You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રથયાત્રા : શારીરિક અને માનસિક તપાસમાં 14 હાથણી અને એક હાથી પાસ થયાં
- લેેખક, કલ્પિત ભચેચ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અનેક સાધુસંતો-મહંતો અને ભક્તો આ રથયાત્રામાં હોંશભેર જોડાય છે.
આ પહેલાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પરંપરાગત રીતે નેતૃત્વ કરનાર 16 હાથીઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રથયાત્રા પહેલાં હાથીઓનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે. આ વર્ષે રથયાત્રા માટે આસામથી હાથી લાવવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.
આ બાબત કોર્ટ સુધી ગઈ હતી અને આસામ સરકારે હાથીને ગુજરાત મોકલવાના પ્રસ્તાવને સ્થગિત કર્યો હતો.
શણગારેલા હાથીઓ રથયાત્રામાં સામેલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. દર વર્ષે અંદાજે 18 હાથી આ રથયાત્રામાં જોડાય છે.
મંદિરના ટ્રસ્ટના સદસ્યોના કહેવા પ્રમાણે મંદિર પાસે ચાર હાથી હતા, જેમાંથી ગત વર્ષે ત્રણ હાથીનાં મૃત્યુ થયાં હતાં.
કેવી રીતે મેડિકલ તપાસ થાય છે?
હાથીના મેડિકલ ચેક-અપમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને તપાસવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રથયાત્રામાં ગરદી વચ્ચે હાથીઓને ચાલવાનું હોઈ તપાસ જરૂરી હોય છે કે તેઓ ભીડ વચ્ચે માનસિક સંતુલન જાળવી શકશે કે કેમ?
અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને રાજ્યના ઍનિમલ હસબન્ડરી વિભાગની વેટરનરી ડૉક્ટરોની ટીમે હાથીઓની તપાસ કરી હતી.
ડૉક્ટરોએ 15 હાથીને રથયાત્રા માટે ફિઝિકલી ફિટ જાહેર કર્યા છે અને આ હાથીને રથયાત્રામાં સામેલ થવા માટે લીલીઝંડી મળી ગઈ છે.
પરંતુ છેલ્લાં નવ વર્ષથી રથયાત્રામાં ચાલતી અને લોકોનું ધ્યાન આકર્ષિત કરતી હાથણી બીજુમાલા સ્વાસ્થ્ય અને ઉંમરના કારણે રથયાત્રામાંથી આ વર્ષે રિટાયર કરી દેવાઈ.
આ અંગે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના નિયામક ડૉક્ટર આર. કે. સાહુએ કહ્યું, "હાથણી બીજુમાલાની અંદાજે ઉંમર 30 હોવાનું માનીએ છીએ."
"પરંતુ તેના એક પગમાં ઘા હોવાથી અને તેનું સ્વાસ્થ્ય પણ નબળું જણાતા તેને રથયાત્રામાંથી બાકાત રાખવામાં આવી છે"
હાથીઓ સાથે મેડિકલ ટીમ અને ટ્રાંક્વલાઇઝર ગન રહેશે
ઉલ્લેખનીય છે કે મંદિરના 16 હાથીમાંથી 15 માદા છે અને માત્ર એક જ નર છે.
રથયાત્રામાં ભાગ લેતા હાથીઓ અને લોકોની સુરક્ષા માટે હાથીઓ સાથે એક નિયંત્રણ ટીમ પણ હાજર રહે છે, જેમાં રાજ્યના ઍનિમલ હસબન્ડરી વિભાગ અને કાંકરિયા ઝૂના સદસ્યો હોય છે.
હાથીઓ લોકોની ભીડ જોઈને પરેશાન થઈને માનસિક સંતુલન પણ ગુમાવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ટ્રાંક્વલાઇઝર ગન પણ રાખવામાં આવે છે.
ડૉ. આર. કે. સાહુના જણાવ્યા પ્રમાણે 2015માં રથયાત્રામાં ભાગ લેનાર એક વ્યક્તિએ હાથીની સૂંઢ પર સિક્કો મૂકી દીધો હતો, સિક્કો નીચે પડ્યો અને હાથીનો પગ ચિરાઈ ગયો.
ડૉક્ટરોની ટીમે રથયાત્રા દરમિયાન તરત જ તેના પગની સર્જરી કરી હતી.
વિવાદ
ડૉ. સાહુ કહે છે, "લોકોએ કેળું, સિક્કો કે પછી અન્ય કોઈ વસ્તુ હાથીની સૂંઢ પર ન મૂકવી જોઈએ, કારણ કે તે તેના શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ હોય છે અને આ તેના માટે એક ટૉર્ચર હોય છે."
હાલમાં મંદિર પરિસરમાં કુલ 17 હાથીઓ છે, જેમાંથી 16 હાથી વિવિધ અખાડાની માલિકીના છે.
આ વર્ષે રથયાત્રામાં ચાર હાથી આસામથી લાવવાની વાત પર વિવાદ થયો હતો.
મંદિરના હાથીઓમાંથી એકનું મૃત્યુ થતા આસામથી હાથીઓ મંગાવ્યા હતા.
પરંતુ જીવદયા માટે કામ કરતી સંસ્થા પીપલ ફૉર ધી ઍથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ (PETA)એ હાથીઓને આસામથી ગુજરાત લાવવાની ટીકા કરી હતી.
એ સમયે મંદિર પ્રશાસને કહ્યું હતું કે હાથીઓને પૂજાના હેતુથી લાવવામાં આવી રહ્યા છે. તેમને રથ સાથે જોડવામાં નહીં આવે એવું પણ પ્રશાસને જણાવ્યું હતું.
જોકે, આસામ સરકારે હાથીને ગુજરાત મોકલવાનો પ્રસ્તાવ સ્થગિત કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો