અનુચ્છેદ 370 નાબૂદી : 'ભાજપે યોગ્ય સમયે લોકલાગણીને સાધી છે' - દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, અદ્વૈતા કાલા
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
રાજ્યસભામાં પોતાના ઐતિહાસિક સંબોધનમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "અમને પાંચ વર્ષ આપી દો, અમે કાશ્મીરને દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવી આપીશું."
છેલ્લા કેટલાક દિવસથી લગાવવામાં આવી રહેલાં અનુમાનો, મીડિયા અને સોશિયલ મીડિયામાં ટીકાકારોની કાશ્મીરની પરિસ્થિતિ મામલે ભ્રમણાઓ અને આશંકાઓનું નિવારણ ગૃહમંત્રીએ પોતાના સુસ્પષ્ટ તર્કોથી લાવી દીધું.
ચૂંટણીઓના ચોક્કસ પરિણામો હોય છે અને ભારતના સત્તાધારી પક્ષ ભાજપનો હંમેશાંથી જ કલમ 370ને હટાવવાનો ઇરાદો રહ્યો છે.
જનસંઘ વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાય માનતા કે આ એક એવી કલમ છે કે જે કાશ્મીર રાજ્યના લોકોને રાષ્ટ્રીય અને ભાવનાત્મક એકતાની અનુભૂતિ પ્રતીત કરતા અટકાવતે છે.
સ્વતંત્રતાનાં 72 વર્ષ પછી લોકલાગણી, લોકોનાં મન અને મસ્તિષ્કમાં ભાગલાવાદની ભાવના ઉત્પન્ન કરતી કલમ 370ને હટાવવાના પક્ષમાં હતી.
(કેટલાક પક્ષોને બાદ કરતા) સત્તાપક્ષના વિરોધમાં હતી તેવી પાર્ટીઓએ પણ રાજકીય મતભેદોને કોરાણે મૂકી સરકારનું સમર્થન કર્યું.
દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નરનો વિરોધ કરી પૂર્ણ રાજ્યની માગણી કરતી આમ આદમી પાર્ટીએ પણ સરકારનું સમર્થન કર્યું.
તેણે પણ કહ્યું કે આતંકવાદનો સફાયો કરવા અને દેશની ભૌગોલિક અખંડતાને જાળવી રાખવા તેઓ પણ સરકારના નિર્ણયનું સમર્થન કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક સામાન્ય ભારતીય માટે આ ઐતિહાસિક દિવસે સંસદમાં થયેલી ચર્ચા એ વાતને સ્પષ્ટરૂપે રેખાંકિત કરી રહી હતી કે કયો રાજકીય પક્ષ કોની સાથે ઊભો છે.
જનતા દરેકને પારખી રહી હતી એવું પણ કહી શકાય.

રસ્તાનો કાંટો

ઇમેજ સ્રોત, EPA
કૉંગ્રેસના ચીફ વ્હિપ ભુવનેશ્વર કલિતાએ એમ કહીને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું કે, કૉંગ્રેસ દ્વારા આ કલમ હટાવવાનો વિરોધ રાષ્ટ્રીય ભાવનાથી વિપરીત અને આત્મઘાતી છે.
કેવી રીતે માત્ર સાત ટકા ભૂમિ ભાગના મુદ્દાને સંપૂર્ણ રાજ્યનો મુદ્દો બનાવી દેવામાં આવે છે એ વાતને અવગણીને લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરને એક વિવાદ કે સમસ્યાની જેમ રજૂ કરવામાં આવે છે.
આખો ઘટનાક્રમ હોબાળા અને વિવાદાસ્પદ શબ્દોથી ભરપૂર રહ્યો છે.
ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 બ્રિટિશ ઇન્ડિયાના કોઈ ભૂમિ ભાગની સ્વતંત્રતા તરફ ઇશારો નથી કરતો.
પરંતુ બે અલગઅલગ અને સ્વતંત્ર ભૂમિ ભાગો ભારત અને પાકિસ્તાનની સ્થાપનાની વાત કરે છે, જેનું સ્વરૂપ બ્રિટિશ ઇન્ડિયા અને હકૂમત અંતર્ગત આવતા ભૂમિભાગ અને તેના લોકો લેશે.
આઝાદી અગાઉની તમામ ચર્ચાઓમાં સક્રિય ભૂમિકા નિભાવનાર મહારાજા હરિ સિંહે ક્યારેય સ્વતંત્રતાનો કોઈ દાવો નથી કર્યો.
બંધારણસભાની ચર્ચા દરમિયાન જમ્મુ-કાશ્મીરના ચાર સભ્યોએ ભાગ લીધો અને અન્ય શાસકોની જેમ જ મહારાજા હરિ સિંહે ભારતીય બંધારણનું પાલન કરી હસ્તાક્ષર કર્યા.
કલમ 370 લાંબા સમયથી ભારતીય એકતા અને કાશ્મીરને ભારતને અખંડરૂપે જોડવાના રસ્તામાં કાંટો બની રહી હતી.
આ વિશેષાધિકારે ખીણની પરિસ્થિતિઓને સુધારવા માટે ભાગ્યે જ કંઈક કર્યું છે અને રાજ્યના બીજા ભાગ જમ્મુ અને લદ્દાખને પણ પાછળ લઈ જવાનું કામ કર્યું છે.

