Zomato હડતાળ : 'અમારી ધાર્મિક ભાવના વિરુદ્ધ બીફ અને પોર્કની ડિલિવરી કરવા મજબૂર કરાય છે'

ઇમેજ સ્રોત, Sanjay Das
- લેેખક, પ્રભાકર એમ.
- પદ, કોલકાતાથી બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
ઑનલાઇન ફૂડ ઑર્ડર લઈને ડિલિવરી કરતી કંપની ઝોમૅટોનો વિવાદોથી પીછો છૂટી નથી રહ્યો.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પાસેના હાવડા જિલ્લામાં ડિલિવરી કરતા કર્મચારીઓ વેતન વધારવાની માગ સાથે છેલ્લા એક અઠવાડિયાથી આંદોલન કરી રહ્યા છે અને હવે બીફ એટલે કે ગોમાંસ અને પોર્ક એટલે કે ભૂંડના માંસની ડિલિવરી નહીં કરવા પર અડગ છે.
ડિલિવરી કરી રહેલા સાડા ચારસો જેટલા કર્મચારીઓએ સોમવારથી અનિશ્ચિતકાળની હડતાળ શરૂ કરી છે.
બીજી તરફ ઝોમૅટોએ નિવેદનમાં કહ્યું છે કે હાવડામાં 'કેટલાક કર્મચારીઓએ કેટલાક મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમની સાથે વાતચીત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.'
આ વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે પણ કંપની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે કોઈને પણ તેમની ધાર્મિક ભાવનાઓ વિરુદ્ધ કામ કરવા માટે મજબૂર કરી ન શકાય.

ઇમેજ સ્રોત, AFP
ગત દિવસોમાં મધ્ય પ્રદેશના જબલપુરમાં રહેતા અમિત શુક્લા નામના એક ગ્રાહકે ઝોમૅટો તરફથી ડિલિવરી કરતા એક મુસ્લિમ કર્મચારીના હાથે ભોજન લેવાનો ઇનકાર કરતાં પોતાનો ઑર્ડર રદ કરી દીધો હતો.
આ ઘટનાને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારે કંપનીએ તેમના કર્મચારીઓનો પક્ષ લેતા એક ટ્વીટમાં કહ્યું, 'ભોજનનો કોઈ ધર્મ હોતો નથી, તે પોતે જ એક ધર્મ છે.'
ત્યારબાદ ઝોમૅટોના સમર્થકોની સંખ્યા આશ્ચર્યજનક રીતે વધી ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હડતાળ કરનાર કર્મચારીઓનું કહેવું છે કે તેઓ ગાય અને ભૂંડનું માંસ ડિલિવરી કરવા માગતા નથી.
એક ડિલિવરી કર્મચારીએ કહ્યું, "વારંવાર કહેવા છતાં કંપની અમારી માગણીઓ સાંભળતી નથી અને અમને અમારી ઇચ્છા વિરુદ્ધ આ ચીજોની ડિલિવરી કરવા માટે મજબૂર કરાઈ રહ્યા છે. એવામાં અમારી પાસે હડતાળ સિવાય કોઈ વિકલ્પ બચતો નથી."

શું છે ફરિયાદ?

ઇમેજ સ્રોત, Sanjay Das
ઝોમૅટોના કર્મચારીઓએ તેમની માગના સમર્થનમાં રવિવારે પ્રદર્શન પણ કર્યું હતું.
એક કર્મચારી સુજિત કુમાર ગુપ્તા કહે છે, "અમે એક અઠવાડિયાથી બીફ અને પોર્કની ડિલિવરીનો વિરોધ કરી રહ્યા છે. અમને અમારી ઇચ્છા અને ધાર્મિક ભાવનાઓ વિરુદ્ધ બીફની ડિલિવરી કરવા મજબૂર કરાય છે."
એક અન્ય ડિલિવરી કર્મચારી મોહસિન અખ્તર કહે છે, "પોર્કની ડિલિવરી કરવી એ અમારી ધાર્મિક ભાવનાઓ વિરુદ્ધ છે. અમને નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ કે જે ખોરાક અમારા ધર્મને પ્રતિકૂળ છે એની ડિલિવરી કરવી કે નહીં."

