નરેન્દ્ર મોદીના ભાષણને લાઇવ પ્રસારિત ન કરતાં દૂરદર્શન કેન્દ્રનાં ઉપનિદેશક સસ્પેન્ડ

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ચેન્નઈના દૂરદર્શન કેન્દ્રમાં ઉપ-નિદેશક વાસુમતિને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

વાસુમતિ સામે કથિત રીતે આઈઆઈટી ચેન્નઈમાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું લાઇવ પ્રસારણ ન કરી શકવા બદલ આ પગલું લેવામાં આવ્યું હતું.

પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે વાસુમતિને અનુશાસનાત્મક કાર્યવાહી હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

જોકે, આ પત્રમાં આ પગલાં પાછળનું કારણ નથી જણાવવામાં આવ્યું.

વધુમાં કહેવામાં આવ્યું છે કે તેમને કેન્દ્રીય સિવિલ સેવા અધિનિયમ, 1965 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

અનુશાસન અંગેનું પગલું

30 સપ્ટેમ્બર 2019ના રોજ નરેન્દ્ર મોદીએ તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં ત્રણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમોને દૂરદર્શનની વિભિન્ન ભાષાની ચેનલોએ લાઇવ પ્રસારિત કર્યા હતા.

પરંતુ, દૂરદર્શનની તમિલ ચેનલે માત્ર બે કાર્યક્રમમાં મોદીના ભાષણનું લાઇવ પ્રસારણ કર્યું હતું.

દૂરદર્શનની તમિલ ચેનલે આઈઆઈટી ચેન્નઈમાં 'સિંગાપુર-ઇન્ડિયા હૅકાથૉન 2019' કાર્યક્રમમાં મોદીએ આપેલા ભાષણનું લાઇવ પ્રસારણ નહોતું કર્યું.

જોકે, આ સમાચાર ચેનલના ન્યૂઝ બુલેટિનમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા.

30 સપ્ટેમ્બરના દિવસે જ વડા પ્રધાન કાર્યાલયે દૂરદર્શન પાસેથી આ બાબતે સ્પષ્ટીકરણ માગ્યું હતું અને ત્યાર બાદ કથિત અનુશાસન અંગેનું પગલું લેવામાં આવ્યું.

દૂરદર્શનને પૂછયું છે કે 'ચેન્નઈ દૂરદર્શન નરેન્દ્ર મોદીના ભાષણનું લાઇવ પ્રસારણ કરવામાં નિષ્ફળ રહ્યું હતું કે તેની પાછળ કોઈ કારણ હતું?'

ચેન્નઈ દૂરદર્શનના કર્મચારી આ બાબતે વાત કરવા તૈયાર નથી. વાસુમતિએ પણ અનેક વખત સંપર્ક કર્યા બાદ પણ જવાબ આપ્યો નથી.

બીબીસીએ પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખરના કાર્યાલય સાથે સંપર્ક કર્યો પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ મળ્યો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો