ચંદ્રયાન 2: શું ઈસરો લૅન્ડર 'વિક્રમ' સાથે ફરીથી સંપર્ક સાધી શકશે?

ચંદ્રયાન-2

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અભિમન્યુકુમાર સાહા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો)નું કહેવું છે કે તેમને ચંદ્રની સપાટી પર 'વિક્રમ' લૅન્ડર સાથે જોડાયેલી તસવીર મળી છે.

ઈસરોના પ્રમુખ કે. સિવને કહ્યું, "ઈસરોને ચંદ્રની સપાટી પર લૅન્ડરની તસવીર મળી છે. ચંદ્રનું ચક્કર મારતાં ઑર્બિટરે વિક્રમ લૅન્ડરની થર્મલ ઇમેજ લીધી છે."

ઈસરોના પ્રમુખે એમ પણ કહ્યું કે ચંદ્રયાન-2માં લાગેલા કૅમેરાએ લૅન્ડરની અંદર પ્રજ્ઞાન રૉવર હોવાની પુષ્ટિ કરી છે.

આ બધી બાબતો પછી એવી આશા સેવવામાં આવે છે કે શુક્રવારે અધૂરું રહેલું ભારતનું સપનું સાકાર થઈ શકશે.

શુક્રવારની રાતે 'વિક્રમ' લૅન્ડર ચંદ્રની સપાટી પર પહોંચવાથી માત્ર 2.1 કિલોમિટર દૂર હતું, ત્યારે તેનો સંપર્ક ગ્રાઉન્ડ સ્ટેશનથી કપાઈ ગયો હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કે. સિવને કહ્યું કે ઈસરો સતત વિક્રમ લૅન્ડરનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે. જોકે વૈજ્ઞાનિકોને બહુ ઓછી આશા છે.

તેમનું કહેવું છે કે જો બીજી વાર સંપર્ક થશે તો આ એક અદ્ભુત વાત હશે.

વૈજ્ઞાનિક ગૌહર રઝાએ બીબીસીને કહ્યું, "આ બહુ મુશ્કેલ છે. બીજી વાર સંપર્ક સાધવા માટે લૅન્ડરનું ચંદ્રની સપાટી પર સહીસલામત ઊતરવું જરૂરી છે."

"એટલું જ નહીં તે એવી રીતે ઊતરે કે તેના પગ સપાટી પર યોગ્ય હોય અને એ ભાગ કામ કરી રહ્યો હોય, જેનાથી આપણો સંપર્ક તૂટી ગયો હતો."

"બીજી મહત્ત્વની વાત એ કે લૅન્ડર એવી સ્થિતિમાં હોય તેનાથી 50 વૉટ પાવર જનરેટ થઈ શકે અને સોલર પૅનલને સૂરજની રોશની મળતી હોય."

તેઓને બહુ ઓછી આશા છે કે લૅન્ડરનો ઑર્બિટરથી બીજી વાર સંપર્ક થઈ શકે. તેમના કહેવા પ્રમાણે જો બીજી વાર સંપર્ક થશે તો એ અદ્ભુત વાત હશે.

જોકે, ઈસરો આ કામમાં કેટલું સફળ થશે એ આગામી દિવસોમાં ખબર પડી જશે.

'થર્મલ ઇમેજ' એટલે?

ચંદ્રયાન-2

ઇમેજ સ્રોત, Getty Images

કે. સિવને લૅન્ડરની 'થર્મલ ઇમેજ'ની વાત કરી છે. ઑર્બિટરમાં જે કૅમેરા લાગેલા હોય એ 'થર્મલ ઇમેજ' લે છે.

શૂન્ય ડિગ્રી તાપમાનમાં ન હોય તેવી તમામ વસ્તુથી રેડિયેશન ફેલાઈ શકે છે.

જોકે, જ્યાં સુધી આ વસ્તુ એટલી ગરમ ન થાય કે તેમાંથી નીકળતા પ્રકાશને નરી આંખે જોઈ શકાય, ત્યાં સુધી એમાંથી નીકળતું રેડિયેશન પણ નરી આંખે જોઈ શકાતું નથી.

લોઢું ગરમ કરતાં થોડા સમય પછી તેમાંથી રોશની નીકળવા લાગે અને તેનાથી પણ સામાન્ય તાપમાનમાં રેડિયેશન રહેતું હોય છે.

આ થર્મલ રેડિયેશનને ઑર્બિટરમાં લાગેલા કૅમેરા કૅપ્ચર કરે છે અને એક તસવીર બનાવે છે. અને આ જ તસવીરને થર્મલ ઇમેજ કહે છે.

આ તસવીર થોડી ઝાંખી હોય છે, જેની વ્યાખ્યા કરવી પડે છે. આપણે સામાન્ય કૅમેરાથી લઈએ એવી આ તસવીર નથી હોતી.

લૅન્ડર સુરક્ષિત છે કે દુર્ઘટનાગ્રસ્ત?

લૅન્ડર

ઇમેજ સ્રોત, ISRO

એક સવાલ એ પણ ઊઠે છે કે શું લૅન્ડર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે કે પછી સુરક્ષિત છે.

વૈજ્ઞાનિક ગૌહર રઝા કહે છે, "રવિવાર સુધીની પ્રાપ્ત માહિતી પ્રમાણે લૅન્ડર આખેઆખું તૂટ્યું નથી. જો તૂટીને વિખેરાઈ ગયું હોત તો આપણે ન કહી શકત કે લૅન્ડરની તસવીર લેવાઈ છે."

