You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Zomatoના મુસ્લિમ ડિલિવરી બૉય પર સોશિયલ મીડિયા પર વિવાદ
તમે કઈ ઑનલાઇન ફૂડ ઍપથી ખાવાનું ઑર્ડર કરો છો? જો તમે કોઈ દિવસ ખાવાનું ઑર્ડર કરો અને તમને જાણ થાય કે ડિલિવરી બૉય બીજા ધર્મનો છે તો તમે શું કરશો?
ફૂડ ઍપ ઝોમેટો પર એક વ્યક્તિએ પોતાનો ઑર્ડર લેવાની ના પાડી કેમ કે ડિલિવરી બૉય મુસ્લિમ હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે.
અમિત શુક્લના નામના એક ટ્વિટર હૅન્ડલ પરથી 30 જુલાઈની સાંજે ટ્વીટ કરવામાં આવ્યું.
એમણે કહ્યું, "ઝોમેટોનો એક ઑર્ડર એટલે કૅન્સલ કર્યો કારણ કે તેમણે એક બિનહિંદુ વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યો હતો અને કહ્યું કે તેઓ તેને બદલી નહીં શકે અને કૅન્સલ કરવા પર રિફંડ પણ નહીં આપે. મેં કહ્યું કે હું જે ડિલિવરી નથી લેવા માગતો એ લેવા માટે તમે મને મજબૂર ન કરી શકો. રિફંડ ન આપો, બસ મારો ઑર્ડર કૅન્સલ કરો."
જવાબમાં ઝોમેટોએ લખ્યું કે, "ખોરાકનો કોઈ ધર્મ નથી હોતો, ખોરાક જ ધર્મ છે."
ઝોમેટોના આ જવાબ પર સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. બુધવારે #Zomato, #boycottzomato ટ્વિટર પર ટ્રૅન્ડમાં રહ્યું. #boycottzomato પર અનેક ટ્વીટ થઈ. અનેક લોકોએ #IStandWithAmit સાથે પણ ટ્વીટ કર્યું.
ઝોમેટોના ફાઉન્ડર શું બોલ્યા?
ઝોમેટોના સ્થાપક દીપેન્દ્ર ગોયલે પણ આ બાબતે ટ્વીટ કર્યું અને લખ્યું, "અમને ભારતના વિચાર અને અમારા સન્માનીય ગ્રાહકો અને સહયોગીઓના વૈવિધ્ય પર ગર્વ છે. અમને અમારાં મૂલ્યોની આડે ધંધો ગુમાવવાનો અફસોસ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
Uber Eats Indiaએ લખ્યું કે અમે આ બાબતે ઝોમેટોની સાથે છે.
ઋત્વિક પટેલે ટ્વીટ કર્યું છે, "ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઝોમેટોનો એક વ્યક્તિ ઢીંચણ સુધી પાણીમાં બાઇક ઢસડી રહ્યો છે, કદાચ તેનું બાઇક ખરાબ થઈ ગયું છે. તેણે ગ્રાહકને લોકેશન જાણવા ફોન કર્યો અને ખાવાનું ડિલિવર કર્યું."
@syedz1576 નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખવામાં આવ્યું હતું, "મુસ્લિમ લોકો સાથે જોડાયેલી પ્રૉડક્ટનો બહિષ્કાર કરવો હોય તો પેટ્રોલ, ડીઝલ, કૉફી, ટૂથબ્રશ, ઘડિયાળનો બહિષ્કાર કરો. જો બની શકે તો ઓક્સિજનનો પણ બહિષ્કાર કરો કારણ કે તેનો ઉપયોગ પણ 15 ટકા અપવિત્ર મુસ્લિમો કરે છે."
હર્ષ સોનીએ એક વીડિયો પોસ્ટ કર્યો.
આ ચર્ચામાં એ બીજો વિવાદ પણ જોડાયો. અનેક લોકોએ ટ્વીટ કર્યું કે અગાઉ જ્યારે એક મુસ્લિમ ગ્રાહકે હલાલ વિશે ઝોમેટોને ફરિયાદ કરી ત્યારે ઝોમેટોએ વિનમ્રતાથી તેમને જવાબ આપ્યો અને હિંદુ ગ્રાહકની ફરિયાદ પર યોગ્ય જવાબ ન આપ્યો.
અમુક લોકોએ મે મહિનામાં વાજિદ નામના એક વ્યક્તિની ફરિયાદ પર ઝોમેટોના જવાબનો સ્ક્રીનશૉટ શેર કર્યો અને ટ્વિટર પર #Halal ટ્રૅન્ડ થવા લાગ્યું.
એ ટ્વીટમાં વાજિદ નામની વ્યક્તિએ ઝોમેટો પાસેથી બિન-હલાલ ખાવાનું લેવાની ના પાડી હતી. આના જવાબમાં ઝોમેટોએ લખ્યું હતું કે અમે નહોતાં ઇચ્છતા કે તમારો અનુભવ આવો હોય અને ઑર્ડર નંબર આપો તો તેનું સમાધાર થઈ શકે.
ભરથ નામના ટ્વિટર યુઝરે ટ્વીટ કરીને ઝોમેટોના ટ્વીટ પર પ્રશ્નો કર્યા છે.
તેમણે લખ્યું છે, "જો કોઈ મુસ્લિમ પાસે ધાર્મિકરૂપે હલાલની પસંદગી કરવાનો વિકલ્પ હોય તો પછી હિન્દુ પાસે ધર્મના આધારે ફૂડ ડિલિવરી બૉય પસંદ કરવાનો વિકલ્પ કેમ ન હોય?"
હેમન્તપ્રતાપ સિંહે કહ્યું, "હું અમિતનું સમર્થન કરૂં છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો