અમિત શાહ સામે ચૂંટણી લડનાર ફિરોઝખાન મહાનગરપાલિકાની ચૂંટણી નહીં લડી શકે

ઇમેજ સ્રોત, Saeedkhan
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
ગુજરાતની લોકસભા ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ફિરોઝખાન પઠાણ હવે મહાનગરપાલિકાની ચૂંટણી નહીં લડી શકે.
2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ફિરોઝખાન પઠાણને 1200 મત મળ્યા હતા. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહનો વિજય થયો હતો.
2002નાં રમખાણોમાં ટોળાએ અમદાવાદમાં આવેલી ગુલબર્ગ સોસાયટી પર હુમલો કર્યો હતો. આ હત્યાકાંડમાંથી બચી ગયા બાદ ફિરોઝ ખાન અને તેમના ભાઈ વેજલપુર રહેવા આવી ગયા હતા.
વેજલપુર ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવે છે અને હાલ તેઓ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમનું નામ જ મતદારયાદીમાં નથી.
લોકસભાની ચૂંટણી લડનારા ફિરોઝ ખાનનું કહેવું છે કે તેઓ હવે અમદાવાદ મહાનગરપાલિકાના બહેરામપુરા વૉર્ડની પેટાચૂંટણી નહીં લડી શકે.

ઉમેદવારી કરવા ગયા ત્યારે જાણ થઈ...

ઇમેજ સ્રોત, firoz khan pathan
આ મામલે ફિરોઝખાને બીબીસીને કહ્યું કે તેઓ લોકસભામાં ચૂંટણી લડી શકે, તો પછી સુધરાઈની ચૂંટણી કેમ ના લડી શકે?
તેમણે કહ્યું, "શનિવારે ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો, હું ઉમેદવારી કરવા માટે ગયો. આ સમયે મને ડૅપ્યુટી કલેક્ટર અનસુયા ઝાએ કહ્યું કે તમે જે પ્રમાણપત્ર લઈને આવ્યા છો તે સુધરાઈની યાદી અનુસારનું નથી."
"તેમણે કહ્યું કે આ વેજલપુર વિધાનસભા અને લોકસભા અનુસારનું છે. આ મામલે મેં કાર્યવાહી હાથ ધરી તો મને જાણવા મળ્યું કે મારું નામ જ મતદાર યાદીમાં નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ઉમેરે છે, "2002ની કોમી હિંસાની ઘટના બાદ હું વેજલપુરમાં રહેવા આવી ગયો હતો. 2005માં મેં ચૂંટણીકાર્ડ પણ બનાવી લીધું હતું."
"આ ચૂંટણીકાર્ડમાં વેજલપુરનું જ સરનામું નોંધાયેલું છે. 2010માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેં મતદાન કર્યું હતું."
"2012માં વિધાનસભામાં મતદાન કર્યું, 2014માં લોકસભામાં મતદાન કર્યું તેમજ 2019ની લોકસભાની ચૂંટણી તો હું લડ્યો હતો."
"મને એ વાતનું આશ્ચર્ય છે કે હવે હું મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકું એમ નથી."

અધિકારીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, firoz khan pathan
45 વર્ષીય ફિરોઝખાનનો આરોપ છે કે અધિકારીઓએ તેમનું નામ મતદારયાદીમાંથી કાઢી નાખ્યું છે.
આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ડૅપ્યુટી કલેક્ટર અનસુયા ઝાએ કહ્યું કે ફિરોઝખાન પઠાણ ઉમેદાવારી માટે આવ્યા હતા.
અનસુયા ઝા કહે છે, "આ અમદાવાદ મહાનગરપાલિકાની પેટાચૂંટણી છે જે 2015ની મતદારીયાદી સાથે થવાની છે."
"અમે મતદારયાદી ચેક કરાવી તો તેઓ 2015 બાદ યાદીમાં દાખલ થયેલા છે. તેમની રજૂઆત હતી કે તેમનું નામ મતદારયાદીમાં નથી."
"ઉમેદવારીની પાયાની બાબત એ છે કે મતદારયાદીમાં તેમનું નામ હોવું જોઈએ. લોકસભામાં તેમણે જે ઉમેદવારી નોંધાવી હતી તેનું પ્રમાણપત્ર લઈને તેઓ આવ્યા હતા."
"અમદાવાદ શહેરનો નાગરિક કોઈ પણ વૉર્ડમાં ચૂંટણી લડી શકે છે. તેમનું નામ મતદારયાદીમાં હોવું તે પાયાની જરૂરિયાત છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ વધુમાં કહે છે, "બહેરામપુરા વૉર્ડની ચૂંટણી છે એટલે કોઈ પણ વૉર્ડની કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે, પરંતુ ઉમેદવારી નોંધાવનારના ટેકેદાર અને દરખાસ્ત કરનાર બહેરામપુરા વૉર્ડના હોવા જોઈએ."
"જો ઉમેદવાર બહેરામપુરા વૉર્ડના ન હોય તો સુધરાઈની ચૂંટણીશાખા મારફતે એનો દાખલો મેળવવાનો રહે છે."
"2015ના ઉપલક્ષની ચૂંટણીને આધારે પ્રમાણપત્ર જરૂરી છે. તેના આધારે જ ફૉર્મ ભરવાનું રહે છે, પરંતુ ફિરોઝખાન પઠાણનું યાદીમાં નામ હોવું જરૂરી છે."
ફિરોઝખાન પઠાણનું કહેવું છે કે અગાઉ 2010માં પણ તેમણે મતદાન પણ કરેલું છે.
આ વિશે જવાબ આપતા અનસુયાબહેન ઝાએ કહ્યું, "બની શકે. એ ભાઈ વેજલપુરના છે અને હાલની પેટાચૂંટણી બહેરામપુરાની છે. હું રિટર્નિંગ ઓફિસર છું."
"તેઓ જ્યારે ઉમેદવારી નોંધાવવા આવે ત્યારે મારે એ જોવાનું હોય કે તેમની દરખાસ્ત કરનાર અને ટેકેદાર બહેરામપુરા વૉર્ડના હોવા જોઈએ."
"તેઓ મને માત્ર પૂછવા આવ્યા કે નામ નથી તો હું ઉમેદવારી નોંધાવી શકું? લોકસભામાં ઉમેદવારી નોંધાવી હતી એ આધાર ન ચાલી શકે. તેમણે દાખલો લઈને આવવો પડે કે હું આ વૉર્ડમાં રહું છું અને આ મારો મતદારયાદી ક્રમાંક આટલો છે. તેઓ બહેરામપુરા વૉર્ડના હોત તો તેમની મતદારયાદી મારી પાસે હોત જ."
ફિરોઝખાન પઠાણે જણાવ્યું, "તેઓ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવાના છે. અમદાવાદમાં પેટાચૂંટણી 21 ઑક્ટોબરે અને તેનું પરિણામ 24 ઑક્ટોબરે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















