TOP NEWS : ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ક્યાં પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આજથી ચાર દિવસ સુધી સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આજે આણંદ, ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
એવી જ રીતે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે આગામી 29 તારીખથી નવરાત્રિ શરૂ થવાની છે. એવામાં વરસાદ નવરાત્રિ સમયે ખૈલેયાઓને નિરાશ કરી શકે છે.

સીસીએસના અધ્યક્ષ બનશે જનરલ બિપિન રાવત

ઇમેજ સ્રોત, PIB
ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવત શુક્રવારે ચીફ ઑફ સ્ટાફ કમિટી (સીસીએમ)ના ચૅરમૅનનું પદ ગ્રહણ કરશે.
વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆ આ મહિને 30 તારીખે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધનોઆ એક કાર્યક્રમમાં જનરલ રાવતને બૅટન સોંપશે. સીસીએસ ચૅરમૅન સેનાનાં ત્રણ અંગોમાંનું સર્વોચ્ચ પદ હોય છે.
સીસીએસ પદભાર ગ્રહણનો આ અંતિમ કાર્યક્રમ હશે, કેમ કે આ પછી સરકાર ચીફ ઑફ ડિફેન્સ (સીડીએસ)ની નિમણૂક કરશે.
આ દેશની સેનાનું સર્વોચ્ચ પદ હશે.

મોદી અને રૂહાની વચ્ચે મુલાકાત

ઇમેજ સ્રોત, PIB
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્ર દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે સહયોગ અને ક્ષેત્રની સ્થિતિ પર વિચારોની આપલે થઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાડી ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા યથાવત્ રાખવા માટે ભારત તરફથી કૂટનીતિ, સંવાદ અને વિશ્વાસ રાખવાની પોતાની પ્રાથમિકતા દોહરાવી હતી.
ઑલ ઇન્ડિયા રેડિયો અનુસાર બંને નેતાએ પોતાની 2015માં થયેલી પહેલી મુલાકાતથી લઈને અત્યાર સુધીના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિનું પણ આકલન કર્યું હતું.
હાલમાં ઈરાન દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, એવા સમયે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ છે. સાઉદી અરબનાં ઑઇલ પ્લાન્ટ પરના હુમલા માટે સાઉદી અને અમેરિકા ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. જોકે ઈરાન આ આરોપોનો નકારતું રહ્યું છે.

ઇન્ડોનેશિયામાં ભૂકંપથી 20 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડોનેશિયામાં આવેલા ભૂંકપથી 20 લોકોનાં મૃત્યુ થયાં છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઇન્ડોનિશિયાના અંબોન દ્વિપમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 હોવાનું જાણવા મળ્યું છે.
ભૂકંપને કારણે એક હૉસ્પિટલ, એક વિશ્વવિદ્યાલય સહિત અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે.
ભૂકંપથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ દર્દીઓને હૉસ્પિટલની બહાર તંબૂ તાણીને મેદાનમાં રાખવામાં આવ્યા છે.
એક વાર ભૂકંપ આવ્યા પછી પણ અનેક વાર આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો





















