TOP NEWS: ગુજરાત સરકાર હવે વાસણો ભાડે આપવા માટે દુકાનો શરૂ કરશે

ઇમેજ સ્રોત, Getty Images
સ્વરાજની સંસ્થાઓ અને ડિપાર્ટમેન્ટ સ્ટોરોમાં થર્મોકોલની ડિશો, કપ તથા બૉટલો અને પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધની અમલવારીના આદેશ સાથે ગુજરાત સરકારે સંબંધિત સંસ્થાઓને 'વાસણભંડાર' ખોલવા જણાવ્યું છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સરકાર અને મ્યુનિસિપાલિટી દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે આ પગલું ભરાયું છે.
અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે સ્ટીલ અને ધાતુનાં અન્ય વાસણોને જાહેર દુકાનોમાંથી ભાડે લેવાની જૂની પરંપરાને ફરી શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે.
શહેરી વિકાસવિભાગના સચિવ અને પ્લાસ્ટિક વિરુદ્ધના અભિયાનના નૉડલ ઑફિસર લોચન સહેરાને ટાંકીને અખબાર જણાવે છે કે જૂની પરંપરા અનુસારના વાસણભંડાર શરૂ કરવા માટેના આદેશ આપી દેવાયા છે.

અમિત શાહ સામે લોકસભાની ચૂંટણી લડનારા આ ઉમેદવાર સ્થાનિક ચૂંટણી માટે ગેરલાયક ઠર્યા

ઇમેજ સ્રોત, Getty Images
ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડના પીડિત ફિરોઝ ખાન પઠાણ અમદાવાદ મહાનગરપાલિકાની પેટાચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવાયા છે. ફિરોઝે તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના મતદારોની યાદીમાં ફિરોઝનું નામ ન હોવાને કારણે આવું થયું છે.
અમદાવાદના બહેરામપુરા વૉર્ડની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે શનિવારે અંતિમ દિવસ હતો.
ફિરોઝ જ્યારે 'અપના દેશ પાર્ટી'માંથી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા ત્યારે તેમને મતદારયાદીમાં નામ ન હોવાથી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિરોઝ ખાન પઠાણે આ મામલે મહાનગરપાલિકા પર જાણી જોઈને 'સુકુન સોસાયટી'માં રહેતા 700થી વધુ શહેરીઓનાં નામ રદ કરવાનો આરોપ લગાવ્યો છે.

જૂનાગઢ નજીક પૂલ તૂટતાં કાર પાણીમાં ખાબકી

ઇમેજ સ્રોત, Social media
જૂનાગઢ નજીક આવેલા માલણકા ગામમાં પૂલ તૂટતાં ચાર કાર પાણીમાં ખાબકી છે.
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર ભારે વરસાદને પગલે ઘટેલી આ ઘટનામાં કેટલાકને ઇજા પણ પહોંચી છે.
જ્યારે આ ઘટના ઘટી ત્યારે અમુક મુસાફરો ફસાઈ પણ ગયા હતા. જોકે, બાદમાં તેમને બચાવી લેવાયા હતા.
આ પૂલ વચ્ચેથી તૂટી પડ્યો હતો, જેને પગલે જૂનાગઢ અને મુંદ્રા વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

આરે કૉલોનીના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

ઇમેજ સ્રોત, REUTERS
સુપ્રીમ કોર્ટે મુંબઈની આરે કૉલોનીમાં વૃક્ષો કાપી નાખવાના મામલે સ્વયં સંજ્ઞાન લેતાં વિશેષ બેન્ચની રચના કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર આ બેન્ચ સોમવારે સુનાવણી કરશે. વિદ્યાર્થીઓ દ્વારા વડા ન્યાયાધીશને પત્ર લખાયા બાદ સંબંધિત નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળે રવિવારે સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશને પત્ર લખીને આ મામલે પગલું ભરવા વિનંતી કરી હતી.
આરે કૉલોનીમાં મેટ્રોના શૅડ માટે મુંબઈ પોલીસ, મેટ્રો રેલવે કૉર્પોરેશન તથા ગ્રૅટર મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન 2700 વૃક્ષો કાપી રહ્યાં છે.
મેટ્રોની યોજના માટે આ વિસ્તારમાં કારના શૅડ બનાવવાનો પહેલાંથી જ વિરોધ કરાઈ રહ્યો છે અને આ મામલે હાઈકોર્ટમાં કેટલીય અરજી પણ કરાઈ છે.
જોકે, શુક્રવારે કોર્ટે આ તમામ અરજીઓ ફગાવી દીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















