએ હાથ ખંખેરી નાખ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ભારત જેવી મજબૂત ટીમ અત્યારે કોઈ પણ ટીમને હરાવી, હંફાવી શકે છે ત્યારે તે આવી અપેક્ષા રાખી શકે છે.
પણ વન ડેમાં પ્રથમ બે મૅચ ગુમાવ્યા બાદ કોહલીએ હાથ ખંખેરી નાખ્યા અને જાહેર કરી દીધું કે અમે તો અત્યારે માત્ર ટી-20 વર્લ્ડ કપ અને ટેસ્ટ સિરીઝ પર ફોકસ કરી રહ્યા છીએ. અમારા માટે વન ડેનું કોઈ મહત્ત્વ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અયોગ્ય છે. તમે હારો તેમાં કાંઈ ખોટું નથી. આજના પ્રોફેશનલ ક્રિકેટમાં દરેક ટીમ સજ્જ થઈને જ રમતી હોય છે પછી ન્યૂઝીલૅન્ડ હોય કે બાંગ્લાદેશ કે ઝિમ્બાબ્વે.
મેદાન પર રમવા ઊતરે ત્યારે તેનો ઇરાદો જીતવાનો જ હોય છે અને તેમાં કાંઈ ખોટું નથી. ભારતીય ટીમ પણ ત્રણેય મૅચમાં જીતવાના ઇરાદા સાથે જ રમી હતી ને?
એમ ન હોત તો તેણે આસાનીથી હથિયાર હેઠાં મૂકી દીધાં હોત, પરંતુ સાવ ઔપચારિક બની ગયેલી ત્રીજી વન ડેમાં તો ભારતે સૌથી વધુ સંઘર્ષ કર્યો હતો.
અગાઉની બે મૅચ કરતાં ત્રીજી મૅચના પરાજયનું ઓછું દુઃખ થાય, કેમ કે તેમાં ભારતે લડત તો આપી હતી. ન્યૂઝીલૅન્ડ વધુ મજબૂત પુરવાર થયું તે અલગ બાબત છે.
વર્તમાન ક્રિકેટમાં વિશ્વની સૌથી મજબૂત ટીમ હોય તો તે ભારત છે અને તેનો વ્હાઇટવૉશ થાય તે વિરાટ કોહલીની ટીમ માટે આંખ ઉઘાડનારું પરિણામ છે.

બુમરાહે નિરાશ કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે રમાયેલી મૅચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો. ત્રણ કે તેથી વધુ મૅચની વન ડે સિરીઝમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ તમામ મૅચ હારી નથી.
છેલ્લે 2011માં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ ભારત 3-0થી હાર્યું હતું. તે અગાઉના કાળમાં આમ બન્યું છે, પરંતુ મોટા ભાગની સિરીઝ કોહલી કે તેની ટીમના ખેલાડીઓના જન્મ અગાઉની હતી.
મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ટીમની કમાન સંભાળી ત્યાર બાદ ભાગ્યે જ ભારતનો આવી કંગાળ હાલતમાં પરાજય થયો છે.
ભારતના ખરાબ દેખાવ માટે ઘણાં એવાં પાસાં હતાં જેની નોંધ લેવી પડે તેમ છે, જેમ કે રોહિત શર્મા ઘાયલ થયા અને શિખર ધવન તો અગાઉથી જ ઘાયલ હતા.
આ સંજોગોમાં ટીમે નવી જ ઓપનિંગ જોડી મેદાનમાં ઉતારવી પડી. પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ વન ડે ક્રિકેટના અનુભવી ન હતા. તેમાંય તેમને ન્યૂઝીલૅન્ડની ધરતી પર બેટિંગ કરવાની હતી જ્યાંનું હવામાન ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા કરતાં પણ સાવ વિપરીત હોય છે.
અગ્રવાલે ટેસ્ટમાં સારો દેખાવ કરેલો છે, પરંતુ તેમને વન ડેમાં અચાનક જ અજમાવી લેવા તે જોખમી હતું.

