જસપ્રીત બુમરાહની એ એક ખાસ વાત જે એમને ક્રિકેટ જગતમાં ટોચ પર લઈ ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શિવેન્દ્રકુમાર સિંહ
- પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
લાઈન, લૅન્થ, સ્પીડ, યૉર્કર, બાઉન્સર, ઇનસ્વિંગ, આઉટસ્વિંગ ઝડપી બૉલિંગમાં આ તમામ હથિયારથી સજ્જ જસપ્રીત બુમરાહ આ સમયે દરેક રીતે દુનિયાના નંબર-વન બૉલર છે.
કિંગ્સટન ટેસ્ટમાં તેમણે જે રીતે ધારદાર અને આક્રમક અંદાજમાં બૉલિંગ કરી તેનાથી એ વાત ફરી સ્પષ્ટ થઈ છે. આ જ મૅચમાં તેમણે કરિયરની પહેલી હેટ્રિક પણ લીધી હતી.
ઇનિંગ્સની આઠમી ઓવરમાં જ ડેરેન બ્રાવો, બ્રુક્સ અને રૉસ્ટન ચૅઝને આઉટ કરીને બુમરાહે વેસ્ટ ઇન્ડીઝને બેકફૂટ પર ધકેલી દીધું.
આ પહેલાં એન્ટિગા ટેસ્ટની બીજી ઇનિંગમાં તેમણે જે અંદાજમાં વિન્ડીઝના ખેલાડીઓને 'બૉલ્ડ' કર્યા હતા, આ જોઈને દુનિયાના મોટામાં મોટા બૅટ્સમૅન ભયમાં આવી જશે.
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આ જોવું સુખદ રહેશે કે જે વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે ક્યારેક ભારતીય બૅટ્સમૅન ડરીને રમતા હતા તે વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન ભારતીય બૉલરોની આગળ નાના લાગી રહ્યા છે.
ભારતીય ઝડપી બૉલરોએ પહેલી ટેસ્ટ મૅચમાં 18 અને બીજીમાં 19 વિકેટ લીધી હતી.
બુમરાહના સંદર્ભમાં આ વાતનું મહત્ત્વ એટલા માટે છે કે ગત એક વર્ષથી તેમને ભારતીય ઝડપી બૉલિંગના કૅપ્ટન માનવામાં આવે છે.
પહેલી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગ્સમાં 6 વિકેટ લેનાર અને હાલની ભારતીય ટીમના સૌથી અનુભવી બૉલર ઈશાંત શર્માએ કહ્યું હતું કે તેમને બુમરાહની સલાહથી ઘણો ફાયદો થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૅટિંગ યુનિટના 'લીડર'ની જવાબદારી જેમ વિરાટ કોહલીને મળી છે તેમ બુમરાહ બૉલિંગ યુનિટના 'લીડર' છે.

બુમરાહની ખાસિયત

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
જસપ્રીત બુમરાહની બૉલિંગની સૌથી ખાસ વાત છે તેમના 'ક્લિયર થૉટ્સ'. એટલે સ્પષ્ટ સમજણ ધરાવે છે.
બૉલ નાખતાં પહેલાં જ્યારે તે પોતાના બૉલિંગ માર્ક પર પહોંચે છે ત્યારે તેમના મગજમાં કોઈ પ્રકારનો ભ્રમ રહેતો નથી.
તેઓ 'ડબલ માઈન્ડેડ' હોતા નથી. તેઓ 'ઓવર કોન્ફિડન્સ'નો ભોગ નથી બન્યા. જોકે તેમને પોતાની નબળાઈઓનો અહેસાસ પણ છે.
ટેસ્ટ ક્રિકેટથી લઈને ટી-20 ફૉર્મેટની બૉલિંગ માટે તેમની પાસે અલગઅલગ પ્લાન છે.
તેમનામાં શીખવાની ક્ષમતા જબરજસ્ત છે. વિવિધ ફૉર્મેટ અને વિવિધ પિચ પર કેવા પ્રકારની બૉલિંગ અસરકારક રહેશે એ વાતને તેઓ દરરોજ શીખે છે.
આ જ કારણ છે કે તે ત્રણેય ફૉર્મેટમાં આ સમયે ટીમ ઇન્ડિયાના સૌથી જબરજસ્ત બૉલર છે. વન ડે ક્રિકેટમાં તે લાંબા સમયથી આઈસીસી રૅન્કિંગમાં દુનિયામાં પહેલા નંબરે છે.
ટેસ્ટ ક્રિકેટમાં સાતમા ક્રમે હતા અને નવા જાહેર થયેલા રૅન્કિંગ મુજબ ત્રીજા ક્રમે આવી ગયા છે.
વર્લ્ડ કપ પછી ટીમ મૅનેજમૅન્ટે તેમને વેસ્ટ ઇન્ડીઝની સામે રમાયેલી ટી-20 અને વન ડે સિરીઝમાંથી આરામ આપ્યો હતો.
ટેસ્ટ સિરીઝમાં બુમરાહ પરત ફરીને નવા જોશથી બૉલિંગ કરી.

બુમરાહનો ટીમમાં હોવાનો અર્થ

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
વિરાટ કોહલીએ હાલમાં જ કહ્યું હતુ કે તેમને ફાસ્ટ બૉલરના 'વર્કલૉડ' વિશે વિચારવું પડશે. તેમના આ નિવેદનને 2018માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરઆંગણે યોજાયેલી સિરીઝને ધ્યાનમાં રાખીને વિચારો.
તમને યાદ કરાવી દઈએ કે ગત વર્ષે ઑક્ટોબરમાં ટી-20 પહેલાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝની સામે વન ડે સિરીઝ રમી રહી હતી.
વન ડે સિરીઝની શરૂઆતની મૅચમાં જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર બંનેને આરામ આપવામાં આવ્યો હતો.
શરૂઆતની બે મૅચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ત્રણસો રનની નજીક પહોંચી હતી. આમાંથી એક મૅચમાં તો 'ટાઈ' પડી હતી.
આ પછી સિરીઝની બાકી બચેલી મૅચ માટે બુમરાહ અને ભુવનેશ્વરને પરત બોલાવવામાં આવ્યા છે.
બુમરાહ મેદાનમાં પરત ફર્યા, પહેલી મૅચમાં 10 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ લીધી. તે મૅચમાં ભારતીય ટીમ હારી ગઈ, પરંતુ 5 મૅચની સિરીઝ ભારતીય ટીમે 3-1થી જીતી લીધી હતી.
વન ડે સિરીઝની બાકી રહેલી મૅચમાં તેમણે 6 વિકેટ લીધી. મોટી વાત એ હતી કે ત્રણે મૅચમાં તેમનો ઇકૉનૉમી રેટ 2.95નો રહ્યો.

ઍક્શનને જ બનાવ્યું પોતાનું હથિયાર

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
બુમરાહની બૉલિંગ સ્ટાઈલ ઘણી અલગ છે. તે 'સ્લિંગ આર્મ'થી બૉલિંગ કરે છે.
કરિયરના શરૂઆતના દિવસોમાં તેમની 'લિમિટેશન' હતી કે તેઓ જમણેરી બૅટ્સમૅન સામે બૉલને બહાર કાઢી શકતા નહોતા.
તેમની પાસે આઉટસ્વિંગ નહોતો. બુમરાહે આ નબળાઈને સમજી અને નૅટ્સમાં નવા પ્રકારની તૈયારી કરી. જલદી જ તેઓ પોતાના આક્રમણમાં 'આઉટસ્વિંગ'ને લઈને પણ આવ્યા.
આ એક એવો 'મૂવ' હતો જેનાથી દુનિયાભરના બૅટ્સમૅન દંગ રહી ગયા. 'સીમ' અને 'ઇનસ્વિંગ'માં જસપ્રીત બુમરાહની પકડ અગાઉથી મજબૂત હતી.
તેમના સટીક 'યૉર્કર'ના વખાણ તો દુનિયાના દરેક બૉલર કરે છે. બુમરાહે હાલના દિવસોમાં પોતાના શૉર્ટ બૉલ પર પણ જબરજસ્ત મહેનત કરી છે.
તેમના શૉર્ટપિચ બૉલની 'ઍક્યુરસી' જબરજસ્ત હોય છે. તેમના શૉર્ટપિચ બૉલથી બચવું બૅટ્સમૅન માટે સરળ નથી.
બુમરાહનું ટીમમાં હોવું એ ભારતીય ક્રિકેટના સૌથી સકારાત્મક સમયને દર્શાવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















