TOP NEWS : નિર્ભયા કેસ : દોષીઓની અલગઅલગ ફાંસી અંગે આજે નિર્ણય

ઇમેજ સ્રોત, DELHI POLICE
દિલ્હીના નિર્ભયા ગૅંગરેપ કેસમાં દોષીઓને અલગઅલગ ફાંસી આપી શકાય કે નહીં એ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે નિર્ણય કરશે.
અગાઉ હાઈકોર્ટે ચાર દોષીઓની ફાંસી પર રોક લગાવી દીધી હતી.
કેન્દ્ર સરકારે કોર્ટમાં આ નિર્ણય સામે પડકાર ફેંક્યો છે. આ મામલે બુધવારે બપોરે દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવશે.
કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં કહ્યું કે "ચારેય દોષીઓને એકસાથે ફાંસી આપવાના નિર્ણયનો ખોટો ફાયદો ઉઠાવીને ફાંસીને ટાળવાની કોશિશ કરાઈ રહી છે. દોષી વારાફરતી કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી રહ્યા છે, જેને કારણે ફાંસીમાં વિલંબ થઈ રહ્યો છે."
તો નિર્ભયાના પરિવારજનોએ પણ કોર્ટને વિનંતી કરી છે કે કોર્ટ ઝડપથી ફાંસીનો દિવસ નક્કી કરે.

અમદાવાદમાં કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ નોંધાયો

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં કોરોના વાઇરસ ફેલાયા બાદ હવે અમદાવાદમાં કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે.
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગુણવંત રાઠોડે કહ્યું કે અમને એક શંકાસ્પદ કેસ મળ્યો છે અને દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે. દર્દીને હાલમાં હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યાં છે.
અમદાવાદ મિરરમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે 28 વર્ષીય મહિલા અમદાવાદના આંબલીનાં રહેવાસી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પહેલાં ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને બાદમાં સિવિલહૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.
મહિલા અને તેમના પતિનું ચીન સાથે આમ તો સીધું કોઈ કનેક્શન નથી, પણ તેઓ 10 દિવસ પહેલાં થાઈલૅન્ડની મુલાકાતે ગયાં હતાં.
ભારત આવ્યાં બાદ તેમનામાં શંકાસ્પદ લક્ષણો જણાયાં હતાં.

મલ્લિકા સારાભાઈને આમંત્રણ બાદ દીક્ષાંત સમારોહ સ્થગિત

ઇમેજ સ્રોત, Getty Images
મલ્લિકા સારાભાઈને આમંત્રિત કર્યાં બાદ એનઆઈડીએ દીક્ષાંત સમારોહ મુલતવી રાખ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અમદાવાદમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (એનઆઈડી)એ વાર્ષિક દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું હતું અને તેમાં મુખ્ય મહેમાન તરીકે મલ્લિકા સારાભાઈને આમંત્રણ અપાયું હતું.
સારાભાઈની સંસ્થાને એક પત્ર મળ્યો છે, જેમાં કહેવાયું છે કે શુક્રવારે થનારો 40મો વાર્ષિક દીક્ષાંત સમારોહ મુલતવી રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે મલ્લિકા સારાભાઈ નાગરિકતા સંશોધન કાયદાને લઈને નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતાં રહ્યાં છે.
મલ્લિકા સારાભાઈએ કહ્યું કે મને મળેલા પત્રમાં કાર્યક્રમને રદ કરાયો હોવાનું જણાવ્યું છે. મેં કોઈ સાથે વાત કરી નથી અને કોઈને પૂછ્યું પણ નથી.
સંસ્થાએ સ્નાતક વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે શુક્રવારે સાત ફેબ્રુઆરીએ થનાર 40મો દીક્ષાંત સમારોહ 'અનપેક્ષિત પરિસ્થિતિ'ને કારણે સ્થગિત કરાયો છે, રદ નથી કરાયો અને કહેવાયું કે કાર્યક્રમની નવી તારીખ નક્કી કરીને તેમને જણાવાશે.

બુલેટ ટ્રેન 'સફેદ હાથી'

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર મહારાષ્ટ્ર સરકાર અને ગુજરાત સરકાર સામસામે આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક ઇન્ટરવ્યૂમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સફેદ હાથી ગણાવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે આનાથી મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે કે કેમ એની ખાતરી કર્યા પછી તેના પર નિર્ણય લેવાશે.
તો ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે બુલેટ ટ્રેન પરની મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ દેશ માટે આ પરિયોજના અને તેના લાભને સમજવાની જરૂર છે. આ પરિયોજનાથી બંને રાજ્ય વચ્ચે મુસાફરી કરનારા હજારો લોકોને મળશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