હાર્ડ લૅન્ડિંગમાં લૅન્ડરને કેટલું નુકસાન થયું છે એ અંગે કે. સિવને સ્પષ્ટ રીતે કોઈ જાણકારી આપી નથી.

વૈજ્ઞાનિક તેનો અર્થ એ કાઢી રહ્યા છે કે તેની ગતિ એટલી ધીમી પડી ગઈ હતી કે સપાટી પર ટકરાય તો પણ લૅન્ડર પૂરી રીતે નષ્ટ ન થાય.

ગૌહર રઝા કહે છે, "તેનો મતલબ એ પણ થાય કે તેની સ્પીડ ત્યાં સુધી ઓછી રહી હશે જ્યાં સુધી એ ચંદ્રની સપાટી પર ઊતર્યું નહીં હોય."

ઑર્બિટરે લીધેલી તસવીરનું વિશ્લેષણ કર્યા બાદ જ ખબર પડશે કે લૅન્ડરને કેટલું નુકસાન થયું છે.

અંતિમ મિનિટોમાં શું થયું હશે?

કે. સિવન

ઇમેજ સ્રોત, Getty Images

આ સવાલના જવાબમાં ગૌહર રઝા કહે છે, "2.1 કિલોમિટરના અંતરે જ્યારે આપણો સંપર્ક લૅન્ડરથી કપાઈ ગયો ત્યારે એ અંતરથી ચંદ્રની સપાટી પર પહોંચવા સુધીની યોગ્ય માહિતી આપણને મળી નહોતી."

"હવે આપણને લૅન્ડરની તસવીર મળી ગઈ છે. આથી એ વાતનો અંદાજ લગાવી શકાય કે અંતિમ ક્ષણોમાં શું થયું હશે."

હજુ સુધી વૈજ્ઞાનિકો એ ક્યાસ કાઢી રહ્યા છે કે કેમ અંતિમ સમયે લૅન્ડરની સ્પીડ કંટ્રોલ નહોતી કરી શકાઈ?

લૅન્ડરને નક્કી કરેલી સ્પીડ પર સપાટી પર ઉતારવું એક મોટો પડકાર હોય છે, જેથી તેને કોઈ નુકસાન ન થાય અને તેનો પગ જમીન પર જ પડે.

સ્પીડ કંટ્રોલ

સૉફ્ટ લૅન્ડિંગ માટે લૅન્ડરની સ્પીડને 21 હજાર કિલોમિટરથી 7 કિલોમિટર પ્રતિ કલાક કરવાની હતી. એવું કહેવાતું હતું કે ઈસરો આ સ્પીડ કંટ્રોલ કરવાનું ચૂકી ગયું અને તેનું સૉફ્ટ લૅન્ડિંગ ન થઈ શક્યું.

લૅન્ડરમાં ચારેતરફ રૉકેટ અથવા તો એન્જિન લાગેલાં હતાં, જેમને સ્પીડ ઓછી કરવા માટે ફાયર કરવાનાં હતાં.

જ્યારે તે ઉપરથી નીચે આવે ત્યારે આ રૉકેટને નીચેથી ઉપર તરફ ફાયર કરવામાં આવે છે, જેથી સ્પીડને કંટ્રોલ કરી શકાય.

અંતમાં પાંચમું રૉકેટ લૅન્ડરની વચ્ચે લાગેલું હતું, જેનું કામ 400 મિટર ઉપર સુધી લૅન્ડરને ઝીરો સ્પીડમાં લાવવાનું હતું, જેથી તે સરળતાથી લૅન્ડ કરી શકે. પરંતુ આવું ન થયું.

મુશ્કેલી લગભગ બે કિલોમિટર ઉપરથી શરૂ થઈ ગઈ હતી.

સાત વર્ષ સુધી કેવી રીતે કામ કરશે?

ચંદ્રયાન-2

ઇમેજ સ્રોત, ISRO.GOV.IN

ઈસરોના પ્રમુખ કે. સિવને શનિવારે ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ચંદ્રયાન-2નું ઑર્બિટર સાત વર્ષ સુધી કામ કરી શકશે. જોકે લક્ષ્ય માત્ર એક વર્ષનું જ છે.

આ કેવી રીતે થશે, આ સવાલના જવાબમાં વૈજ્ઞાનિક ગૌહર રઝા કહે છે કે ઑર્બિટર, લૅન્ડર અને રૉવરના કામ માટે બે રીતની ઊર્જાની જરૂર હોય છે.

એક રીતની ઊર્જાનો ઉપયોગ ઉપકરણોને ચલાવવામાં કરાય છે. આ ઊર્જા ઇલેક્ટ્રોનિક ઊર્જા હોય છે. તેના માટે ઉપકરણો પર સોલર પૅનલ લગાવાય છે, જેથી સૂરજનાં કિરણોથી ઊર્જા મળી શકે.

બીજી ઊર્જાનો ઉપયોગ ઑર્બિટર, લૅન્ડર અને રૉવરની દિશા બદલવા માટે થાય છે. આ કામ ઈંધણ વિના પાર પાડી શકાતું નથી.

આપણા ઑર્બિટરમાં હજુ પણ ઈંધણ છે અને એ સાત વર્ષ સુધી કામ કરી શકશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો