Ind vs SA : દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારતની જીત, જાડેજા-શમીની ઘાતક બૉલિંગ

ઇમેજ સ્રોત, Getty Images
વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતે 203 રનથી જીત મેળવી છે.
પ્રથમ ઇનિંગમાં ટેસ્ટ મૅચમાં 200મી વિકેટની સિદ્ધિ મેળવનાર રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની ઘાતક બૉલિંગ સામે દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન ટકી શક્યા નહોતા.
દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રન કરી ઑલઆઉટ થઈ ગઈ હતી.
બીજી ઇનિંગમાં ભારત તરફથી જાડેજાએ 4, અશ્વિને 1 અને મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી.
પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર ઓપનિંગ બૅટ્સમૅન ડેન એલ્ગારને રવીન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં ફક્ત 2 રને આઉટ કર્યા હતા.
મોહમ્મદ શમીએ પણ પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર મિડલ ઑર્ડર બૅટ્સમૅન ડી કૉકને શૂન્ય રને બૉલ્ડ કર્યા હતા.
પ્રથમ ઇનિંગમાં અર્ધસદી કરનાર કૅપ્ટન ડૂ પ્લેસિસને પણ શમીએ 13 રને બૉલ્ડ કરી દીઘા હતા.
મોહમ્મદ શમીએ તેમ્બા બાવુમાને પણ બોલ્ડ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આફ્રિકાના બૅટ્સમૅનો ટકી ન શક્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઓપનર મારક્મે લડત આપવાની કોશિશ કરીને 39 રન કર્યા હતા, પરંતુ જાડેજાએ પોતાની બૉલિંગમાં એમનો કૅચ ઝડપી આઉટ કરી દીધા હતા.
ઓપનર મારક્મે સૌથી વધુ 39 રન કર્યા હતા.
મુથુસેમી અને છેલ્લા ક્રમના બૅટ્સમૅન ડેને ભાગીદારી કરી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો.
ડેને 107 બૉલમાં 51 રન કર્યા હતા પરંતુ ટી બ્રેક અગાઉ શમીએ તેમને બૉલ્ડ કર્યા હતા.
રબાડાની છેલ્લી વિકેટ પણ શમીએ ઝડપી હતી.
ભારતે દક્ષિણ આફ્રિકાને 395 રનનું લક્ષ્ય આપ્યું હતું.
પ્રથમ ઇનિંગમાં ભારતે રોહિત શર્મા અને મયંક અગ્રવાલની 317 રનની ભાગીદારીની મદદથી 502 રન કર્યા હતા. ભારતે દાવ ડિકલેર કર્યો હતો.
મયંક અગ્રવાલે 215 અને રોહિત શર્માએ 176 રન કર્યા હતા.
દક્ષિણ આફ્કિાનો પ્રથમ દાવ 431 રનમાં સમેટાઈ ગયો હતો.
ઍલ્ગરે 160 અને ડિકૉકે 111 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતે બીજી ઇનિંગમાં રોહિત શર્માની સદી ચેતેશ્વર પૂજારાના 81 રનની મદદથી આફ્રિકા સામે 394 રનની લીડ મૂકી હતી.

રોહિત શર્માનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
વિશાખાપટ્ટનમમાં રોહિત શર્માએ ટેસ્ટમાં રેકૉર્ડ બનાવ્યો હતો.
રોહિત શર્માએ વિશાખાપટ્ટનમમાં મૅચની બન્ને ઇનિંગમાં સદી મારી હતી. પહેલી ઇનિંગમાં 176 અને બીજી ઇનિંગમાં 127 રન ફટકાર્યા હતા.
144 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રોહિત શર્મા પહેલા એવા ઓપનિંગ બૅટ્સમૅન બન્યા હતા, જેમણે પહેલી જ ટેસ્ટમાં બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હોય.
રોહિત શર્માએ પહેલી ઇનિંગમાં છ, જ્યારે બીજી ઇનિંગમાં સાત છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રોહિતે એક ટેસ્ટ મૅચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.
આ પહેલાં વર્ષ 1996માં પાકિસ્તાનના વસીમ અક્રમના નામે એક જ ટેસ્ટ મૅચમાં 12 છગ્ગા મારવાનો રેકૉર્ડ નોંધાયેલો હતો.

જાડેજા અને અશ્વિનનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
બૉલર રવીન્દ્ર જાડેજાએ પણ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં સિદ્ધિ મેળવી હતી.
રવીન્દ્ર જાડેજાએ તેમની ટેસ્ટ કરિયરની 200મી વિકેટ અહીં મેળવી હતી.
રવીન્દ્ર જાડેજા સૌથી ઝડપથી આ સિદ્ધિ મેળવનારા ડાબોડી બૉલર છે.
ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટની સિદ્ધિ મેળવનારા તેઓ 10મા ભારતીય બૉલર બન્યા હતા.
જાડેજા ઉપરાંત આર. અશ્વિને પણ પાંચમા દિવસે આજે એક વિકેટ ઝડપવાની સાથે જ મુરલીધરનના રેકૉર્ડની બરોબરી કરી હતી.
અશ્વિને મુરલીધનની જેમ જ પોતાની 66મી ટેસ્ટ મૅચમાં 350 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે.
હાલ મુરલીધરન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા બૉલર છે. 2010માં નિવૃત્તિ સુધી તેમણે 133 ટેસ્ટ મૅચમાં 800 વિકેટ ઝડપી હતી.
અશ્વિને પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