'કપાતથી પરેશાન કર્મચારી'

ઇમેજ સ્રોત, Sanjay Das
આ કર્મચારીઓએ ડિલિવરી પર મળતી રકમ વધારવાની માગ કરી છે.
અખ્તર કહે છે, "પહેલાં અમને દરેક ડિલિવરી પર 80 રૂપિયા મળતા હતા, જેને બે મહિના પહેલાં 60 કરી દેવાયા હતા. જોકે હાલમાં આ રકમ 25 રૂપિયા કરી દેવાઈ છે."
"આમાંથી જ અમારે અમારાં સ્કૂટર અને મોટરસાઇકલના પેટ્રોલનો ખર્ચ કાઢવાનો હોય છે અને જે પછી અમારા હાથમાં કંઈ જ બચતું નથી."
હડતાળ કરનાર કર્મચારીઓનું કહેવું છે કે આ સમસ્યાની શરૂઆત ઑગસ્ટના પહેલાં અઠવાડિયામાં થઈ.
કંપનીએ એ વખતે કેટલીક નવી હોટલ અને રેસ્ટોરાંને પોતાની યાદીમાં સામેલ કરી હતી.
પણ ત્યાંથી આવતા ઑર્ડર્સમાં 'બીફ હોવાના કારણે હિંદુ કર્મચારીઓએ એની ડિલિવરી કરવાનો ઇનકાર કરી દીધો હતો.'
આ અંગે મૅનેજમૅન્ટને જાણ કરવામાં આવી, પણ મૅનેજમૅન્ટે તેમને ડિલિવરી કરવા માટે મજબૂર કર્યા.
સુજિત કહે છે, "અમને કામમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવી. એ જ રીતે ભૂંડનાં માંસવાળા ખોરાકની ડિલિવરી કરવાનો મુસ્લિમ કર્મચારીઓએ ઇનકાર કરી દીધો."
"પણ કંપનીનું વલણ એવુંને એવું જ રહ્યું. એ પછી જ કંપનીએ હડતાળ કરવાનો નિર્ણય કર્યો."
અન્ય એક કર્મચારી બજરંગનાથ વર્મા કહે છે, "જે થેલામાં ગ્રાહકોને બીફની ડિલિવરી કરું છું, એને ઘરે લઈ જવો પડે છે. એનાથી મારી ધાર્મિક ભાવનાઓને દુભાય છે."

કર્મચારીઓને મળ્યું સમર્થન

ઇમેજ સ્રોત, Sanjay Das
રાજ્યના સિંચાઈમંત્રી રાજીવ બેનર્જીએ આ મામલા અંગે કહ્યું કે કોઈને પણ બળજબરીપૂર્વક ધર્મવિરોધી કામ કરવા માટે મજબૂર ન કરી શકાય. આ યોગ્ય નથી.
મંત્રી કહે છે, "આ મામલો મારા ધ્યાને આવ્યો છે અને આ અંગે જરૂરી પગલાં લેવાશે."
એક અન્ય મંત્રી અરૂપ રાયે પણ આ મામલામાં કર્મચારીઓનું સમર્થન કરતાં કંપની સમક્ષ આ મામલો ઉઠાવાનો ભરોસો આપ્યો છે.

ઝોમૅટો આ અંગે શું કહે છે?
બીજી તરફ ઝોમૅટોએ આ મુદ્દે એક નિવેદનમાં કહ્યું છે, "ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં શાકાહારી અને માંસાહારી ખોરાકની ડિલિવરી માટે અલગ-અલગ તંત્ર ગોઠવવું શક્ય નથી."
"અમારી સાથે જોડાયેલા તમામ લોકો આ વાતને સમજે છે. હાવડામાં કેટલાક કર્મચારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. વાતચીત થકી સમસ્યાનું નિરાકરણ લાવવાન પ્રયાસ કરાઈ રહ્યો છે."
કંપનીએ કહ્યું છે કે કોલકાતા સહિત રાજ્યનાં અન્ય શહેરોમાં ઝોમૅટોની સેવા યથાવત્ છે.

બુદ્ધિજીવીઓની ચિંતા

ઇમેજ સ્રોત, Sanjay Das
પોલીસ પણ આ મામલાનું નિરીક્ષણ કરી રહી છે.
હાવડાના સહાયક પોલીસ કમિશનર (ઉત્તર) પ્રતીક્ષા જાજરિયા કહે છે, "આ મામલે અમને કોઈ ફરિયાદ મળી નથી. હાલમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કોઈ સમસ્યા નથી."
જ્યારે બુદ્ધિજીવીઓએ સમાજમાં વધી રહેલી ધાર્મિક સહિષ્ણુતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કવિ શીર્ષેંદુ મુખરજી કહે છે, "આ માહોલ ભાવિ પેઢી માટે ખતરનાક છે. હવે એ દિવસ પણ દૂર નથી કે જ્યારે લોકો જાતિ-જ્ઞાતિ જોઈને ડૉક્ટર પાસે ઇલાજ કરાવશે."
અન્ય એક સાહિત્યકાર અબુલ બશર કહે છે, "આ નફરત ખોરાક નહીં પણ માણસ પ્રત્યે છે. આવી ઘટનાઓ સમાજમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતાનો પુરાવો છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















