You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: નરેન્દ્ર મોદીના પ્લેનને પાકિસ્તાન પરથી પસાર થવાની પરવાનગી નહીં
એનડીટીવી પ્રકાશિત અહેવાલ પ્રમાણે પાકિસ્તાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનને અમેરિકા જવા માટે પોતાના ઍરસ્પેસમાંથી પસાર થવાની પરવાનગી આપવાથી ઇનકાર કરી દીધો છે.
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું છે કે અમે ભારતીય ઉચ્ચાયોગને જાણ કરી શકે છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉડાન માટે અમે અમારા હવાઈ ક્ષેત્રને વાપરવાની પરવાનગી નહીં આપીએ.
આ પહેલાં પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પ્લેનને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી આપી ન હતી અને ભારતની અરજીને ફગાવી દીધી હતી.
મહત્ત્વનું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરના રોજ એક અઠવાડિયાની યાત્રા માટે અમેરિકા રવાના થશે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 20 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
IMDના રિપોર્ટ પ્રમાણે 20 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને રાજ્યના બીજા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ આગાહી મધ્ય-પૂર્વ અરબ સાગર અને ઉત્તર અરબ સાગર, ઉત્તર કોંકણ અને દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે કરવામાં આવી છે.
બુધવારના રોજ પણ ગુજરાતના 63 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારના રોજ રાત્રે આઠ વાગ્યા સુધી છોટા ઉદેપુરમાં સૌથી વધારે 50 mm વરસાદ પડ્યો હતો.
આ સાથે જ રાજ્યમાં આ વર્ષે 122% વરસાદ નોંધાયો છે.
ગુજરાત સિવાય મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારે વરસાદ પડ્યો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુરુવારના રોજ પણ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. IMDએ મુંબઈ માટે રેડ ઍલર્ટ પણ જાહેર કર્યું છે.
વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકારે મુંબઈ, થાણે અને કોંકણની સ્કૂલ તેમજ કૉલેજોમાં રજાની ઘોષણા કરવામાં આવી છે.
આખા દેશમાં લાગુ થશે NRC
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમિત શાહે કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન એટલે કે NRCને આખા દેશમાં લાગુ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
અમિત શાહે સવાલ ઉઠાવ્યો છે કે શું એવો કોઈ દેશ છે કે જે પોતાને ત્યાં વિદેશીઓને ગેરકાયદેસર રીતે રહેવાની પરવાનગી આપે?
એક હિંદી સમાચારપત્રના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું - શું કોઈ ભારતીય અમેરિકા, બ્રિટન કે રશિયામાં ગેરકાયદેસર રીતે જઈને રહી શકે છે? ના, તેવામાં બીજા દેશના લોકો ભારતમાં ઓળખપત્ર વગર કેવી રીતે રહી શકે છે? એટલે મારું માનવું છે કે આખા દેશમાં NRC લાગુ થવું જોઈએ.
અમિત શાહે વધુમાં કહ્યું છે કે આસામ બાદ NRCને જલદી આખા દેશમાં લાગુ કરવામાં આવશે.
જલદી નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન બનશે. તેમાં દેશમાં રહેતા બધા જ નાગરિકોની એક યાદી હશે.
ઇઝરાયલમાં હવે કોણ બનશે PM?
ઇઝરાયલમાં પાંચ મહિનાની અંદર બીજી વખત ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટીને બહુમતી મળી નથી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર હવે દેશમાં ગઠબંધન સરકાર બનવાની શક્યતા છે.
નેતન્યાહુ એપ્રિલમાં યોજાયેલી ચૂંટણી બાદ પણ બહુમતી સાથે ગઠબંધન બનાવી શક્યા ન હતા.
હાલ યોજાયેલી ચૂંટણીમાં નેતન્યાહુની લિકુડ પાર્ટીને 55 બેઠકો, જ્યારે ડાબેરી પક્ષને 56 બેઠકો મળી છે. આ સિવાય ઇઝરાયલ બીતેનુ પાર્ટીને 9 બેઠકો મળી છે.
મુખ્ય બે પક્ષે સરકાર બનાવવા માટે 61 બેઠકની જરૂર છે.
તેવામાં હવે ઇઝરાયલ બિતેનુ પાર્ટીના નેતા અને પૂર્વ રક્ષામંત્રી એવિગદોર લીબરમૅનના હાથમાં હવે સત્તાની ચાવી ગઈ છે.
નવા વડા પ્રધાનની ચૂંટણીમાં હવે તેઓ મહત્ત્વની ભૂમિકા નિભાવશે. નેતન્યાહુના સહયોગી રહી ચૂકેલા લીબરમૅન હવે તેમના વિરોધી બની ચૂક્યા છે.
તેમનું કહેવું છે કે તેઓ કોઈ ગઠબંધન નહીં કરે.
તબરેઝ અંસારી મૉબ લિન્ચિંગ કેસમાં આરોપી વિરુદ્ધ કલમ 302
બહુચર્ચિત તબરેઝ અંસારી મૉબ લિન્ચિંગ મામલે ઝારખંડ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરી કલમ 302 અંતર્ગત કાર્યવાહીની અપીલ કરી છે.
સરાયકેલા ખરસાંવાની જિલ્લા કોર્ટમાં પૂરક આરોપપત્ર દાખલ કરી પોલીસે કહ્યું છે કે આ મામલે તેમને હવે આરોપીઓ વિરુદ્ધ કલમ 302 અંતર્ગત ઇરાદાપૂર્વક હત્યાનો કેસ ચલાવવા માટે યોગ્ય પૂરાવા મળી ગયા છે.
ઝારખંડના એડિશનલ ડીજી અને પ્રવક્તા મુરાલી લાલ મીણાએ કહ્યું છે કે આ અંગે એક વિસ્તૃત પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે.
તેમાં દરેક વાતનો ઉલ્લેખ છે, જેના કારણે આરોપીઓ વિરુદ્ધ કલમ 302 લગાવવામાં આવી છે.
તેમણે કહ્યું છે કે આ મામલે બધા જ 13 આરોપીઓ હવે ઇરાદાપૂર્વક હત્યાના આરોપસર ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો