TOP NEWS : પોલીસે કહ્યું, નિર્ભયા કેસમાં આરોપીઓને ફાંસી આપવા મને જલ્લાદ બનાવો

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

નિર્ભયાના બળાત્કારીને ફાંસી આપવા માટે તામિલનાડુના એક પોલીસકર્મી જલ્લાદ બનવા તૈયાર થયા છે.

હિંદુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે તામિલનાડુના રામનાથપુરમ જિલ્લાના એક હેડ કૉન્સ્ટેબલ નિર્ભયાના બળાત્કારીને ફાંસી આપવા સ્વેચ્છાએ તૈયાર થયા છે.

42 વર્ષીય એસ. સુબાષ શ્રીનિવાસને બે વર્ષ અગાઉ મૃત્યુદંડની સજા પામેલા ચાર દોષીઓને ફાંસી આપવા માટે સ્વચ્છાએ જલ્લાદ બનવા તૈયારી દર્શાવી હતી.

6 ડિસેમ્બરે તિહાર જેલના અધિકારીઓને લખેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે એક તમિળ દૈનિકમાં વાંચ્યું કે તિહાર જેલમાં જલ્લાદ નથી, આથી તેઓ આ પ્રસ્તાવ મૂકી રહ્યા છે.

તેઓએ લખ્યું "નિર્ભયા પર બળાત્કાર અને હત્યા એક જઘન્ય ગુનો હતો. હું જલ્લાદ બનવા એટલા માટે સ્વેચ્છાએ તૈયાર થયો છું કે કોઈ વ્યક્તિને ફાંસી આપવાની સજાને સ્થગિત ન કરાય.

સુબાષ કહે છે કે તેઓ 1997માં પોલીસદળમાં સામેલ થયા હતા. તેઓ પોસ્ટ-ગ્રેજ્યુએટ છે અને રાજ્ય સરકારે તેઓને વીરતા માટે અન્નાપદક એનાયત કર્યો છે.

line

નાગરિકતા સંશોધન બિલનું ભાવિ નક્કી થશે

અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI

નાગરિકતા સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ કરાશે. બપોરે 2 વાગ્યે આ બિલ પર ચર્ચા શરૂ થશે.

બિલ પર ચર્ચા માટે છ કલાકનો સમય આપવામાં આવ્યો છે.

આ બિલ રાજ્યસભામાં પાસ થશે તેવી સરકારને આશા છે, તો બીજી તરફ જેડીયુ અને શિવસેનાનાં વલણ પર સૌની નજર છે.

લોકસભામાં આ બંને પાર્ટીએ અગાઉ બિલને સમર્થન આપ્યું હતું, પરંતુ હવે બંને પક્ષના અલગઅલગ સૂર સાંભળવા મળે છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યાં સુધી લોકસભામાં ઉઠાવેલા સવાલોના જવાબ નહીં મળે ત્યાં સુધી તેમની પાર્ટી બિલનું સમર્થન નહીં કરે.

ભાજપે તેમના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા આદેશ આપ્યા છે.

line

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ફરી સાથે આવશે?

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, FACEBOOK

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીએ મંગળવારે કહ્યું કે તેમની પાર્ટી અને ભાજપ નજીકના ભવિષ્યમાં સાથે આવી શકે છે.

એનડીટીવી ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર મનોહર જોશીએ પત્રકારોને કહ્યું કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મામલે યોગ્ય સમયે નિર્ણય લેશે.

તેઓએ કહ્યું કે "નાનાનાના મુદ્દાઓ પર લડવા કરતાં કેટલીક બાબતોને સહન કરવી એ વધારે યોગ્ય રહેશે. જે મુદ્દાને તમે મહત્ત્વના માનો છે એના વિશે સાથે મળીને ચર્ચા કરવી જોઈએ. જો બંને પક્ષ સાથે મળીને કામ કરશે તો એ બંને માટે સારું રહેશે.

તેઓએ વધુમાં કહ્યું કે એવું નથી કે શિવસેના હવે ક્યારેય ભાજપ સાથે નહીં જાય. ઉદ્ધવ ઠાકરે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.

ચૂંટણી બાદ શિવસેના-ભાજપ વચ્ચે મુખ્ય મંત્રીને લઈને વિવાદ થતાં શિવસેનાએ કૉંગ્રેસ અને એનપીસીના સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે.

line

ટ્રમ્પ સામે મહાભિયોગ તપાસમાં ઔપચારિક આરોપ ઘડાયા

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાઅભિયોગની કાર્યવાહીમાં ડેમૉક્રેટિક પાર્ટીના નિયંત્રણવાળી ન્યાયિક સમિતિએ ઔપચારિક આરોપો ઘડી કાઢ્યા છે. ટ્રમ્પ સામેના મહાભિયોગની આ એક મહત્ત્વની પ્રક્રિયા છે.

ન્યાયિક સમિતિના ચૅરમૅન અને ડેમૉક્રેટિક પાર્ટીના નેતા જેરી નાડલેર અનુસાર ટ્રમ્પ સામે બે મુખ્ય આરોપ છે.

પહેલો કે ટ્રમ્પે સત્તાનો દુરુપયોગ કર્યો છે. અને બીજો એ કે રાષ્ટ્રપતિએ સંસદના કામકાજમાં દખલ દીધી છે.

રાષ્ટ્રપતિ પર આરોપ છે કે તેઓએ પોતાના રાજકીય લાભ માટે યુક્રેનને મળતી આર્થિક મદદ રોકી દીધી હતી.

જોકે ટ્રમ્પે આ તમામ આરોપોને ફગાવતા કહ્યું કે સંસદ તેમના સામેની મહાઅભિયોગની પ્રક્રિયા ઝડપથી પૂરી કરે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા હોગન ગિડલેએ બીબીસીને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે કેસ શરૂ થાય.

ટ્રમ્પનો દાવો છે કે તેઓએ 'કંઈ ખોટું કર્યું નથી' અને મહાભિયોગની પ્રક્રિયા 'પાગલપન' છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો