કાશ્મીર પર અજિત ડોભાલ કેટલા સાચા, કેટલા ખોટા? વિશ્લેષણ

અજિત ડોભાલ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

"મને સંપૂર્ણ ભરોસો છે કે કાશ્મીરમાં બહુસંખ્યક વસ્તી અનુચ્છેદ 370ને હઠાવવાના પક્ષમાં છે. માત્ર કેટલાક લોકો વિરોધમાં છે. લોકોને એવું લાગે છે કે આ સામાન્ય લોકોનો અવાજ છે. આ સંપૂર્ણ સત્ય નથી. કાશ્મીરમાં સેના તરફથી કોઈ ઉત્પીડનનો સવાલ જ પેદા થતો નથી. શાંતિ જાળવવા માટે જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષાબળ તહેનાત છે. ભારતીય સેના ત્યાં માત્ર આતંકવાદ સામે લડવા માટે મોજૂદ છે."

આ વાત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે શનિવારે કહી હતી.

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને હઠાવ્યા બાદનો માહોલ અને તેના અગાઉ સ્થાનિક નેતાઓને નજરકેદ રાખવાના નિર્ણયથી કેન્દ્રની મોદી સરકાર પર સતત સવાલો થઈ રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં સંચારસેવાઓ પર પ્રતિબંધ અને સેના દ્વારા કાશ્મીરીઓ પર દમનના આરોપો વચ્ચે અજિત ડોભાલે શનિવારે પત્રકારો સામે કાશ્મીર સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર વાત કરી.

ડોભાલે કહ્યું કે પાકિસ્તાનમાં સક્રિય કેટલાંક સમૂહ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના કોઈ પણ નેતા સામે કોઈ ચાર્જ કે રાજદ્રોહનો કેસ નથી કરવામાં આવ્યો.

સાવચેતીના ભાગરૂપે તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે અને જ્યાં સુધી લોકતંત્ર માટે યોગ્ય માહોલ ન બને ત્યાં સુધી તેઓ કેદમાં જ રહેશે.

ડોભાલે કહ્યું કે કેટલાક લોકોને સાવચેતીના ભાગરૂપે નજરકેદ રાખવામાં આવ્યા છે. જો જનસભાઓ થઈ હોત તો આતંકવાદીઓ તેનો ફાયદો ઉઠાવી શક્યા હોત અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી હોત.

કાશ્મીરીઓની સ્થિતિ અંગે અજિત ડોભાલનાં આ નિવેદનોનો અર્થ શો છે અને તેની દૂરગામી અસર શી થઈ શકે છે?

આ વિશે બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશે વરિષ્ઠ પત્રકાર ભરત ભૂષણ સાથે વાત કરી. વાંચો તેમનું વિશ્લેષણ:

line

'કાશ્મીરી નેતા સરકારનાં ગુણગાન નહીં ગાય'

સુરક્ષાકર્મી

ઇમેજ સ્રોત, Getty Images

અજિત ડોભાલ જમ્મુ-કાશ્મીરના નેતાઓને નજરકેદ કરવાના અને તેમની અટકાયત કરવાનાં પગલાંને યોગ્ય ઠેરવી રહ્યા છે અને આ નિર્ણયને સાચો ઠેરવવાની નોખીનોખી દલીલો આપી રહ્યા છે, પરંતુ તેમની દલીલોમાં દમ નથી.

ડોભાલ કહે છે કે જો સ્થાનીય નેતાઓએ જનસભા કરી હોત તો આતંકવાદીઓ તેનો ફાયદો ઉઠાવી શક્યા હોત.

પણ એવું લાગે છે કે જે લોકોએ છેલ્લાં 70 વર્ષથી ભારતનો તિરંગો ઉઠાવી રાખ્યો હતો, તેમને જેલમાં બંધ કરીને તેમને પણ આતંકવાદી કૅમ્પમાં નાખી દીધા છે.

જ્યારે આ નેતાઓ બહાર આવશે ત્યારે વર્તમાન સરકારનાં ગુણગાન ગાતાં બહાર નહીં આવે. તેઓ કાશ્મીરના એવો લોકો સાથે ઊભા રહેશે કે જેઓ એ વાતે ક્રોધિત છે કે તેમના રાજ્યનો વિશેષ દરજ્જો અચાનક છીનવી લેવાયો અને તેમને છેલ્લા એક મહિનાથી ઘરોમાં બંધ કરી રખાયા છે.

કાશ્મીરના લોકોને એક રીતે કેદી બનાવી રાખ્યા છે. તેમને મોબાઇલ, ટેલિફોન અને ઇન્ટરનેટ બધાંથી દૂર રાખ્યા છે.

આ બધાને યોગ્ય ઠેરવવા માટે ગમે તમે તે દલીલ આપી શકો છો, પરંતુ સવાલ એ છે કે લોકો તેના પર કેટલો વિશ્વાસ રાખશે.

line

અલગ છે ભારતનો સંઘવાદ

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ડોભાલે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ભેદભાવપૂર્ણ બતાવ્યો, પરંતુ સાચું તો એ છે કે ભારતનો સંઘવાદ 'ઍસેમેટ્રિક' છે.

એટલે કે તામિલનાડુ સાથે થાય એવો વ્યવહાર ઉત્તરપ્રદેશ સાથે નથી થતો અને જેવો વ્યવહાર નાગાલૅન્ડ સાથે થાય છે એવો દિલ્હી સાથે નથી થતો. આ રીતના સંઘવાદનું એક ઉદાહરણ અનુચ્છેદ 370 પણ હતું.

ભાજપ દરેક રાજ્યોને એક ચશ્માંથી જુએ છે. ભલે તેમનો ઇતિહાસ અલગ હોય, ભલે ભારતમાં તેમના વિલયની પૃષ્ઠભૂમિ અલગઅલગ કેમ ન હોય.

પોતાના વિશ્લેષણમાં ભાજપ કહે છે કે તેઓ તેમની રીતે યોગ્ય છે, પરંતુ જે રીતે ભારતનું બંધારણ ઘડાયું, જે સંદર્ભે જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો બન્યું, એ સંદર્ભને ધ્યાને રાખીએ તો ડોભાલ જે કહી રહ્યા છે એ ખોટું છે.

line

ડોભાલે જાણે કે અમેરિકાને જવાબ આપ્યા

મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

અજિત ડોભાલે પત્રકારો વચ્ચે જે મુદ્દાઓ પર વાત કરી એ બધા મુદ્દાઓ અમેરિકન વિદેશમંત્રાલય તરફથી ઉઠાવવામાં આવ્યા છે.

અમેરિકન વિદેશમંત્રાલયે શુક્રવારે ભારત પ્રશાસિત કાશ્મીરને લઈને એક નિવેદન જાહેર કર્યું હતું.

અજિત ડોભાલે પોતાના નિવેદનમાં અમેરિકાનો ઉલ્લેખ ન કર્યો, પરંતુ એ બધા સવાલોના જવાબ આપ્યા જે અમેરિકન વિદેશમંત્રાલયે પૂછ્યા હતા.

અજિત ડોભાલ એક રીતે અમેરિકાને જ જવાબ આપી રહ્યા હતા.

અજિત ડોભાલે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ થશે. તેમણે કાયદાકીય રીતે એ પણ જણાવવું જોઈએ કે સ્થિતિ ક્યારે સામાન્ય થશે.

હાલની સ્થિતિ જોતાં એવું નથી લાગતું કે સરકાર અહીં આગામી છ મહિનામાં કે એક વર્ષમાં ચૂંટણી કરાવવાની સ્થિતિમાં હશે.

line

લોકતંત્રમાં નેતા 'નિયુક્ત' નથી કરાતા

સુરક્ષાકર્મી

ઇમેજ સ્રોત, Getty Images

અજિત ડોભાલ કહે છે કે કાશ્મીરમાં ધાર્યા કરતાં વધુ ઝડપથી સ્થિતિ સામાન્ય થઈ રહી છે, પરંતુ શું નેતાઓને જેલમાં બંધ કરવાથી સ્થિતિ સામાન્ય થશે?

પોલીસના દંડાથી સ્થિતિ સામાન્ય થશે કે મોબાઇલ-ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવાથી?

લોકતંત્રમાં સ્થિતિ સામાન્ય કરવા માટે 'સેફ્ટી વૉલ્વ્સ'ની જરૂર હોય છે, જે નેતાઓ બને છે.

તેઓ લોકો વચ્ચે જાય છે, તેમની સાથે બેઠક કરે છે. ભલે તેઓ ભારત સરકાર વિરુદ્ધ નારા પોકારે, પરંતુ તમારે એ સેફ્ટી વૉલ્વને આધારે જ સ્થિતિ સામાન્ય કરવી પડશે.

પરંતુ વર્તમાન સરકાર જમ્મુ-કાશ્મીરને નેતૃત્વને ખતમ કરીને એક નવું નેતૃત્વ પેદા કરવા માગે છે.

સરકારને લાગે છે કે તેઓ નેતા 'નિયુક્ત' કરી લેશે, પરંતુ લોકતંત્રમાં નેતા નિયુક્ત નથી કરાતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.