રાહુલ અને ઐય્યરનું સારું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
પૃથ્વી શૉ લગભગ દરેક બૉલને હિટ કરવાનો પ્રયાસ કરતા હોય છે જેમાં ક્યારેય તેમને સફળતા મળે છે, તો મોટા ભાગે તો તેઓ ટીમને નુકસાન જ કરાવે છે.
તાજેતરનાં વર્ષોમાં ભારતની ફિલ્ડિંગ ઘણી સુધરી છે, પરંતુ તેમાં આ સિરીઝને બાદ કરવી પડે તેવી હાલત હતી.
ફિલ્ડિંગનું જે નિયમિત સ્ટાન્ડર્ડ છે તે ત્રણમાંથી એકેય મૅચમાં જોવા મળ્યું ન હતું. બૉલિંગમાં પણ એવી જ હાલત હતી.
ભારતની બૉલિંગ ધારવિહોણી તલવાર જેવી હતી. જે નામની તો તલવાર કહેવાય પણ તેની કોઈ અસર થાય નહીં. ખાસ કરીને જસપ્રિત બુમરાહે નિરાશ કર્યા.
બુમરાહ તેમની કારકિર્દીમાં પહેલી વાર એવા તબક્કે પહોંચ્યા જ્યાં તેમની કોઈ અસર ન હતી. તેમના તરફથી હરીફ ટીમને કોઈ જોખમ ન હતું.
અંતિમ ઓવર્સના આ ખતરનાક બૉલર આ સિરીઝમાં એકેય ઓવરમાં ખતરનાક જણાતા નહોતા.
બેટિંગમાં લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યું છે તેની નોંધ લેવી જોઈએ. આ સિરીઝમાંથી જ પૉઝિટિવ બાબત બહાર આવી છે તે આ બંને યુવાનોનું પ્રદર્શન છે.
રાહુલે લગભગ તમામ મૅચમાં ઉમદા બેટિંગ કરી છે. હકીકતમાં ભારતે થોડી ઘણી લડત આપી તે રાહુલ અને ઐય્યરને આભારી છે.

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે પણ કોહલી, પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ આઉટ થઈ ગયા ત્યાર બાદ આ બે જ એવા બૅટ્સમૅન હતા જે કિવી બૉલર્સ પર કાંઈક દબાણ લાવી શક્યા હતા. ભારતનો મિડલ ઑર્ડર આ બંને થકી જ મજબૂત બની ગયો છે.
લોકેશ રાહુલને વિકેટકીપિંગની જવાબદારી આપીને ભારતીય ટીમ મૅનેજમૅન્ટ શું પુરવાર કરવા માગે છે તે સમજાય તેવી વાત નથી.
આમ જો હોય તો રિષભ પંતને સાથે લઈ જવાનો અર્થ ન હતો. તેમને બદલે તેમને ભારત-એ ટીમ સાથે મોકલી દીધા હોત અથવા તો વતન પરત મોકલ્યા હોત તો તેઓ દિલ્હી માટે રણજી ટ્રૉફી મૅચો રમીને મૅચ પ્રૅક્ટિસ હાંસલ કરી શક્યા હોત.
અહીં તો તેમની હાલત એ થઈ કે તેઓ મૅચમાં રમી શકતા ન હતા અને પેવેલિયનમાં બેસીને માત્ર ટીમનું પતન નિહાળ્યા કરતા હતા જે માનસિક રીતે પણ નુકસાનકર્તા છે.
ભારતીય ટીમ હવે ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ અલગ પ્રકારની ગેમ છે.
ન્યૂઝીલૅન્ડના કાતિલ ઠંડીના હવામાનમાં બૉલ સ્વિંગ પણ થતા હોય છે અને સારી રીતે મૂવ પણ થતાં હોય છે ત્યારે ટીમે વન ડેના પરાજયને ઝડપથી ભૂલીને આગળ વધવાનું છે.
ભારતીય ટીમ 1974થી વન ડે રમી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં 130 દ્વિપક્ષીય વન ડે સિરીઝમાંથી ત્રણ કે તેથી વધુ મૅચની સિરીઝમાં તેના વ્હાઇટવૉશ થયા હોય તેવી સિરીઝની યાદી નીચે આપેલી છે.

વન ડે સિરીઝમાં ભારતના વ્હાઇટવૉશ

ઇમેજ સ્રોત, Getty Images
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