ભેદભાવ

ઇમેજ સ્રોત, EPA
કાશ્મીર 'સમસ્યા'એ રાજ્યમાં વિકાસ અને અધિકારની બધી વાતો પર ગ્રહણ લગાવી દીધું હતું.
તેનો ઉપયોગ શ્રીનગરના સત્તાધારીઓ દ્વારા પોતાની માગણીઓની પૂર્તિ માટે અને કેન્દ્રને બંદી બનાવવા માટે કરવામાં આવતો હતો.
અમિત શાહે સંસદમાં કહ્યું એમ માત્ર ત્રણ પરિવારો દ્વારા ખીણનું ભવિષ્ય નિર્ધારિત થતું રહ્યું. આ પ્રક્રિયામાં તેઓ પોતે તો સંપન્ન થયા, પરંતુ સામાન્ય જનતાને લાભથી વંચિત રહી.
વર્ષ 2016માં કરાવવામાં આવેલા એક નાણાકીય વિશ્લેષણ અનુસાર રાજ્યોને અપાતી કુલ કેન્દ્રીય સહાયનો 10% ભાગ જમ્મુ-કાશ્મીરને પ્રાપ્ત થયો હતો.
જ્યારે કુલ કેન્દ્રીય સહાયમાં વર્ષ 2000થી 2016ના સમયગાળાની વચ્ચે દેશમાં સૌથી વધારે વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશનો હિસ્સો માત્ર 8.2% હતો.
કાશ્મીરને મળતી સહાય પ્રતિવ્યક્તિ 91,300 રૂપિયા હતી ત્યાં બીજી તરફ ઉત્તર પ્રદેશ માટે આ રકમ માત્ર 4300 રૂપિયા પ્રતિવ્યક્તિ હતી.
આ અસંતુલનને માત્ર વિશેષ પરિસ્થિતિઓનો હવાલો આપીને સમજાવી ન શકાય.
જ્યારે કેન્દ્રીય મહાલેખાધિકારીએ એ ઉલ્લેખ કર્યો હતો કે ઑડિટ દરમિયાન સંબંધિત પ્રશ્નોના રાજ્ય સરકાર તરફથી નિયમિત રૂપે જવાબ મળી શકતા નહોતાં.
એક તરફ જ્યાં જમ્મુ અને કાશ્મીરમાં નાણાકીય અનિયમિતતાઓ રહી છે ત્યાં બીજી તરફ ભેદભાવ પણ થતો રહ્યો છે.
કાશ્મીરી મહિલા કે જે રાજ્યની બહાર લગ્ન કરે છે તેને ઉત્તરાધિકાર અને સંપત્તિ સંબંધિત કોઈ પણ અધિકાર પ્રાપ્ત નહોતાં.
એપ્રિલ 2019માં જમ્મુમાં વાલ્મીકિ સમુદાયે સમાનતાને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવી પડી હતી.
અધિકારોના આ સંઘર્ષને પ્રચલિત કથાનકોમાં ક્યાંય સ્થાન પ્રાપ્ત થઈ શક્યું નથી.
તો કાશ્મીરના સંબંધમાં બહુસંખ્યક ભાવનાઓ 'કાશ્મીર સમસ્યા'વાળા તર્કની આસપાસ સમેટાઈ જાય છે.
સાથે જ કાશ્મીરી પંડિતોના ખીણમાંથી થયેલા વિસ્થાપન પર માનવાધિકાર ક્ષેત્રમાં કોઈ પડઘો સાંભળવા નથી મળ્યો.

લોકલાગણીને અનુરૂપ

ઇમેજ સ્રોત, EPA
ભાજપ દ્વારા યોગ્ય સમયે લોકલાગણીને સાધી લેવામાં આવી છે કે જે તીવ્ર રૂપે કલમ 370ને હટાવવાના પક્ષમાં હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકી ગતિવિધિઓમાં ઘટાડો નોંધાયો છે.
સંસદમાં કાશ્મીરમાં સેના મોકલવાનો વિચિત્ર રીતે વિરોધ કરનાર ગુલામ નબી આઝાદે પણ આ વાતને સ્વીકારી હતી.
એ સ્પષ્ટ છે કે કલમ 370થી આતંકવાદ રોકવામાં કોઈ મદદ મળી શકી નથી.
પરંતુ તેનાથી ખીણમાં અસંતોષ ફેલાતો હતો, જેનું રાજ્યના નૅરેટિવ પર અસંતુલિત નિયંત્રણ રહેતું.
જોકે, એ કહેવું અયોગ્ય હશે કે આ માત્ર એક લોકલાગણીનો લોભામણો નિર્ણય છે.
ભાજપ અને તેનું પૂર્વવર્તી જનસંઘ કલમ 370 હટાવવા મામલે તેમની સરકાર પણ નહોતી ત્યારથી દૃઢ રહ્યા છે અને તેમણે એ જ કર્યું.
એ શક્ય છે કે પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું છે એમ રાજ્યની પાર્ટીઓ દ્વારા આ પગલાંને પડકાર આપવામાં આવશે, પરંતુ એ પણ નિશ્ચિત છે કે આ પગલું સમજી વિચારીને અને સલાહ લઈને ઉઠાવવામાં આવ્યું છે.
આ પગલાનો દેશની સુપ્રીમ કોર્ટમાં પણ બચાવ કરી લેવામાં આવશે.
અંતે એ કહી શકાય છે કે આ એક એવું પગલું છે કે જેની લાંબા સમયથી માગ હતી. આ પગલું લેવા માટે માત્ર રાજકીય ઇચ્છા અને સાહસ જ નહીં, અપ્રતિમ દૃઢનિશ્ચયની જરૂર હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
(અદ્વૈતા લેખિકા સ્ક્રીનરાઇટર અને સ્તંભકાર છે. આ લેખિકાના અંગત વિચાર છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















